Thu Apr 23 2026

Logo

ફારસી ભાષાની સુગંધ આપણા શબ્દોમાં ઈરાનથી ગુજરાત સુધી...

2026-03-29 08:46:00
Author: Raj Goswami
Article Image

 

ઈરાનથી પારસીઓનું ભારતમાં આગમન

મોર્નિંગ મ્યૂસિંગ - રાજ ગોસ્વામી

આજકાલ ઈરાન વૈશ્વિક રાજકારણના કેન્દ્રમાં છે. અમેરિકા અને ઇઝરાયલે આદરેલા યુદ્ધના કારણે સમાચાર ચેનલો અને અખબારોમાં ઈરાન સતત ચર્ચાનો વિષય બન્યું છે. યુદ્ધ, પ્રતિબંધો અને રાજકીય ટકરાવના આ શોરમાં આપણે ઈરાનને માત્ર એક રાજકીય શક્તિ તરીકે જ જોતા થઈએ છીએ, પરંતુ ઈરાનની વાત એટલી સીમિત નથી, ખાસ તો ભારતના સંદર્ભમાં. તે એક એવી પ્રાચીન સંસ્કૃતિનો વારસદાર દેશ છે, જેણે સદીઓ સુધી એશિયાની ભાષાઓ, સાહિત્ય અને સંસ્કૃતિને પ્રભાવિત કરી છે.

આ પ્રભાવનો એક રસપ્રદ અંશ આપણાં રોજિંદા જીવનમાં પણ છુપાયેલો છે. આપણી માતૃભાષામાં ગુજરાતીમાં! 
કદાચ આપણને ખ્યાલ પણ નહીં હોય કે આપણે રોજ બોલતા ઘણા શબ્દો ફારસી ભાષાના છે. સદીઓ પહેલાં ઈરાન અને ભારત વચ્ચે બનેલા સાંસ્કૃતિક અને વેપારી સંબંધોએ ફારસી ભાષાને ગુજરાત સુધી પહોંચાડી હતી. સમય જતા આ શબ્દો ગુજરાતીમાં એટલા ભળી ગયા કે હવે તે આપણાં જ લાગે છે.

ગુજરાતનો ઈતિહાસ હંમેશાં દરિયાઈ વેપાર માટે પ્રખ્યાત રહ્યો છે. ખંભાત, સુરત અને કચ્છનાં બંદરો એક સમયે મધ્યપૂર્વ, અરબ દેશો અને ઈરાન સાથેના વેપારનાં મહત્ત્વનાં કેન્દ્ર હતાં. અરબી અને ફારસી વેપારીઓ સદીઓ પહેલાં અહીં આવતા. એ લોકો મસાલા, કપડાં અને અન્ય વસ્તુઓના વેપાર સાથે ભાષા અને સંસ્કૃતિ પણ લઈને આવતા.
આ સંપર્કના કારણે ફારસી અને અરબી શબ્દો સ્થાનિક બોલચાલમાં ધીમે ધીમે પ્રવેશવા લાગ્યા. આ રીતે ભાષાનો એક અનોખો સંગમ સર્જાયો. તે પછી ભારતમાં મુગલ શાસન દરમિયાન ફારસી રાજકીય અને પ્રશાસકીય ભાષા બની ગઈ હતી. દરબાર, અદાલત અને દફતરોમાં ફારસીમાં કામ થતું. શાસન વ્યવસ્થાના દસ્તાવેજો, ફરમાનો અને હિસાબ-કિતાબ ફારસીમાં લખાતા.

ગુજરાત તે સમયે મુગલ સામ્રાજ્યનો મહત્ત્વનો પ્રાંત હતું. એટલે અહીંના શાસનતંત્રમાં પણ ફારસી શબ્દો પ્રચલિત બન્યા. આજે પણ આપણે જે શબ્દો વાપરીએ છીએ- દફતર, દરબાર, હિસાબ, અરજ, કાગળ, અદાલત- તે ફારસી ભાષાના વારસામાંથી આવેલા છે. સમય સાથે આ શબ્દો સ્થાનિક બોલચાલમાં એટલા ઓતપ્રોત થઈ ગયા કે હવે તે બધા ગુજરાતી શબ્દો જેવા જ લાગે છે.

ગુજરાતી ભાષામાં ફારસી શબ્દોની હાજરી ખૂબ વ્યાપક છે. ખાસ વાત એ છે કે આ શબ્દો માત્ર સાહિત્ય કે શાસન સુધી સીમિત નથી રહ્યા. તે સામાન્ય જીવનમાં પણ પ્રવેશી ગયા છે. જેમ કે ખરીદી કરવા જતાં આપણે `બજાર' શબ્દ વાપરીએ છીએ, જ્યારે ઓફિસને `દફતર' કહીએ છીએ. કોઈ માહિતી માટે `ખબર' પૂછીએ છીએ અને કોઈ મદદ કરે તો `મહેરબાની' કહીએ છીએ. `દરવાજો', `હિસાબ', `અંદાજ', `દુનિયા', `દોસ્ત', `દર્દ' જેવા અનેક શબ્દો ફારસી મૂળ ધરાવે છે.

આ શબ્દો હવે એટલા સ્વાભાવિક બની ગયા છે કે આપણે તેમની પરદેશી મૂળભૂતતા કે એની વ્યુત્પત્તિ વિશે વિચારતા પણ નથી. ફારસી ભાષા તેની કાવ્યપરંપરાને કારણે વિશ્વભરમાં જાણીતી છે. રૂમી, હાફિઝ અને સાદી જેવા મહાન કવિઓએ ફારસી કાવ્યને અદ્ભુત ઊંચાઈ આપી છે. ભારતીય ઉપખંડમાં સૂફી પરંપરા અને ફારસી કાવ્યના પ્રભાવથી ઉર્દૂ અને અન્ય ભાષાઓમાં ગઝલની પરંપરા વિકસતી ગઈ. ગુજરાતમાં પણ ગઝલ અને શાયરીએ પોતાનું સ્થાન બનાવ્યું. અને એટલે જ `દિલ', `મહોબ્બત', `આશિક', `જફા', `વફા' જેવા શબ્દો ગુજરાતી ગઝલોમાં સરળતાથી જોવા મળે છે. આ શબ્દો માત્ર ભાષાને સમૃદ્ધ બનાવતા નથી - તે ભાવના વ્યક્ત કરવાની એક નવી શૈલી પણ આપે છે. આ તમામ 
શબ્દ અરબીમાં પણ છે. ફારસીનો પ્રભાવ ત્યાં પણ મજબૂત છે.

ગુજરાત - ઈરાનના સંબંધોમાં પારસી સમુદાયનું વિશેષ સ્થાન છે. લગભગ એક હજાર વર્ષ પહેલાં ઝરથુષ્ટ્ર ધર્મના અનુયાયીઓ ઈરાનમાંથી ભારત આવ્યા અને ગુજરાતના દરિયાકાંઠે વસ્યા. આ સમુદાયે ગુજરાતની સંસ્કૃતિ સાથે સુમેળ સાધ્યો, પરંતુ સાથે સાથે પોતાની પરંપરાઓ અને ભાષાકીય વારસો પણ જાળવી રાખ્યો. પારસી સમાજના માધ્યમથી ફારસી સંસ્કૃતિ અને ગુજરાતી સમાજ વચ્ચે એક જીવંત પુલ સર્જાયો.

ભાષા ક્યારેય એકલવાયી નથી રહેતી. જ્યાં લોકો મળે છે ત્યાં શબ્દો પણ મળે છે. વેપાર, પ્રવાસ, મિત્રતા અને ક્યારેક યુદ્ધ, આ બધું ભાષાને બદલતું અને સમૃદ્ધ બનાવતું રહે છે. ફારસીનો પ્રભાવ ખાસ કરીને રસપ્રદ છે, કારણ કે તે માત્ર થોડા શબ્દો સુધી સીમિત નથી રહ્યો.  તેણે ભાષાની અભિવ્યક્તિમાં એક નરમાઈ અને કાવ્યાત્મકતા ઉમેરેલી છે.
હું આ લેખ માટે શોધખોળ કરતો હતો ત્યારે 1982માં પ્રગટ થયેલો `ગુજરાતી, અરબી, ફારસી શબ્દ કોશ'  `રેખ્તા ગુજરાતી' એપ-વેબસાઈટ પર મળ્યો. ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના હીરક મહોત્સવ નિમિત્તે હમિરમિયાં હમદુમિયાં ફારૂકી નામના લેખકે આ શબ્દોને ગ્રંથસ્થ કર્યાં હતા. એમાં જે ગુજરાતી-કમ-ફારસી-કમ- અરબી શબ્દોની વાત છે તે અહીં દર્શાવ્યા. તે તમામ શબ્દ કરતાં, નવી અને દિલચસ્પ છે, 

જેમ કે- આપણે શુદ્ધ, નિષ્કપટ કે પારદર્શી માટે `નિખાલસ' શબ્દ વાપરીએ છે. આ ઠેઠ ગુજરાતી શબ્દ લાગે છે. પણ શબ્દકોશ કહે છે કે તે `ખાલિસ' શબ્દ પરથી આવે છે, જેનો અર્થ છે, જેમાં મિલાવટ ન હોય, ખોટ ન હોય, દોષ ન હોય તેવું.

એક બીજો ગુજરાતી શબ્દ છે, નાહક. અર્થ થાય છે, વિના કારણ, નકામું, ખોટી રીતે (`રહેવા દે ને, નાહક એને ઉશ્કેરીશ નહીં.') અરબી શબ્દ છે. ના-હક, જેના પર હક ન હોય તે. એક શબ્દ છે-  નેજવું. કચ્છના લોકો આ શબ્દ બહુ વાપરે છે; આંખ ઉપર છાપરાની જેમ હથેળી રાખીને જોવું. મૂળ ફારસી શબ્દ છે, નયજ્હ, અને અર્થ છે    બારસાખના આગળના ભાગને ટેકો આપતું લાકડું. એવી જ રીતે, `પંચરંગી' શબ્દ સંપૂર્ણ ગુજરાતી બની ગયો છે, પણ છે ફારસી `પંજ (પાંચ) અને `રંગ' (રંગ)નું મિશ્રણ....

કચ્છ-કાઠિયાવાડમાં એક શબ્દ છે, પલાણવો. અર્થ થાય છે, ઘોડા પર સવાર થવું. મૂળ ફારસી શબ્દ છે  પલાણ, જેનો અર્થ થાય છે- ગધેડા પરની કાઠી. `પરેજી પાળવી' શબ્દ મૂળ ફારસી `પરહેજ' પરથી આવે છે. કેદીને જુદી કોટડીમાં (પરેજ) રાખવા. પલક શબ્દ ફારસી છે, અને તેના પરથી ગુજરાતીમાં પલકારો આવ્યો છે.

સુરતી લોકો છોકરા માટે પોયરો (અને છોકરી માટે પોરી) શબ્દ વાપરે છે. મૂળ ફારસી શબ્દ છે પોરિયો. જેને અર્થ છે છૈયો (છોકરો). ગુજરાતીમાં `બાળપણ' શબ્દનું મૂળ ફારસી `બચ્ચહ' (બચપણ) છે. આ જસ રીતે `ગાંસડી'. મૂળ ફારસી શબ્દ છે, બુકચહ, અને અર્થ છે- લૂગડાં વગેરેની પોટલી અથવા પાંચ આંગળીઓ વચ્ચે પકડેલો  જથ્થો.... ! 

આ શબ્દકોશની પ્રસ્તાવનામાં હમિરમિયાં હમદુમિયાં ફારૂકી લખે છે, `ગુજરાતી ભાષાની સેવા એક મુસલમાનને હાથે થાય, તેમાં ભૂલ હોવાના સંભવો હોય તો તે પ્રમાણે આમાં પણ ભૂલ જણાય તો દરગુજર કરી મને ખબર આપી આભારી કરશો.'  
બાય ધ વે, `દરગુજર' ફારસી શબ્દ છે. એનો અર્થ છે: 

`જોયું નાજોયું કરવું .'