Mon Aug 31 2026

Logo

પટનામાં વિદ્યાર્થીઓનો હલ્લાબોલ! બેરિકેડ તૂટ્યા, પોલીસ સાથે ઝપાઝપી

2026-08-25 12:31:00
Author: Mumbai Samachar Team
પટનામાં વિદ્યાર્થીઓનો હલ્લાબોલ! બેરિકેડ તૂટ્યા, પોલીસ સાથે ઝપાઝપી

પટણાઃ બિહારના પાટનગર શહેર પટણામાં થયેલા વિદ્યાર્થી વિરોધ પ્રદર્શનમાં મોટી બબાલ થયાનું જાણવા મળ્યું છે. પોલીસ અને વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ થયું હોવાનું જાણવા મળ્યું છે. મુખ્યમંત્રીના આવાસના ઘેરાવ દરમિયાન બબાલ થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ વિદ્યાર્થીઓ 70મી BPSCની પરીક્ષા રદ્દ કરવાની માગ સાથે રસ્તા પર ઊતર્યા હતા.  આ વિદ્યાર્થીઓએ ગાંધી મેદાનથી રાજભવન સુધી રેલી કરવાનું એલાન કર્યું હતું. રાજભવન તરફ આગળ વધી રહેલા વિદ્યાર્થીઓએ પોલીસના લગાવેલા બેરિકેટ તોડી નાંખ્યા હતા. આ પછી પોલીસે વિદ્યાર્થીઓ પર બળ પ્રયોગ કર્યો હતો. 

શું કહ્યું ઉચ્ચ પોલીસ અધિકારી?
બિહાર પોલીસ વિદ્યાર્થીઓને રાજભવન જતા રોકી રહી હતી. પોલીસે એલર્ટ આપ્યું હોવા છતા વિદ્યાર્થીઓ માન્યા ન હતા. વિદ્યાર્થીઓ સતત આગળ વધી રહ્યા હતા. વિદ્યાર્થીઓની માગ માત્ર પરીક્ષા રદ્દ કરવાની ન હતી પણ અન્ય માગ પણ હતી. આ માટે તેઓ મુખ્યમંત્રી આવાસનો ઘેરાવો કરવા માગતા હતા. આ સમગ્ર મામલા પર ડીએસપી કામાખ્યા નારાયણસિંહે કહ્યું હતું કે, અમે એમને રોક્યા હતા અને આગળ જવા દીધા ન હતા.


વિદ્યાર્થીઓ સાથે અમારી વાતચીત પોઝિટિવ રહી છે. એવી આશા છે કે, વિદ્યાર્થીઓ માની જશે. વિદ્યાર્થીઓએ વરિષ્ઠ અધિકારી સામે અનેક એવા મુદ્દાઓ ઊઠાવ્યા છે. પરિણામ એ દરેકના પોઝિટિવ રહ્યા છે. આ માટે મને એવી આશા છે કે ભીડ ઓછી થશે અને વિદ્યાર્થીઓ માની જશે.  મુખ્યમંત્રી આવાસ એક પ્રતિબંધિત વિસ્તાર છે આવા વિસ્તારમાં જવા માટે અમે એમને રોકી શકીએ એમ છીએ. 

ભરતી પ્રક્રિયા ફરી વિવાદમાં 
વાતચીત પોઝિટિવ રહ્યા બાદ પણ કેટલાક વિદ્યાર્થીઓ મુખ્યમંત્રી આવાસ બાજુ દોડી આવ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી વિદ્યાર્થીઓ પોતાની માગ સાથે ગર્દનીબાગ વિસ્તારમાં ધરણા પર બેઠા હતા. વિદ્યાર્થીઓ TRE-4 શિક્ષક ભરતી પ્રક્રિયામાંથી પ્રિલિમિનરી અને મેઈન પરીક્ષાઓ તેમજ નેગેટિવ માર્કિંગ દૂર કરવાની તેમની માંગ પર અડગ છે.
 


સરકારે તેમને ખાતરી આપી છે કે તેમની ઘણી માંગણીઓ પૂર્ણ કરવામાં આવશે, તેમ છતાં વિદ્યાર્થીઓ આજે સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવા માટે પટનાના રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. દિલ્હીનાં જંતરમંતર પછી વિદ્યાર્થીઓએ બિહારને બાનમાં લીધું છે. વિદ્યાર્થીઓને માગને લઈ હવે મામલો ગંભીર બની રહ્યો છે.