Thu Jun 25 2026

Logo

એક ડરામણી આગાહીનું પુનર્મૂલ્યાંકન ‘પોપ્યુલેશન બોમ્બ’ થી માનવ સંભાવના સુધી...

2026-03-22 09:07:00
Author: Raj Goswami
Article Image

 

વિચારક પૌલ આર. એર્લિચે ‘પોપ્યુલેશન બોમ્બ’ શબ્દ એટલા માટે પસંદ કર્યો કે તેમના મતે વસતિ વૃદ્ધિ એક ટિક-ટિક થતા ટાઈમ બોમ્બ જેવી છે, જે કોઈપણ ક્ષણે ફાટી શકે છે. આ વિસ્ફોટ યુદ્ધ કે હથિયાર તરીકે નહીં, પરંતુ દુષ્કાળ, સંસાધનોની અછત અને પર્યાવરણના વિનાશ રૂપે દેખાશે એવું એમનું દૃઢપણે માનવું હતું.

મોર્નિંગ મ્યૂસિંગ - રાજ ગોસ્વામી


પૌલ આર. એર્લિચે 

1970ના દાયકામાં દુનિયાના માથે વધતી વસતિની ચિંતા મોટી હતી. અનેક પર્યાવરણવિદો ચેતવણી ઉચ્ચારતા હતા કે વસતિ વધારો નિયંત્રિત કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં અનેક સંકટ ઊભાં થશે. તેમની ચિંતા એ હતી કે ત્રીજા વિશ્વમાં ઊંચા પ્રજનન દરના કારણે વિકાસશીલ દેશોમાંથી અમેરિકા અને પશ્ર્ચિમના દેશો તરફ મોટાપાયે સ્થળાંતર થશે અને તેના કારણે સંસાધનો અને પર્યાવરણ પર દબાવ વધશે, જે વિનાશ નોંતરશે.

પ્રલયની આવી આગાહી કરવાવાળા વિચારકોમાં મોખરે હતા અમેરિકાની ‘સ્ટેનફોર્ડ યુનિવર્સિટી’ના પ્રોફેસર પૌલ આર. એર્લિચ. વસતિ વિસ્ફોટના કારણે ભવિષ્યમાં પૃથ્વી પર અકાળ પડશે અને સામાજિક ઊથલ-પાથલો થશે તેવી તેમની ભવિષ્યવાણી એટલી ડરામણી હતી કે દુનિયાભરના પર્યાવરણવિદો તેમના ‘અનુયાયી’ થઇ ગયા હતા. તેમણે ત્યાં સુધી કહ્યું હતું કે વસતિ પર નિયંત્રણ નહીં આવે તો અમુક સમાજોનું ‘દાયકાઓની અંદર જ’ પતન નિશ્ર્ચિત છે.

જોકે એવું ન થયું. ઊલટાનું આજે વિકસિત દેશો ઘટતા જન્મદરની સમસ્યા સાથે સંઘર્ષ કરી રહ્યા છે.  ભારત-ચીન જેવા મોટી વસતિવાળા દેશો વિશ્વના વિકાસનું એન્જિન બની રહ્યા છે. પૌલ એર્લિચે દુનિયાની વસતિને ડબલ થતી જોઈ એટલું જ નહીં, વધુ વસતિવાળા ત્રીજા વિશ્વના દેશોને વિકાસની હરણફાળ ભરતાં પણ જોયા. તે 93 વર્ષના હતા, જે હમણાં 13 માર્ચના અવસાન  પામ્યા ત્યારે દુનિયાભરના મીડિયાએ તેમને ‘ખોટા પડેલા ભવિષ્યવેતા’ તરીકે યાદ કર્યા હતા.

એર્લિચનો જન્મ 1932માં થયો હતો. નાનપણથી જ પર્યાવરણમાં દિલચસ્પી હતી. આગળ જતા એ જીવવિજ્ઞાનમાં ભણ્યા હતા. 1969માં, કેલિફોર્નિયાની કોમનવેલ્થ ક્લબમાં એર્લિચે વસતિ વધારા પર એક પ્રવચન આપ્યું હતું. રેડિયો પર તેનું પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું. તેમને એ પ્રવચન બદલ એટલી વાહવાહી મળી હતી કે એક અમેરિકન પ્રકાશક અને એક પર્યાવરણવાદી ક્લબે તેમને આ વિષય પર પુસ્તક લખવા માટે પ્રેર્યા. અને એ રીતે તેમનું એક પ્રસિદ્ધ અને વિવાદાસ્પદ પુસ્તક ‘ધ પોપ્યુલેશન બોમ્બ’ આવ્યું.

પુસ્તકમાં તેમણે ચેતવણી આપી હતી કે જો વસતિ વૃદ્ધિ આ જ ગતિએ ચાલુ રહેશે, તો પૃથ્વીના મર્યાદિત સંસાધનો માનવજાતની જરૂરિયાતો પૂરી કરી શકશે નહીં. આ પુસ્તક માત્ર વૈજ્ઞાનિક અભ્યાસ નહોતું, પરંતુ એક જોરદાર ચેતવણી હતી; એક એવી ચેતવણી જેને તેમણે ‘બોમ્બ’ના રૂપક દ્વારા વધુ પ્રભાવશાળી બનાવી હતી.

એર્લિચે ‘પોપ્યુલેશન બોમ્બ’ શબ્દ એટલા માટે પસંદ કર્યો કે તેમના મતે વસતિ વૃદ્ધિ એક ટિક-ટિક થતા ટાઈમ બોમ્બ જેવી છે, જે કોઈપણ ક્ષણે ફાટી શકે છે. આ વિસ્ફોટ યુદ્ધ કે હથિયાર તરીકે નહીં, પરંતુ દુષ્કાળ, સંસાધનોની અછત અને પર્યાવરણના વિનાશ રૂપે દેખાશે, એવો તેમનો વિશ્વાસ હતો. 1960ના દાયકામાં, જ્યારે વિશ્વની વસતિ ઝડપથી વધી રહી હતી અને વિકાસશીલ દેશોમાં ખાદ્ય ઉત્પાદન મર્યાદિત હતું, ત્યારે આ ભય વાસ્તવિક લાગતો હતો. તે સમયના સંદર્ભમાં એર્લિચનો અભિગમ એક જવાબદાર વૈજ્ઞાનિકની ચિંતાનું પ્રતિબિંબ હતો, પરંતુ સમય સાથે સ્પષ્ટ થયું કે તેમની ઘણી આગાહીઓ સાચી સાબિત થઈ નહોતી. તેમણે અનુમાન લગાવ્યું હતું કે      1970 અને 1980ના દાયકામાં, ખાસ કરીને ભારત જેવા દેશોમાં, મોટા પાયે દુષ્કાળ અને ભૂખમરીથી લાખો લોકોનાં મોત થશે. એવું પણ ન થયું. માનવજાતની નવીનતા અને વૈજ્ઞાનિક પ્રગતિએ આ દિશા બદલી. કૃષિ ક્ષેત્રમાં હરિત ક્રાંતિએ ખાદ્ય ઉત્પાદનને અણધાર્યા સ્તરે વધારી દીધું. સુધારેલા બીજ, ખાતર, સિંચાઈ અને આધુનિક કૃષિ પદ્ધતિઓએ બતાવ્યું કે માણસ સમસ્યાનો ઉકેલ શોધવામાં સક્ષમ છે. 
સાથે સાથે શિક્ષણના પ્રસાર, ખાસ કરીને મહિલાઓના શિક્ષણ અને શહેરીકરણના કારણે જન્મદર ધીમે ધીમે ઘટવા લાગ્યો જેનાથી વસતિ વૃદ્ધિની ગતિ પણ નિયંત્રિત થઇ. એટલે એ પણ સ્પષ્ટ થયું કે એર્લિચે માનવ સમાજની અનુકૂલન સાધવાની ક્ષમતાને ઓછી આંકી હતી. 
વૈશ્વિક વેપાર અને પુરવઠા પ્રણાલીના વિકાસને કારણે એક વિસ્તારમાં અછત હોય તો બીજા વિસ્તારમાંથી સંસાધનો મેળવવા શક્ય બન્યું. એટલે તેમણે કલ્પેલો ‘વિસ્ફોટ’ એ રીતે થયો નહીં. છતાં પણ, તેમની ચેતવણી સંપૂર્ણપણે ખોટી હતી એવું કહેવું યોગ્ય નથી. આજેય આપણે જળવાયુ પરિવર્તન, જૈવ વૈવિધ્યનો ઘટાડો અને કુદરતી સંસાધનોના અતિશય શોષણ જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ, જે તેમની ચિંતામાં રહેલી સચ્ચાઈ તરફ ઇશારો કરે છે.

આમેય સમય જતાં વસતિ પ્રત્યેનો દૃષ્ટિકોણ પણ બદલાયો છે. આજે વસતિને માત્ર સમસ્યા નહીં, પરંતુ સંભાવિત શક્તિ તરીકે જોવામાં આવે છે. મોટી વસતિનો અર્થ માત્ર વધુ વપરાશ નથી, પરંતુ વધુ માનવીય મૂડી પણ છે. દરેક વ્યક્તિ તેની સાથે જ્ઞાન, કુશળતા અને નવીનતા લાવે છે. યુવા વસતિ ધરાવતા દેશો ‘ડેમોગ્રાફિક ડિવિડન્ડ’નો લાભ લઈ શકે છે, જે આર્થિક વિકાસને ગતિ આપે છે. વધુ લોકો એટલે વધુ વિચારો, વધુ ઉદ્યોગસાહસ અને વધુ ઉકેલો; અને એ જ કારણ છે કે ભારત જેવા અનેક દેશોએ પોતાની વસતિને પોતાની તાકાતમાં ફેરવી છે. તે સિવાય, મોટી વસતિ એક વિશાળ બજાર પણ ઊભું કરે છે, જે ઉદ્યોગ, વેપાર અને સેવાઓના વિસ્તરણને પ્રોત્સાહન આપે છે. ભારત અને ચીન આ જ બાબત પર પશ્ર્ચિમના વિકસિત દેશોને હંફાવે છે. સ્પર્ધા વધવાથી નવીનતા પણ વધે છે. ઈતિહાસ સાબિત કરે છે કે માનવ પ્રગતિનો મોટો હિસ્સો વધતી વસતિ અને તેની સાથે આવતા પડકારોથી પ્રેરિત રહ્યો છે. સમસ્યાઓ વધે છે ત્યારે તેમના ઉકેલો શોધવાની પ્રેરણા પણ વધે છે.

અહીં એ સમજવું જરૂરી છે કે વસતિ ત્યારે જ વરદાન બની શકે જ્યારે તેને યોગ્ય દિશામાં વિકસાવવામાં આવે. શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને સંસાધનોનું સંતુલિત સંચાલન ન હોય, તો એ જ વસતિ ભાર બની શકે. એટલે મૂળ પડકાર સંખ્યાનો નથી, પરંતુ ગુણવત્તા અને સંચાલનનો છે. એર્લિચના અભિગમમાં આ દ્રષ્ટિકોણની કમી હતી.

ખેર, એર્લિચને યાદ રાખવાનો આધાર તેમની સાચી-ખોટી અગાહીઓ ન હોવો જોઈએ. તેમનું યોગદાન એ છે કે જ્યારે કોઈને વિચાર નહોતો આવતો ત્યારે તેમણે દુનિયાને વસતિ વધારા અંગે વિચારવા મજબૂર કરી હતી અને આપણને યાદ અપાવ્યું કે પૃથ્વીના સંસાધનો મર્યાદિત છે. તેમનો ‘પોપ્યુલેશન બોમ્બ’ ભલે ફાટ્યો ન હોય, પરંતુ તેણે માનવજાતને સમયસર સચેત જરૂર કરી.

આજે જ્યારે આપણે વસતિને એક અવસર તરીકે જોઈ રહ્યા છીએ, ત્યારે પણ એર્લિચની ચેતવણી એટલી જ પ્રાસંગિક છે. તેમની સાચી શ્રદ્ધાંજલિ એ જ હશે કે આપણે તેમની વાતોને અતિશયોક્તિ ગણાવીને નકારી ન કાઢીએ, પરંતુ તેમાંથી શીખ લઈએ અને એવું સંતુલન સ્થાપિત કરીએ જ્યાં વસતિ- માનવ વિકાસ અને પૃથ્વીના સંરક્ષણ વચ્ચે સુમેળ જળવાઈ રહે.