નવી દિલ્હીઃ મિડલ ઈસ્ટના તણાવગ્રસ્ત માહોલમાંથી પરત આવેલા બે ભારતીયોએ પોતાની આપવીતી અને પોતે જોયેલા દ્રશ્યો અંગે વાતચીત કરી છે. ક્રૂ મેમ્બર્સ વિક્રમ ઘોષ અને અબ્દુલ રહેમાન નામના બે વ્યક્તિઓએ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી સ્થિતિ અંગે આંખે જોયેલો અહેવાલ જણાવ્યો હતો. મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, અમે સ્કાઈલાઈટ નામના જહાજ પર હતા. આ એક ઓઈલશિપ હતી. જ્યાં અમે આરામ કરી રહ્યા હતા, અમારી કેબિનની નીચે જ એન્જિન રૂમ હતો. પહેલીવાર ધડાકો એન્જિનરૂમ પાસે થયો હતો.
શું જોયું અને શું અનુભવ્યું?
વિક્રમ ઘોષે જણાવ્યું હતું કે,પહેલીવાર જ્યારે ધડાકો થયો એ સમયે સમગ્ર શિપની આસપાસ ધુમાંડો ફરી વળ્યો હતો. ધડાકો એટલો જોરદાર હતો કે, શિપની આખી પોઝિશન બદલી ગઈ હતી. ટનના વજન ધરાવતું જહાજ પોઝિશન બદલે દે તો સમજી શકો છો કે કેવી સ્થિતિ રહી હશે. અમે બધાએ કોઈ રીતે બહાર નીકળવાનો પ્રયત્ન કર્યો અને જ્યારે હેડ કાઉન્ટ કર્યો ત્યારે જહાજના કેપ્ટન અને એક અન્ય ક્રૂ સભ્ય ગુમ હતા. અમે તેમને ઘણાં બોલાવ્યા, પરંતુ તેઓ ક્યાંય મળ્યા નહીં. ત્યારબાદ કોઈ રીતે ઓમાનની નૌસેના ત્યાં પહોંચી. તેમણે દોરીની મદદથી અમને પાણીમાં ઉતાર્યા અને અમારા વચ્ચેથી બે વ્યક્તિઓ ગાયબ હતા.
ઑક્સિજનના સહારે બહાર આવ્યા
ઘોષે જણાવ્યું કે આખી જગ્યાએ ધુમાડો જ ધુમાડો હતો. ત્યારબાદ અમે નીચે વળી ગયા, કારણ કે અમને ખબર હતી કે ઉપર ઑક્સિજન નહીં હોય. અમે જમીન પર પડીને, સંપૂર્ણ રીતે ઝૂકી આગળ વધ્યા જેથી નીચે બચેલા ઑક્સિજન સહારે બહાર આવી શકીએ. જેમ જ લોકો બહાર આવ્યા, કેટલાક લોકોએ ઊલ્ટીઓ કરવાનું શરૂ કરી દીધું. આ ક્યારેય ભૂલી ન શકાય એવી હાલત હતી. અબ્દુલ રહેમાને જણાવ્યું કે જ્યારે આ ધડાકો થયો ત્યારે હું સૂતો હતો. ધડાકો થતાં જ તે બેડ પરથી પડી ગયો. કાન સુન્ન થઈ ગયા અને આંખો સામે અંધારું છવાઈ ગયું. કોઈ રીતે દરવાજો ખોલીને તે કેબિનમાંથી બહાર આવ્યો. જો થોડો પણ મોડો થયો હોત તો ચેમ્બર ધુમાડાના કારણે લોક થઈ જાત અને તે અંદર જ ફસાઈ જાય. કોઈ રીતે મે જાન બચાવી. અમે એકબીજાનો હાથ પકડીને બહાર નીકળતા હતા.
સ્કાઈલાઈટ નામનું જહાજ
1 માર્ચના રોજ સવારે અંદાજે 7 વાગ્યે ‘સ્કાઈલાઇટ’ નામની તેલ વહન કરતા જહાજ પર ઓમાન નજીક હુમલો થયો હતો. આ જહાજમાં 10 ભારતીય ક્રૂ સભ્યો સવાર હતા, જેમાંથી 2 નાં મોત થયા હતા. બાકીના લોકોને કોઈ રીતે બચાવીને 18 માર્ચે ભારત પરત લાવવામાં આવ્યા હતા.ક્રૂ મેમ્બર્સે ઉમેર્યું હતું કે, આ હુમલો ક્યારેય ભૂલી શકાય એમ ન હતો. દિવસ કરતા રાત પસાર કરવી વસમી પડી રહી હતી.