નવી દિલ્હીઃ ઑપરેશન સિંદૂર દરમિયાન ચીને પાડોશી દેશ પાકિસ્તાનની મદદ કરી હતી, આ મામલે હવે ભારતનું નિવેદન સામે આવ્યું છે. ઑપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનની મદદ ચીને કરી હતી. ચીને આ વાત સ્વીકારી પણ છે. આ પછી વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે, અમને એવા રિપોર્ટ મળ્યા હતા કે, જે પહેલાથી કેટલીક જાણકારીઓની પુષ્ટિ કરતા હતા. ઑપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનને ચીનનું સમર્થન હતું. આ સંબંધિત કેટલાક રિપોર્ટ મળ્યા છે. અમે આ રિપોર્ટનો અભ્યાસ કર્યો છે. કેટલાક તથ્યોની ખાતરી પણ કરી છે જેની અમને અગાઉથી જાણ હતી.
ચીનની પ્રતિષ્ઠાને અસર
ઑપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનની મદદ કરનારા ચીન પર ભારતે કહ્યું કે, આ દેશોને આત્મચિંતન કરવા માટે પ્રેરિત કરીએ છીએ કે, આંતકી અડ્ડાઓની સુરક્ષા માટે પ્રયાસ કરવા કે સમર્થન કરવું એમની પ્રતિષ્ઠાને અસર કરે છે કે નહીં. ઑપરેશન સિંદૂર કાશ્મીરના પહેલગામમાં બનેલી ઘટનાનો વળતો જડબાતોડ જવાબ હતો. જેનો હેતું આતંકી અડ્ડાઓનો ખાતમો બોલાવવાનું હતું. આ આતંકી અડ્ડાઓ ન માત્ર પાકિસ્તાન પ્રેરિત હતા પણ પાકિસ્તાનના ઈશારે ઑપરેટ થતા હતા. આતંકી અડ્ડાઓને સુરક્ષાઓ આપવી અને સમર્થન કરવું એ મુદ્દે એકવાર આત્મચિંતન કરવા જેવું છે, કારણ કે આનાથી વૈશ્વિક સ્તરે રહેલી તમારી પ્રતિષ્ઠાને પણ ક્યાંક અસર કરે છે.
સૈન્ય અધિકારીનો દાવો
ભારતીય સેનાના આર્મી ચીફ સ્ટાફ જનરલ રાહુલ સિંહે જુલાઈ 2025માં એવો દાવો કર્યો હતો કે, ઑપરેશન સિંદૂર દરમિયાન ચીને પાકિસ્તાનની મદદ કરી હતી. સાઉથ ચાઈના મોર્નિંગના રિપોર્ટ અનુસાર ચીનના સરકારી મીડિયા CCTV પર પ્રસારિત એક મુલાકાતમાં ચેંગદુ એરક્રાફ્ટ ડિઝાઈન એન્ડ રિસર્ચ સંસ્થાના ઈજનેર ઝાંગ હેંગે જણાવ્યું હતું કે, એમની એક ટીમ પાકિસ્તાનને ઑપરેશન સિંદૂર વખતે ટેકનિકલ મદદ પૂરી પાડી રહી હતી. એમનું કામ યુદ્ધ જહાંજ અને એમની સાથે જોડાયેલી કેટલીક સિસ્ટમને પૂરી રીતે યુદ્ધ માટે તૈયાર રાખવાનું હતું. પાકિસ્તાન એરફોર્સ ચીનમાં તૈયાર થયેલા J-10CE યુદ્ધ વિમાનનો ઉપયોગ કરે છે. આ વિમાન AVIC નામની કંપની બનાવે છે.
બે દેશનો ચહેરો ઉઘાડો પડ્યો
તાજેતરમાં જ ઑપરેશન સિંદૂરને એક વર્ષ પૂર્ણ થયું હતું. આ દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સોશિયલ મીડિયા પર પ્રોફાઈલ પિક્ચર ચેન્જ કરીને ઑપરેશન સિંદૂરનો લોગો સેટ કર્યો હતો. 25 મિનિટના ફાયરિંગમાં નવથી વધુ આતંકી લૉંચ પેડનો ખાતમો બોલાવી દેવામાં આવ્યો હતો. ખાસ કરીને પાકિસ્તાન ઑક્યુપાઈડ કાશ્મીરમાં રહેલા આતંકી અડ્ડાઓને નિશાન બનાવીને હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ ફરી પાકિસ્તાનનો ચહેરો અને પાકિસ્તાનને સમર્થન આપીને આ વખતે ચીનનો ચહેરો વિશ્વ સમક્ષ ઉઘાડો પડી ગયો છે. આ પછી પાકિસ્તાને પણ કેટલાક પાયાવિહોણા નિવેદન કર્યા હતા.