Fri Oct 02 2026

Logo

મોદીના 76મા જન્મદિને 76 મહિલાઓને 76 સ્વસ્થ દેશી ગીર ગાયો અપાશે, મુખ્યમંત્રી હાજર રહેશે

2026-09-16 10:18:00
Author: Mayur Patel
મોદીના 76મા જન્મદિને 76 મહિલાઓને 76 સ્વસ્થ દેશી ગીર ગાયો અપાશે, મુખ્યમંત્રી હાજર રહેશે

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આવતીકાલે 76મો જન્મદિવસ છે. વડાપ્રધાનના જન્મદિનને વિશેષ રીતે મનાવવા ગુજરાત સહિત દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. ગુજરાતમાં પીએમ મોદીના 76મા જન્મદિનને યાદગાર બનાવવા 76 મહિલાઓને 76 સ્વસ્થ દેશી ગીર ગાયો અપાશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી પણ હાજર રહેશે.

દસ્ક્રોઈના  ધારાસભ્ય  બાબુભાઈ જામનાદાસ પટેલ તથા તેમના પરિવાર દ્વારા સંચાલિત સીતાવન ગીર ગૌશાળા ગૌસંરક્ષણ, ગૌસંવર્ધન અને ગૌસેવાના ક્ષેત્રે સતત કાર્યરત છે. તાજેતરમાં  રાજ્યપાલના હસ્તે સીતાવન ગીર ગૌશાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ગૌશાળા દ્વારા ગૌસેવાને માત્ર ધાર્મિક કે સાંસ્કૃતિક ભાવના પૂરતી મર્યાદિત ન રાખીને તેને સમાજસેવા, મહિલા સશક્તિકરણ અને આજીવિકા સર્જન સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત ગુજરાતની 76 જરૂરિયાતમંદ મહિલાઓને 76 સ્વસ્થ દેશી ગીર ગાયનું ગૌદાન કરવામાં આવશે.

ગૌદાન પાછળનો વિશેષ હેતુ

આ પહેલનો ઉદ્દેશ માત્ર ગૌમાતાનું દાન કરવાનો નથી. ગૌસેવા સાથે આદિવાસી, બીપીએલ અને આર્થિક રીતે નબળા પરિવારોની મહિલાઓને સ્વરોજગાર અને સ્થાયી આવકનું સાધન મળી રહે તથા તેઓ આત્મનિર્ભર બને તે આ પહેલનો મુખ્ય હેતુ છે. આ માટે સીતાવન ગીર ગૌશાળા પરિવાર દ્વારા અલગ-અલગ ટીમોની રચના કરવામાં આવી હતી. આ ટીમોએ ગુજરાતના વિવિધ વિસ્તારો અને ગામડાઓમાં જઈને સંભવિત લાભાર્થી પરિવારો સાથે સંપર્ક કર્યો હતો. લાભાર્થી મહિલાઓની પસંદગી દરમિયાન તેમના પરિવારની આર્થિક સ્થિતિ, જરૂરિયાત, પશુપાલન માટે ઉપલબ્ધ વ્યવસ્થા તેમજ ગૌમાતાની યોગ્ય સંભાળ રાખવાની ક્ષમતા જેવા વિવિધ માપદંડોને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા.

સ્વસ્થ ગીર ગૌમાતાની પસંદગી માટે વિશેષ પ્રક્રિયા

ગૌશાળા દ્વારા ગૌમાતાની પસંદગી માટે પણ વિશેષ ટીમ કાર્યરત કરવામાં આવી હતી. વિવિધ સ્થળોએ જઈને ગૌમાતાની તંદુરસ્તી, ઉંમર, સ્વભાવ, દૂધ આપવાની ક્ષમતા તથા સમગ્ર પશુ આરોગ્યનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. યોગ્ય ગૌમાતાની પસંદગી બાદ જરૂરી પશુચિકિત્સકીય તપાસ, આરોગ્ય પ્રમાણપત્ર, રસીકરણ તથા સંબંધિત દસ્તાવેજીકરણની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.

ગૌમાતા સાથે જરૂરી સહાય પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે

લાભાર્થી મહિલાઓને માત્ર ગૌમાતા જ નહીં, પરંતુ તેમની યોગ્ય સંભાળ માટે જરૂરી સહાય પણ આપવામાં આવશે. ગૌમાતા સાથે પશુ આહાર, મિનરલ મિશ્રણ, આરોગ્ય પ્રમાણપત્ર, રસીકરણની વિગતો તથા જરૂરી દસ્તાવેજો પણ આપવામાં આવશે. ઉપરાંત ગૌમાતાને માત્ર કાર્યક્રમ સ્થળે સોંપવાને બદલે સન્માનપૂર્વક લાભાર્થીના ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા પણ કરાશે.