ક્લેપ એન્ડ કટ..!: સિદ્ધાર્થ છાયા
સાજીદ નડિયાદવાલા ડઝ ઈટ અગેઇન!
ગયાં શુક્રવારે સાજીદ નડિયાદવાલાએ વિશાલ ભારદ્વાજ સાથે પાર્ટનરશિપમાં બનાવેલી ફિલ્મ ‘ઓ ’રોમિયો’ રિલીઝ થઇ. ટુ બી ઓનેસ્ટ, ફિલ્મ ભારદ્વાજનાં સ્ટેટ્સને જરાય મેચ કરતી નથી. કદાચ આવી જ લાગણી જેમણે પણ આ ફિલ્મ જોઈ હશે એમને થઇ હશે. આથી પહેલાં દિવસે મોટાભાગનાં લોકોએ ‘બૂક માય શો’ એપ પર દસમાંથી છ અથવા તો સાડા છનું રેટિંગ આપ્યું. બીજા દિવસે આ રેટિંગ સુધરીને સાત સુધી પહોંચ્યું, પણ ખબર નહીં કેમ ફિલ્મનાં પ્રોડ્યુસર્સને આમાં ‘કુછ તો ગરબડ હૈ, દયા’ જેવું લાગ્યું. એટલે એમણે ‘બૂક માય શો’ને કહી દીધું કે રેટિંગ બેટિંગની આપણને જરૂર નથી, એ સેક્શન જ બંધ કરી દો!’
છેવટે તો ચિઠ્ઠીની ચાકર જેવી આ એપે તુરંત રેટિંગ બંધ કરી દીધું. નડિયાદવાલા માટે આ પ્રકારે લોકોનાં, રિવ્યૂકારોનાં કે યુટ્યૂબરોનાં મંતવ્યો પર ઘાત મારીને હુમલો કરવો એ નવું નથી. જ્યારે ‘બાગી ફોર’ રિલીઝ થઇ હતી ત્યારે એ રિલીઝ અગાઉ, નડિયાદવાલાએ એક છૂપો સંદેશ આપી દીધો હતો કે ‘જો ફિલ્મનો નેગેટીવ રિવ્યૂ કર્યો છે તો જોવાજેવી થશે.’ અને તેમણે એવું કર્યું પણ ખરું. અનેક યુટ્યૂબ રિવ્યૂકારો ફિલ્મનો નેગેટીવ રિવ્યૂ આપ્યો હતો એમને કોપીરાઈટ સ્ટ્રાઈક આપી દીધી. અહીં પણ એવું જ થયું હોવાનું સૂત્રો કહી રહ્યાં છે. એમનાં કહેવાં અનુસાર ફિલ્મ વિરુદ્ધ એક સમજી વિચારીને કોઈ કાવતરું ઘડાયું હોઈ શકે અને આથી એપ ઉપર લોકો ફિલ્મને ઓછું રેટિંગ આપી રહ્યાં છે. જે હોય તે પણ છેવટે તો ફિલ્મને હીટ કે ફ્લોપ પબ્લિક જ કરશે ને? તો પછી આટલો બધો ભય શા માટે, સાજીદમિયાં?
પાકિસ્તાનનું દોગલાપન
ગયાં વર્ષે ડિસેમ્બરમાં આવેલી ફિલ્મ ‘ધુરંધર’ હજી પણ ચર્ચામાં છે. આ વખતે પાકિસ્તાનને કારણે. હા ભાઈ, આ ફિલ્મમાં પણ પાકિસ્તાનની જ વાત છે, પણ આ તો આઉટ સાઈડ ફિલ્મની વાત ચાલી રહી છે. બન્યું એવું કે આ ફિલ્મ ‘નેટફ્લિક્સ’ પર આવી ત્યારે પાકિસ્તાનીઓ આ પ્લેટફોર્મ પર હાથ-પગ ધોઈને ફિલ્મ જોવા લાગ્યાં હતાં. પણ હવે નેટફ્લિક્સનું સબસ્ક્રિપ્શન તો એ જ પાકિસ્તાનીઓને પોસાયને જેમને એક કિલો લોટ ખરીદવો પોસાતો હોય? તો ગરીબ પાકિસ્તાનીઓનો શો ગુનો? તો એમનાં માટે પાઈરેટેડ રસ્તો હાથવગો આમ પણ હોય જ છે અને આ ફિલ્મ માટે પણ હતો જ. એક વિદેશી યુટ્યૂબર હાલમાં પાકિસ્તાનની યાત્રાએ ગયો હતો.
અહીં તે પાકિસ્તાનના એક શહેરમાં (એ શહેરનું નામ તો આપણને એણે નથી કીધું) ફરી રહ્યો હતો ત્યારે તેની નજર એક લારી પર પડી. આ લારીમાં ફિલ્મોની ડીવીડી વેંચાઈ રહી હતી. આ જ લારી પર એને ‘ધુરંધર’ની ડીવીડી દેખાઈ. અને એને ખ્યાલ આવી ગયો કે આ તો ઇન્ડિયન મુવી છે! એટલે એણે તરત પેલા લારીવાળા પાસે ક્ધફર્મ કર્યું અને પછી ભાવ પૂછ્યો તો એણે કીધું કે ફક્ત પચાસ પાકિસ્તાની રૂપિયામાં આ ડીવીડી એ વેંચી રહ્યો છે. લ્યો બોલો! પોતાનાં જ દેશ વિરુદ્ધ બનેલી એક ફિલ્મને જોવા માટે પાકિસ્તાની કેવી પડાપડી કરી રહ્યાં છે હે? ઓટીટી પર ન જોવા મળી તો પાઈરેટેડ ડીવીડી પર જોઈ રહ્યાં છે!
સિક્કાની ત્રીજી બાજુ...?
રાજપાલ યાદવને ચેક બાઉન્સ કેસમાં જામીન મળી ગયાં છે, પરંતુ આપણે આજે જેનાં ‘ચેક્સ’ બાઉન્સ થયાં હતાં એમની આપવીતી જાણીએ. ઉત્તર પ્રદેશના એક બિઝનેસમેન નામે માધવ ગોપાલ અગ્રવાલે રાજપાલ યાદવની ડાયરેક્ટ કરેલી ફિલ્મ ‘અતા પતા લાપતા’ માટે 2012માં લોન આપી હતી. અત્યારે જે નવ કરોડનાં બાઉન્સ ચેક માટે રાજપાલ જેલમાંથી જામીન ઉપર બહાર છે, ઓરિજિનલ રકમ એનાંથી પણ વધુ હતી.
અગ્રવાલનાં કહેવા પ્રમાણે એક રાજકીય નેતાએ તેમની ઓળખાણ રાજપાલ યાદવ સાથે કરાવી હતી. મુલાકાતનો હેતુ રાજપાલને ફિલ્મ બનાવવામાં જે નાણાકીય તકલીફ પડી રહી છે તેને દૂર કરવામાં મદદ કરવાનો જ હતો. રાજપાલે અગ્રવાલને વિનંતી કરતાં કહ્યું હતું કે અત્યારે ફિલ્મ જે જગ્યાએ છે ત્યાંથી જો એ રિલીઝ નહીં થાય તો એને ખૂબ મોટું નુકસાન થશે. ત્યારબાદ રાજપાલની પત્ની રાધાએ પણ અગ્રવાલને વિનંતી કરતાં અનેક કોલ કર્યાં હતા.
છેવટે જ્યારે રાજપાલે ગેરંટી આપી કે ફિલ્મ રિલીઝ થાય કે ન થાય, હીટ થાય કે ન થાય, અગ્રવાલને એમનાં પૈસા મળી જશે, પણ એવું ન થયું. છેવટે એક વર્ષ રાહ જોયાં પછી 2013માં અગ્રવાલે પૈસા ન આપવા બદલ કોર્ટમાં કેસ કર્યો. કોર્ટે બંનેને કોર્ટ બહાર સમાધાન કરવાનું કહ્યું. ત્યારે દસ કરોડમાં સમાધાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાજપાલે જેટલાં પણ ચેક્સ અગ્રવાલને આપ્યા એ બધાં જ બાઉન્સ થયાં.
અગ્રવાલનું કહેવું છે કે આ પૈસા એકલાં એમનાં ન હતાં. એમણે પણ અન્યો પાસેથી લઈને રાજપાલને આપ્યા હતા. એક સમયે એ પોતાના પૈસા પરત લેવા બાળકની જેમ રાજપાલ સામે રડ્યા હતા, પણ રાજપાલ પર તેની જરાય અસર થઇ ન હતી. સિક્કાની કાયમ બે બાજુ હોય છે, રાજપાલ કેસમાં સિક્કાની આ ત્રીજી બાજુ છે.
કટ એન્ડ ઓકે..
એ.આર રહેમાન ‘રામાયણ’ ફિલ્મનાં મ્યુઝિકની અંતિમ તૈયારી માટે આજકાલ 40 દિવસનાં ડિજિટલ ડીટોક્સ પર એટલે કે સોશ્યલ મીડિયાનાં ઉપવાસ પર છે!