Thu Sep 10 2026

Logo

થાઈલેન્ડમાં માનવ તસ્કરીનો શિકાર બનેલી આણંદની બે સગી બહેનોનું ૨૦ દિવસ બાદ સફળ રેસ્ક્યુ

2026-06-05 15:09:00
Author: Devayat Khatana
થાઈલેન્ડમાં માનવ તસ્કરીનો શિકાર બનેલી આણંદની બે સગી બહેનોનું ૨૦ દિવસ બાદ સફળ રેસ્ક્યુ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: આણંદ જિલ્લાના બોરસદ તાલુકાની બે સગી બહેનો નોકરીની શોધમાં થાઈલેન્ડ ગઈ હતી, પરંતુ ત્યાં પહોંચ્યા બાદ તેમને છેતરપિંડીથી સરહદ પાર કરાવીને લાઓસમાં માનવ તસ્કરી કરતી ગેંગના સકંજામાં ધકેલી દેવામાં આવી હોવાની ચોંકવાનારી ઘટના પ્રકાશમાં આવી હતી. લગભગ 20 દિવસ સુધી બંને દીકરીઓનો કોઈ સંપર્ક ન થતાં પરિવારે આણંદના સાંસદ મિતેશ પટેલનો સંપર્ક સાધ્યો હતો. આ ઘટનાની ગંભીરતાને પારખીને સાંસદે તાત્કાલિક વિદેશ મંત્રાલય, ભારતીય દૂતાવાસ અને ઉચ્ચ રાજદ્વારી ચેનલો મારફતે યુવતીઓને શોધવા માટે સઘન રજૂઆત કરી હતી.

કેન્દ્ર સરકારની ત્વરિત કાર્યવાહીના પગલે, ભારતીય દૂતાવાસ, લાઓસ પોલીસ અને લાઓસ આર્મીના સંયુક્ત પ્રયાસોથી 'ઓપરેશન મહીસાગર ૨.૦' શરૂ કરવામાં આવ્યું હતું. આ સઘન અને સંકલિત બચાવ કામગીરીના પરિણામે લાઓસના હૌઆફાન પ્રાંતમાંથી બંને બહેનોને હેમખેમ મુક્ત કરાવવામાં સફળતા મળી હતી. બચાવ કામગીરી પૂર્ણ થયા બાદ તરત જ ભારતીય દૂતાવાસે બહેનોનો તેમના પરિવાર સાથે વિડિયો કૉલ કરાવ્યો હતો, જેનાથી ત્રણ અઠવાડિયાથી દીકરીઓની સુરક્ષા માટે ચિંતાતુર માતાપિતાએ રાહતનો શ્વાસ લીધો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, હાલ બંને યુવતીઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે  અને તેમને વહેલી તકે ભારત પરત લાવવા માટેની જરૂરી કાનૂની અને વહીવટી પ્રક્રિયાઓ ચાલી રહી હોવાનું જણાવ્યું હતું.