Tue Sep 15 2026

Logo

સરાહનીયઃ વરસાદી આફતો વચ્ચે સ્થાનિક તંત્રો કેવી સરસ કામગીરી કરતા હોય  છે તે જાણો...

2026-08-01 19:03:52
Author: Pooja Shah
સરાહનીયઃ વરસાદી આફતો વચ્ચે સ્થાનિક તંત્રો કેવી સરસ કામગીરી કરતા હોય  છે તે જાણો...

અમદાવાદઃ વરસાદ ગુજરાતને ધમરોળી રહ્યું છે અને આ સમયે આરોગ્ય સેવાઓ લોકો સુધી પહોંચાડવી પડાકર બની રહે છે. તેવામાં સગર્ભા મહિલાઓ માટે પણ આરોગ્ય કેન્દ્રો કે હૉસ્પિટલ સુધી પહોંચવું મોટો પડકાર છે. આ વાતને ધ્યાનમાં રાખી નર્મદા જિલ્લામાં આગોત્તરું આયોજન કરવામાં આવ્યું હતું. 

રાજ્ય સરકારે આપેલી માહિતી અનુસાર નર્મદા જિલ્લામાં ભારે વરસાદ અને 'રેડ એલર્ટ'ની પરિસ્થિતિ વચ્ચે આરોગ્ય તંત્ર દ્વારા ‘ઓપરેશન સેફ ડિલિવરી’ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ભારે વરસાદને લીધે અસરગ્રસ્ત થઇ શકે તેવા વિસ્તારોમાંથી આરોગ્ય ટીમો દ્વારા તા. ૩૦ જુલાઈ થી ૧ ઓગસ્ટ દરમિયાન ૧૫ ઓગસ્ટ ૨૦૨૬ પહેલાની સંભવિત ડિલિવરી ડેટ ધરાવતી ૧૪૨ સગર્ભા મહિલાની ઓળખ કરવામાં આવી હતી. આ પૈકી ૧૦૧ જેટલી સગર્ભા બહેનોને આરોગ્ય કેન્દ્રોમાં સફળતાપૂર્વક શિફ્ટ કરવામાં આવી હતી. આ આગોતરા આયોજનના પરિણામે, શિફ્ટ કરવામાં આવેલી મહિલાઓમાંથી ૨૫ સગર્ભા બહેનોની સુખદ અને સફળ પ્રસૂતિ કરાવવામાં આવી છે. 

આ અંગે વિગતો આપતા જિલ્લા આર.સી.એચ. અધિકારી ડૉ. ઝંખના વસાવાએ જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં ગરુડેશ્વર તાલુકાના ૬, નાંદોદ તાલુકાના ૬, ચિકદા તાલુકાના ૫, સાગબારા તાલુકાના ૪, તિલકવાડા તાલુકાના ૩ અને દેડીયાપાડા તાલુકાના ૧ એમ કુલ મળી ૨૫ પ્રસૂતાઓની સફળ ડિલિવરી કરવામાં આવી હતી. હાલમાં તમામ ૨૫ નવજાત શિશુઓ અને તેમની માતાઓ સંપૂર્ણપણે સ્વસ્થ અને સુરક્ષિત છે.