Sun Jul 26 2026

Logo

ઈતિહાસમાં પહેલી વાર મુખ્ય ચૂંટણી કમિશનરને હટાવવા વિપક્ષ એક, સંસદના બંને ગૃહને સોંપી નોટિસ...

2026-03-13 16:28:40
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ સંસદમાં સ્પીકર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ ફગાવવામાં આવ્યા પછી હવે મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) સામે મહાભિયોગનો પ્રસ્તાવ લાવવા માટે વિપક્ષ કમર કસી છે. સંસદના ઈતિહાસમાં પહેલી વખત કોઈ મુખ્ય ચૂંટણી કમિશનરની સામે આવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેનું નેતૃત્વ તૃણમુલ કોંગ્રેસે કર્યો છે, જ્યારે ઈન્ડિ ગઠબંધનની વિવિધ પાર્ટીનો સમાવેશ છે. ઉપરાંત, અમુક અપક્ષ સાંસદોએ મહાભિયોગ પ્રસ્તાવને સમર્થન આપ્યું છે. 10 પાનાની નોટિસમાં 190થી વધુ સાંસદોએ હસ્તાક્ષર કર્યા છે.

દેશના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની સામે વિપક્ષના મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી દીધી છે. સંસદના બંને ગૃહમાં વિપક્ષ તરફથી મહાભિયોગ પ્રસ્તાવ સંબંધિત નોટિસ મોકલવામાં આવી છે. વિપક્ષે આરોપ મૂક્યો છે કે જ્ઞાનેશ કુમાર સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની મદદ કરે છે અને વિપક્ષની વિરોધમાં કામ કરે છે. દસ પાનાની નોટિસમાં સાત મહત્ત્વના મુદ્દાને આધારે જ્ઞાનેશ કુમારને હટાવવા અનુરોધ કર્યો છે. ચોંકાવનારી વાત એ છે કે વિપક્ષના મોટા ભાગના સાંસદોએ હસ્તાક્ષર કર્યા છે, પરંતુ લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને રાજ્યસભામાં વિપક્ષના મલ્લિકાર્જુન ખડગેએ હસ્તાક્ષર કર્યાં નથી.

મુખ્ય ચૂંટણી કમિશનરને હટાવવાની પ્રક્રિયા
સુપ્રીમ કોર્ટના કોઈ ન્યાયાધીશને હટાવવા માટે અપનાવવામાં આવે છે એના માફક મુખ્ય ચૂંટણી કમિશનર (સીઈસી)ને હોદ્દા પર હટાવવાની પ્રક્રિયા અપનાવાય છે. બંધારણના અનુચ્છેદ 324(5) અન્વયે સીઈસીને ફક્ત એ જ રીતે પદ પરથી દૂર કરવામાં આવે છે, જે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ માટે લાગુ પડે છે. એના માટે લોકસભાના ઓછામાં ઓછા 100 સભ્ય અથવા રાજ્યસભાના પચાસ સભ્યોના હસ્તાક્ષર સાથે પ્રસ્તાવ લાવવાનું જરુરી હોય છે. સીઈસી અથવા અન્ય કોઈ ચૂંટણી કમિશનરને હટાવવાની પ્રક્રિયા બંધારણના અનુચ્છેદ 324માં જણાવ્યું છે. જેમાં સ્પષ્ટ જણાવ્યું છે કે આ પદ પર ફક્ત એ જ રીતે અને એના આધારે હટાવી શકાય છે.