વડોદરાઃ ટ્રેનમાં ચોરી કરતી ગોધરાની સિગ્નલ ફળિયા ગેંગ ઝડપાઈ હતી. ગેંગની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જે મુજબ ગેંગનું પાકિસ્તાન કનેકશન બહાર આવ્યું હતું. તેમજ ગુજસીટોકના ગુનામાં ઝડપાયેલો ખાલી પોસ્તી મિત્રો સાથે પાકિસ્તાન ગયો હોવાની કબૂલાત કરી હતી.
શું છે મામલો
પશ્ચિમ રેલવે અંતર્ગત વડોદરા ઉપરાંત ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ધાડ, રેલવે સંપત્તિની ચોરી, સરકારી કર્મચારીઓ પર હુમલા, હત્યાના પ્રયાસ, મુસાફરોના પર્સ ખેંચીને ચોરી, ગૌમાંસનો ગેરકાયદેસર સંગ્રહ, દારૂની હેરાફેરી જેવા ગુનાઓ આચરતી સિગ્નળ ફલિયા ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ગોધરા સ્થિત સિગ્નલ ફળીયા ગેંગ નામની આ ટોળકીના છ લોકોની સામે ગુનો નોંધાયો હતો. તેમાં જેમ જેમ નામ ખૂલતા ગયા તેમ તેમ અત્યાર સુધીમાં ઝડપાયેલાઓની સંખ્યા બાર પર પહોચી ગઇ હતી.
આ રીતે કરતી હતી ચોરી
આરોપીઓની મોડસ ઓપરેન્ડી રેલવે લાઈન પર સ્ટેશનથી અડધો કિલોમીટર દૂર આવેલા આઉટર સિગ્નલ કે હોમ સિગ્નલ થાંભલા પાસેના ઇલેક્ટ્રિક બોક્સમાં ધાતુનો ટુકડો મૂકીને સિગ્નલ લાઇટને લાલ કરી દેતા હતા. આના કારણે ટ્રેનના લોકોપાયલોટને સિગ્નલ ન મળવાથી ટ્રેન ધીમી પડતી અથવા ઊભી રહેતી હતી, જેનો લાભ લઇને ગેંગ પેસેન્જર ટ્રેનમાં ચઢી લૂંટ કરતી અથવા બારી પાસે બેઠેલા મુસાફરોના કિંમતી સામાનને ખેંચીને ચોરી કરી ફરાર થઈ જતા હતા.
એક મહિનો પાકિસ્તામાં રોકાયાની કરી કબૂલાત
આરોપી ખાલીદ ઉર્ફે ચકલા ઉર્ફે બકુલ શોકત પોસ્તીની પૂછપરછ દરમિયાન વર્ષ 2017-18માં પોતાના પરિવારના સભ્યો અને મિત્રો સાથે 25 થી 30 દિવસ સુધી પાકિસ્તાન ગયો હોવાની કબૂલાત કરી હતી. આરોપી પાકિસ્તાન કેવી રીતે ગયો અને શા કારણે ગયો તેમજ પાકિસ્તાન જવા તથા આવવા અંગે પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી કે કેમ ? તેમજ પાકિસ્તાન ખાતે ક્યાં રોકાયો હતો ? જેવી પૂછપરછ કરવામાં આવી રહી છે.
ટ્રેન ઉથલાવી નાખવાનો પણ પ્રયાસ
આ ટોળકી દ્વારા ટ્રેન ઉથલાવી નાખવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ગેંગ રેલવે ટ્રેકના બન્ને પાટાઓને જોડતી ફિશર પ્લેટને નુક્સાન પહોંચાડી અથવા કાઢી નાખીને ટ્રેન ડિરેલમેન્ટ થાય તેવા કૃત્ય પણ કરતી હતી.