કૌશિક મહેતા
ડિયર હની,
અચાનક મારી બધી સિદ્ધિઓ, સંઘર્ષો, ખુશીઓ, દુ:ખ, ખુશીઓ, જીવન... બધું જ હવે ખૂબ જ અર્થપૂર્ણ બને છે, કારણ કે મારી પાસે તું છે. હું બધું જોઈ રહી છું. તું આ બધાનો સૌથી મોટો ભાગ છે. હું તારી પત્ની બનવા માટે ખૂબ જ, ખૂબ જ, ખૂબ જ ઉત્સાહિત છું. તારી પત્ની બનવા માટે! તારી પત્ની કહેવા માટે. હવે પાર્ટીનો ખરો સમય આવી ગયો છે. ચાલો, સાથે મળીને શ્રેષ્ઠ જીવન જીવીએ. હું તને પ્રેમ કરું છું...ખરેખર!’
આવું કોઈ કહે કે લખે ... એવું નસીબ કેટલા લોકોનું હશે!
એ બંને કલાકાર પરણી ગયા પણ પરણતી વેળાએ એમણે એકબીજાને જે પત્રો લખ્યા એ બહુ મજાના છે. હૃદયને સ્પર્શી જનારા છે.
આ પત્ર વાંચીને તો મને તારી સાથે ફરી પરણવાનું મન થઇ આવ્યું છે. રશ્મિકા-વિજયે જે પત્રો લખ્યા એવા પત્રો આપણે એકબીજાને ક્યાં લખ્યા હતા? એટલે જ મેં હવે તને આ પત્રો લખવાનું શરૂ કર્યું છે.
રશ્મિકાએ પત્રની શરૂઆત જ બહુ મજાની કરી છે.
‘ચાલો, હું તમને મારા પતિ સાથે પરિચય કરાવું. શ્રી વિજય દેવરકોંડા! આ માણસ જેણે મને શીખવ્યું કે સાચો પ્રેમ કેવો દેખાય છે! તે માણસ જેણે મને બતાવ્યું કે શાંતિથી જીવવું કેવું હોય છે! તે માણસ જેણે મને દરરોજ કહ્યું કે મોટાં સપનાં જોવામાં કોઈ વાંધો નથી અને સતત મને કહેતો હતો કે હું કલ્પના કરી શકું તેના કરતાં વધુ પ્રાપ્ત કરી શકું છું.’
તને ખબર છે, અચાનક મારી બધી સિદ્ધિઓ, સંઘર્ષો, ખુશીઓ, દુ:ખ, ખુશીઓ, જીવન... બધું જ હવે ખૂબ જ અર્થપૂર્ણ બને છે, કારણ કે મારી પાસે તું છે. હું બધું જોઈ રહી છું. તું આ બધાનો સૌથી મોટો ભાગ છે. હું તારી પત્ની બનવા માટે ખૂબ જ, ઉત્સાહિત છું. તારી પત્ની બનવા માટે! તારી પત્ની કહેવા માટે. હવે આખી પાર્ટીનો સમય આવી ગયો છે. ચાલો સાથે મળીને શ્રેષ્ઠ જીવન જીવીએ. હું તને પ્રેમ કરું છું.’ અને વિજય દેવરકોન્ડાએ પણ લખ્યું:
‘એક દિવસ, મને તેની ખૂબ જ યાદ આવતી. મને તેની ખૂબ જ યાદ આવતી કે મને લાગ્યું કે જો તે આસપાસ હોત તો મારો દિવસ ખૂબ જ ખુશ હોત, જેમ કે જો તે મારી સામે બેઠી હોત, તો મારા ભોજનનો સ્વાદ ખૂબ જ સારો હોત... જેમ કે જો તે મારી સાથે કસરત કરતી હોત, તો મારો વર્કઆઉટ ખૂબ જ સારો અને ઓછો ત્રાસદાયક હોત. એવું લાગતું હતું કે મને તેની ખૂબ જ જરૂર હતી. આ બધું ફક્ત ઘરે અને શાંતિનો અનુભવ કરવા માટે હતું, ભલે હું ગમે ત્યાં હોઉં. તેથી મેં મારી શ્રેષ્ઠ મિત્રને મારી જીવનસાથી બનાવી.
ડિજિટલ મીડિયાની બોલબાલા છે એ ખરું, પણ પત્રની એક મોજ હોય છે. કલાકારો કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ લગ્ન કર્યા ત્યારે સોશ્યલ મીડિયા પર તેમના ફોટા સાથે એક નાનકડો પણ ખૂબ જ સુંદર સંદેશ લખ્યો હતો:
‘અબ હમારી પરમેનન્ટ બુકિંગ હો ગઈ હૈ...’
પ્રિયંકા ચોપરા અને નિક જોનસને લગ્ન સમયે નિક માટે લાંબા પત્ર લખ્યા છે. એક પત્રમાં તેણે લખ્યું હતું;
‘મારી સાથે ચાલવા બદલ આભાર. તેં મને જે રીતે પ્રેમ કર્યો છે, તેણે મને દુનિયાની સૌથી ભાગ્યશાળી સ્ત્રી બનાવી છે...’
જોકે આ બધા વચ્ચે મને સૌથી વધુ ગમતા પત્રની વાત કરું તો એ છે પ્રખ્યાત લેખિકા અમૃતા પ્રીતમ અને ઈમરોઝ વચ્ચેના પત્રો. બન્નેનો સાથ 40 વર્ષ સુધી રહ્યો, છતાં તેમણે ક્યારેય લગ્ન કર્યા નહોતા. અમૃતા ઇમરોઝને પ્રેમથી ‘જીત’ કહેતા. એમને એક પત્રમાં લખેલું :
‘મેરે પાસ એક હી ‘જીત હૈ...’ એમ પણ લખેલું કે, ‘મારું ભાગ્ય તે દિવસે જ લખાઈ ગયું હતું જ્યારે મેં તને પહેલીવાર જોયો. લોકો કહે છે કે આપણે એકબીજાને પસંદ કરીએ છીએ, પણ હું કહું છું કે આપણે એકબીજાને પૂરા કરીએ છીએ...’ અને એમની બહુ જાણીતી કવિતા ...
‘મૈં તુઝે ફિર મિલુંગી...
કહાં? કૈસે? પતા નહીં...
શાયદ તેરે તખય્યુલ (કલ્પના) કી છીંટ બનકર,
તેરે કેનવાસ પર ઉતરૂંગી...
યા શાયદ તેરે કેનવાસ પર
એક ખામોશ લકીર બનકર,
તુઝે તકતી રહૂંગી.. ’
-અને ઇમરોઝે અમૃતા માટે લખ્યું હતું:
‘અમૃતા, તેં મને જે આપ્યું છે તે શબ્દોમાં નથી સમાતું. તેં મને બનાવ્યો છે...’
પ્રેમની અભિવ્યક્તિ જ્યારે કાગળ પર ઊતરે છે ત્યારે તે અમર બની જાય છે. વિશ્વના ઇતિહાસમાં એવા કેટલાક મહાનુભાવો થયા છે, જેમના પ્રેમપત્રો આજે પણ સાહિત્યની અમૂલ્ય વિરાસત ગણાય છે. કઠોર શાસક નેપોલિયન બોનાપાર્ટે એની પ્રેમિકા અને છેલ્લે છેલ્લે પત્ની બનેલી જોસેફાઈનને પત્રમાં લખેલું;
‘જ્યારથી હું તારાથી દૂર ગયો છું, ત્યારથી હું સતત ઉદાસીમાં છું. મારું સુખ તારી પાસે હોવામાં છે. તારા હોઠ, તારું હૃદય અને તારી જ્વાળાઓએ મને અગ્નિમાં લપેટ્યો છે.. ’
ફ્રાન્ઝ કાફકાના મિલેના પર પત્રમાં સાવ અલગજ અભિવ્યક્તિ કરી છે. આ મહાન લેખક અંતર્મુખી હતા પણ તેમના પત્રોમાં તેમની સંવેદનશીલતા છલકાય છે. એમણે લખેલું કે,
‘તું એ ચપ્પુ છે જે મેં મારી અંદર ફેરવ્યું છે, એ જ પ્રેમ છે..’
આજના ઇન્સ્ટન્ટ મેસેજિંગના જમાનામાં પ્રેમપત્રો એટલા માટે ખાસ છે. કારણ કે તેમાં ધીરજ હોય છે. લખનારના હસ્તાક્ષર તેની હાજરીનો અનુભવ કરાવે છે. પત્રને વર્ષો પછી પણ સ્પર્શી શકાય છે અને ફરી વાંચી શકાય છે. તું પણ આવો પત્ર મને લખને....
તારો બન્ની