નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ડૉનાલ્ડ ટ્રમ્પ વચ્ચે 40 મિનિટ સુધી ફોન પર વાતચીત થઈ છે. ઈરાન સામેની લડાઈમાં સીઝફાયરનું એલાન થયા બાદ મોદી અને ટ્રમ્પ વચ્ચે આટલી લાંબી વાતચીત થઈ છે.મોદી અને ટ્રમ્પ વચ્ચે આ વાતચીત એવા સમયે થઈ છે જ્યારે ટ્રમ્પે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને સંપૂર્ણ રીતે બ્લોક કરવાનું એલાન કરી દીધું છે.
દેશની પ્રગતિની વાત થઈ
ભારતમાં રહેતા અમેરિકી રાજદૂત સર્જિયો ગોરે આ અંગે વાતચીત કરતા કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પે વડાપ્રધાન મોદીને કહ્યું હતું કે, તેઓ એ સ્પષ્ટ કરવા માગે છે કે, અમેરિકા ભારત સાથે લાગણીના સંબંધો ધરાવે છે. વડાપ્રધાન મોદીએ આ વિષય પર જાણકારી આપતા કહ્યું હતું કે, આ વાતચીત દરમિયાન દ્વીપક્ષીય સંબંધોમાં સહયોગની વાત થઈ છે. દ્વીપક્ષીય સંબંધોમાં પ્રગતિની સમીક્ષા થઈ છે. આ સિવાય મિડલ ઈસ્ટની સ્થિતિ પર ચર્ચા થઈ છે. આ દરમિયાન હોર્મુઝ સ્ટ્રેટને ખોલવા અને સુરક્ષાને લઈને કેટલાક મુદ્દાઓને મહત્ત્વ આપવામાં આવ્યું છે.
દ્વીપક્ષીય સંબંધો પર વાત
વડાપ્રધાન મોદીએ ટ્વિટર પર લખ્યું હતું કે, મારા મિત્ર ડૉનાલ્ડ ટ્રમ્પનો આજે ફોન આવ્યો હતો. અમે જુદા જુદા સેક્ટરમાં અમારા દ્વીપક્ષીય સંબંધો અને સહયોગ પર વાતચીત કરી છે. જેમાં કેટલાક મહત્ત્વના મુદ્દાઓની વાતચીત કરવામાં આવી છે. અમે હાલ દરેક ક્ષેત્રમાં વ્યાપક વૈશ્વિક રણનીતિ પર ભાગીદારીને વધુ મજબૂત અને સમૃદ્ધ કરવા માટે તૈયાર છીએ. અમે મિડલ ઈસ્ટની સ્થિતિ અંગે પણ વાત કરી છે. હોમુર્ઝ સ્ટ્રેટને ખોલવા અને સુરક્ષિત રાખવા પર મહત્ત્વ આપ્યું છે. સીઝફાયરના એલાન બાદ પાકિસ્તાનમાં યોજાયેલી શાંતિ વાર્તા નિષ્ફળ સાબિત થઈ હતી.
હોર્મુઝનો મુદ્દો ચર્ચામાં
ઈસ્લામાબાદમાં પાકિસ્તાન, અમેરિકા અને ઈરાનના પ્રતિનિધિઓએ 21 કલાક સુધી બેઠક યોજી હતી. શાંતિવાર્તા પર અને બીજા કેટલાક પ્રાથમિક મુદ્દાઓ પર વાતચીત થઈ હતી. કોઈ પરિણામ ન આવતા પાકિસ્તાનની વૈશ્વિક સ્તર પર હવે ચર્ચા થઈ રહી છે. આ માહોલ પછી ટ્રમ્પે મોદી સાથે વાતચીત કરી છે. ટ્રમ્પ અને મોદી વચ્ચે તા.24 માર્ચના રોજ વાતચીત થઈ હતી. એ સમયે પણ હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા અને સુરક્ષા પર વિચારણા કરી હતી. એ પછી હવે 14 એપ્રિલના રોજ વાતચીત થઈ છે.