Mon Sep 14 2026

Logo

Pavana Dam Water Level: પિંપરી-ચિંચવડવાસીઓનું પાણીનું સંકટ ટળ્યું! પવના ડેમ 95 ટકા ભરાયો, પણ...

2026-07-24 15:54:22
Author: Mumbai Samachar Team
Pavana Dam Water Level: પિંપરી-ચિંચવડવાસીઓનું પાણીનું સંકટ ટળ્યું! પવના ડેમ 95 ટકા ભરાયો, પણ...

પિંપરી: પિંપરી-ચિંચવડ અને આસપાસના વિસ્તારોના રહીશો માટે પીવાના પાણીને લઈને મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. માવળ ખાતે આવેલો અને શહેરની લાઈફલાઈન ગણાતો પાવના ડેમ ભારે વરસાદને કારણે પોતાની જળસંગ્રહ ક્ષમતાના 94.98 ટકા એટલે કે આશરે 95 ટકા સુધી ભરાઈ ગયો છે. આ સાથે જ પિંપરી-ચિંચવડવાસીઓ માથેથી સમગ્ર વર્ષ દરમિયાન તોળાઈ રહેલું પાણીનું સંકટ ટળી ગયું છે. 

ડેમ વિસ્તારમાં પહેલી જુલાઈથી જ વરસાદ શરૂ થયો હતો. વચ્ચે થોડા દિવસો માટે વિરામ લીધા બાદ રવિવારથી મેઘરાજાએ પુનઃ ધમાકેદાર બેટિંગ શરૂ કરતાં ડેમના જળસ્તરમાં ઝડપી વધારો નોંધાયો છે અવે નાગરિકો પર તોળાઈ રહેલું પાણીકાપનું સંકટ ઓછા-વધતાં પ્રમાણમાં રાહત તો ચોક્કસ મળી ગઈ છે. 

ડેમ ઓવરફ્લો થવા છતાં કેમ નહીં મળે રોજિંદો (Daily) પાણી પુરવઠો?
પવના ડેમ સંપૂર્ણ ભરાઈ જવાથી વર્ષભર પાણીની અછતનો ડર દૂર થયો છે, છતાં નાગરિકોને હાલ પૂરતો દરરોજ પાણી પુરવઠો મળશે નહીં અને પાણીનું વિતરણ અનિયમિત જ રહેશે. પિંપરી-ચિંચવડ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટીતંત્રે સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે જ્યાં સુધી 'ભામા-આસખેડ પાણી પુરવઠા યોજના' નું કામ સંપૂર્ણપણે પૂરું નહીં થાય, ત્યાં સુધી શહેરમાં દૈનિક પાણી પુરવઠો પુનઃ શરૂ કરી શકાશે નહીં. પરિણામે રહેવાસીઓએ રોજિંદા પાણી પુરવઠા માટે હજુ થોડી રાહ જોવી પડશે.

શહેરમાં પાણી પુરવઠાની વ્યવસ્થા અને કાપનું કારણ
પવના ડેમમાંથી માત્ર પિંપરી-ચિંચવડ શહેર જ નહીં, પરંતુ એમઆઈડીસી વિસ્તારો, કેટલીક નગરપાલિકાઓ અને માવળ તાલુકાના ગ્રામીણ વિસ્તારોને પણ પાણી પહોંચાડવામાં આવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન રાવેત ખાતે પવના નદી પર બાંધવામાં આવેલા બેરેજમાંથી પાણી મેળવે છે. આ પાણીને નિગડી સ્થિત જળ શુદ્ધિકરણ કેન્દ્રમાં શુદ્ધ કરીને સમગ્ર શહેરમાં વિતરિત કરવામાં આવે છે.

જૂન મહિનાથી લાગુ કરાયો હતો પાણીકાપ
આ વર્ષે ચોમાસા પહેલાં ડેમમાં પાણીનો સંગ્રહ ઘટીને માત્ર 16 ટકા થઈ ગયો હતો. પરિણામે, જળ સંસાધન વિભાગે 19મી જૂનથી પાણીના પુરવઠામાં 15 ટકાનો કાપ લાગુ કર્યો હતો. તંત્રે પાણી વિતરણનો સમયગાળો એકથી દોઢ કલાક જેટલો ઘટાડી દીધો હતો, જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણીનો પુરવઠો ખોરવાયો હતો. હવે ડેમ ભરાઈ જવાથી પાણીનું સંકટ દૂર થયું છે, પરંતુ દૈનિક વિતરણ વ્યવસ્થા ભામા-આસખેડ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ જ પૂર્વવત થશે.