વડોદરાઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે વડોદરામાં સરદારધામ-3નું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના ટોચના ઉદ્યોગપતિએ પાટીદારોની સંસ્થાને યુનિવર્સિટી બનાવવા 500 કરોડના દાનની જાહેરાત કરી હતી.
ક્યા ટોચના ઉદ્યોગપતિએ 500 કરોડનું દાન આપ્યું
જાણીતા ઉદ્યોગપતિ પંકજ પટેલે સરદારધામના માધ્યમથી શિક્ષણ અને સામાજિક ઉત્થાન માટે સોમવારે વડોદરામાં મહત્ત્વની જાહેરાત કરી હતી. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં રૂ. 500 કરોડના ખર્ચે સરદારધામ યુનિવર્સિટી સ્થાપવાની જાહેરાત કરી હતી. અમદાવાદમાં સરદારધામના પરિસરમાં જ યુનિવર્સિટી બનશે. જેનો ઉદ્દેશ ગુણવત્તાયુક્ત શિક્ષણ, કૌશલ્ય વિકાસ છે. આ માટે પંકજ પટેલ દ્વારા રૂ. 500 કરોડનું દાન આપવામાં આવશે. સરદારધામ દ્વારા સમાજના યુવાનોને આધુનિક શિક્ષણ અને રોજગારી પૂરી પાડવાનો લક્ષ્ય છે.
પંકજ પટેલને લઈ શું બોલ્યા પીએમ મોદી
સરદારધામના લોકાર્પણ પ્રસંગે વડાપ્રધાન મોદીનું પાટીદાર સમાજ દ્વારા સરદાર ગૌરવ રત્ન એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. વડા પ્રધાને આ એવોર્ડ વિશે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે આ એવોર્ડ આપી તમે મારી જવાબદારી વધારી છે અને તેમાં પાછીપાની કરવાનો મારો સ્વભાવ નથી. આમ પણ સરદાર સાહેબના સપના પૂરા કરવાનું મારા નસીબમાં લખાયું છે. તેમણે જનરલ કેરીઅપ્પાનો દાખલો ટાંકતા કહ્યું હતું કે તેઓનું ગામમાં સન્માન કરાયું ત્યારે પૂછવામાં આવ્યું કે તમે કેમ આટલા ખુશ છો, ત્યારે જનરલે કહ્યું હતું કે દેશ વિદેશમાં તો મારું સન્માન થાય છે પણ ઘરમાં સન્માન થાય તેનો આનંદ વિશેષ હોય છે આજે વિદેશોમાં મારુ સન્માન થાય છે પણ મારા ઘરમાં મારુ સન્માન થાય તેનાથી મારી શક્તિ વધી જતી હોય છે. તેમાં પણ અહીની ખાસીયત એ છે કે, પંકજ પટેલ, નરહરી અમીન અને હું, અમે ત્રણેય નવનિર્માણની ઓલાદો છીએ.
શું છે સરદારધામ
સરદારધામ એ પાટીદાર સમાજનું એક સંગઠન છે. આ સંગઠન જરૂરિયાતમંદ પાટીદાર યુવાનોની મદદ કરે છે અને તેમને સ્પર્ધાત્મક પરીક્ષાઓ તેમજ સ્કિલ ડેવલપમેન્ટ માટે તાલીમ આપે છે. સરદારધામનું મુખ્ય મથક અમદાવાદમાં સરદાર પટેલ રિંગ રોડ પર આવેલું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે વડોદરામાં સરદારધામના ત્રીજા શૈક્ષણિક સંકુલનું ઉદ્ઘાટન કર્યું હતું.