પટણા: બિહારના રાજકારણમાં આજે એક ઐતિહાસિક વળાંક આવ્યો છે. મુખ્ય પ્રધાન નીતીશ કુમારે પોતાના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી છે, જેનાથી રાજનીતિમાં લાંબા સમયથી ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે. નીતીશ કુમાર હવે દિલ્હી જઈને રાજ્યસભામાં પોતાની નવી ભૂમિકા ભજવશે તેવું મનાઈ રહ્યું છે. આ ફેરફાર સાથે બિહારમાં પ્રથમ વખત સત્તાની કમાન સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીના હાથમાં જઈ રહી છે અને જનતા દળ અને ભાજપના વિધાનસભ્યના દળની બેઠકમાં નવા મુખ્ય પ્રધાન તરીકે સમ્રાટ ચૌધરીના નામ પર સત્તાવાર મહોર મારવામાં આવી છે.
બિહારના નવા મુખ્ય પ્રધાન તરીકે સમ્રાટ ચૌધરીના નામની જોરશોરથી ચર્ચા ચાલી રહી હતી અને આખરે ભાજપના જ પક્ષમાં સત્તાનું સુકાન રહ્યું છે. જોકે, બિહારમાં નીતીશ કુમારના પુત્ર નિશાંત કુમારનું નામ સૌથી વધુ ચોંકાવનારું છે. નિશાંત અગાઉ સંગઠનમાં કામ કરવા માંગતા હતા, પરંતુ આખરે તેમને ડેપ્યુટી સીએમ પદ માટે મનાવી લેવામાં આવ્યા છે. તેમની સાથે વિજય ચૌધરી પણ નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લેશે તેવી શક્યતા છે.
બિહારમાં બે દાયકા સુધી સત્તાનું સિંહાસન સંભાળનારા નીતીશ કુમારના શાસનનો આજે અંત આવ્યો છે. નીતીશ કુમારના દિલ્હી જવાથી હવે ભાજપના હાથમાં સત્તા સંભાળવાનો રસ્તો મોકળો બન્યો છે, જેમાં રાજ્યમાં પહેલી વખત ભાજપના મુખ્ય પ્રધાન બનશે, જેમાં સૌથી પ્રબળ દાવેદાર સમ્રાટ ચૌધરીના નામ પર મંજૂરીની મહોર મારી છે. સમ્રાટ ચૌધરીને વિધાનસભ્ય દળના નેતા તરીકે પણ પસંદ કરવામાં આવ્યા છે. ઉપેન્દ્ર કુશવાહાએ સમ્રાટ ચૌધરીને અભિનંદન આપ્યા હતા. કુશવાહાએ ટવિટ કરીને નવી જવાબદારી માટે સમ્રાટ ચૌધરીને શુભકામનાઓ આપી હતી.
નવી સરકારના શપથગ્રહણ સમારોહ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, આવતીકાલે એટલે કે બુધવારે માત્ર મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાનો શપથ લે તેવી શક્યતા છે. જો આવતીકાલે મંત્રીમંડળના અન્ય સભ્યોના શપથ નહીં થાય, તો બાકીના મંત્રીઓ મે મહિનાના પ્રથમ સપ્તાહમાં શપથ લઈ શકે છે. આમ, 15 એપ્રિલ સુધીમાં બિહારને નવા મુખ્ય પ્રધાન મળી જશે અને રાજ્યમાં એક નવા રાજકીય યુગની શરૂઆત થશે.