(મુંબઈ સમાચાર ટીમ)
ભુજ : ગાંધીધામના ગોપાલપુરી વિસ્તારમાં રહેતા અને હાલ ભુજ ખાતે ANTF (એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ) બોર્ડર ઝોનમાં PSI તરીકે ફરજ બજાવતા પોલીસ અધિકારી સાથે સાચી જન્મતારીખ અને ઉંમર છુપાવી, બોગસ આધારકાર્ડ બનાવી લગ્ન કરીને છેતરપિંડી આચરવાના પ્રકરણમાં પત્ની સહિત સાસરિયા પક્ષના પાંચ સભ્યો સામે પોલીસ મથકે ગુનો દાખલ થયો છે.
ગાંધીધામ સ્થિત ગોપાલપુરીમાં રહેતા PSI બલભદ્રસિંહ સાહેબસિંહ ઝાલાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેમના પ્રથમ પત્નીના અવસાન બાદ પરિવારજનોની ઇચ્છાથી તેમણે બીજા લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. વર્ષ 2023માં ભાવનગર તાલુકાના ત્રાયજ ગામના બેચરજી ગોપાલજી ગોહિલ અને તેમના પરિવારજનો ફરિયાદીના ઘરે આવ્યા હતા અને તેમની પુત્રી અલ્પાબા સાથે સંબંધ બાંધવા માટે વાતચીત કરી હતી. તે વખતે અલ્પાબાની જન્મતારીખ 1 જૂન, 1985 દર્શાવતું આધારકાર્ડ રજૂ કરાયું હતું. આ વિગતો સાચી માની બંને પક્ષો વચ્ચે સગાઈ નક્કી થયા બાદ વર્ષ 2024માં વિધિવત્ લગ્ન સંપન્ન થયાં હતાં.
લગ્નની શરૂઆતથી જ પત્ની અલ્પાબાનું વર્તન માનસિક અસ્વસ્થ હોય તેવું જણાતું હતું. બાદમાં જ્યારે ફરિયાદીએ પત્નીના આધારકાર્ડમાં સાસરીનું સરનામું અપડેટ કરાવવા માટે દસ્તાવેજ માગ્યો ત્યારે પણ બનાવટી જન્મતારીખવાળી નકલ મોકલાઈ હતી. વર્ષ 2024 માં PSI ઝાલા તાલીમ અર્થે ગયા હતા ત્યારે પત્નીની માનસિક સારવાર કરાવવાના બહાને તેના પિતા અને બનેવી તેને તમામ કિંમતી ઘરેણાં તેમજ સામાન સાથે પિયર લઈ ગયા હતા. ત્યારબાદ અલ્પાબાને પરત સાસરે મોકલવાનો સ્પષ્ટ ઇનકાર કરી દેવાયો હતો.
શંકા જતાં ફરિયાદીએ ભાવનગર સ્થિત નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલય ખાતે તપાસ કરાવતાં ખુલાસો થયો હતો કે તેમની પત્નીની સાચી જન્મતારીખ 1 જૂન, 1978 છે. આમ, સાત વર્ષ ઉંમર ઓછી દર્શાવી બોગસ આધારકાર્ડ ઊભું કરી ફરિયાદીથી મોટી ઉંમરની મહિલા સાથે છેતરપિંડીપૂર્વક લગ્ન કરાવી દેવાયાં હતાં. આટલું જ નહીં, સાસરિયા પક્ષે પોતાનું કૌભાંડ ઢાંકવા અને નાણાં પડાવવાના બદઇરાદે ત્યાંની કોર્ટમાં પીએસઆઈ વિરુદ્ધ ઘરેલુ હિંસાનો ખોટો કેસ પણ કર્યો હતો.
આ સમગ્ર બનાવના આઘાત અને માનસિક ત્રાસના કારણે ફરિયાદી પીએસઆઈના માતાને લકવાનો હુમલો (સ્ટ્રોક) આવી જતાં તેઓ પથારીવશ થઈ ગયા હતા અને પિતાનું પણ અવસાન થયું હતું. ગાંધીધામ પોલીસે આ મામલે પત્ની અલ્પાબા બેચરજી ગોહિલ, સસરા બેચરજી ગોપાલજી ગોહિલ, મીનાબા મહેશકુમાર ઉર્ફે મહેશસિંહ ઝાલા, મહેશકુમાર ઉર્ફે મહેશસિંહ ઝાલા તેમજ મનહરબા રાજવીરસિંહ રાણા સામે છેતરપિંડી અને વિશ્વાસઘાત સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(ઉત્સવ વૈદ્ય)