Thu Mar 12 2026

Logo

ગેન્ગસ્ટર ફિલ્મની ટીકા-ટિપ્પણ પર પ્રતિબંધ

2 weeks ago
Author: Mumbaisamachar Team
Article Image

 કવર સ્ટોરીઃ  હેમા શાસ્ત્રી

ફિલ્મ વિવેચક થિયેટરમાં બિલોરી કાચ-મેગ્નિફાઈંગ ગ્લાસ લઈને બેસતા હોય છે. જે વાત આમ દર્શકના ધ્યાનમાં ન આવે કે એને વિચાર સુધ્ધાં ન આવે એવી વાત કે એવો મુદ્દો વિવેચકોની પારખું નજર પકડી પાડતી હોય છે. પછી આ વિવેચકો ‘પેન ઈઝ માઈટિયર ધેન સોર્ડ’ (કલમ તલવાર કરતાં વધુ શક્તિશાળી હોય છે)ને ચરિતાર્થ કરી અંગત સૂઝબૂઝ અનુસાર ફિલ્મનું વિવેચન કરતા હોય છે. ક્યારેક એવું બને કે વિવેચકો કહે ‘(જોવાનું) રહેવા દો’ તો દર્શકો ‘જોવા દોને!’ કહી થિયેટર ગજાવી મૂકે.

બીજી તરફ એવું પણ બને કે વિવેચકોએ ફિલ્મની આરતી ઉતારી હોય પણ દર્શકો રિસાઈ ગયા હોય અને થિયેટરમાં કાગડા ઉડતા હોય. અલબત્ત, ઘણીવાર અને વિશેષ કરીને આજના સોશ્યલ મીડિયાના પ્રભાવી દોરમાં ફિલ્મનો પોઝિટિવ રિવ્યૂ દર્શકને થિયેટર તરફ ખેંચવામાં કે નેગેટિવ રિવ્યૂ એને જતો અટકાવવામાં વધુ નિમિત્ત બની શકે છે. આ સંદર્ભમાં વિશાલ ભારદ્વાજ દિગ્દર્શિત શાહિદ કપૂર-તૃપ્તિ ડિમરીની ગયા અઠવાડિયે રિલીઝ થયેલી ફિલ્મ ‘ઓ’રોમિયો’ સંબંધે લેવાયેલા વિશિષ્ટ નિર્ણય ચર્ચાસ્પદ બન્યો છે.

13 ફેબ્રુઆરીએ થિયેટરમાં રિલીઝ થયેલી ‘ઓ’ રોમિયો’ ક્રાઈમ થ્રિલર છે. ગુનાખોરીની દુનિયામાં ડોકિયું કરતા પુસ્તક લખવા માટે જાણીતા હુસેન ઝૈદીના ‘માફિયા ક્વીન્સ’ પુસ્તક પર આધારિત આ ચિત્રપટમાં 1990ના દાયકાના મુંબઈ શહેરમાં હુસેન ઉસ્તરા નામના ગેન્ગસ્ટરના પ્રેમ અને ગુનેગારી વચ્ચે ફંગોળાતા જીવનને આલેખવામાં આવ્યું છે. આ લખાય છે ત્યાં સુધીમાં ફિલ્મ ઘર આંગણે 40 કરોડનો વકરો કરવામાં સફળ રહી છે. ફિલ્મ કેટલી આવક કરશે એનો અંદાજ તો ન બાંધી શકાય, પણ એ ફ્લોપ નહીં થાય એવી આશા અસ્થાને નથી.

રિવ્યૂ ચિત્રપટના કલેક્શનને કેટલી અને કેવી અસર કરી શકે એ અંગે મિશ્ર અભિપ્રાય વ્યક્ત થતા આવ્યા છે. જોકે આજની પેઢી અખબારમાં રિવ્યૂ વાંચતી હશે કે કેમ એ નિશ્ર્ચિતપણે ન કહી શકાય, પણ સોશ્યલ મીડિયામાં વ્યક્ત થતા અભિપ્રાય એ જરૂર વાંચે છે અને અમુક અંશે એનાથી દોરવાઈ પણ જાય છે એટલે જો કોઈ ફિલ્મને નેગેટિવ રિવ્યૂ મળે તો બોક્સ ઓફિસ પર એની અસર પડવાની સંભાવના હોય છે. 

આ સંભવિત ભયથી કે અંદેશાથી ચેતી ફિલ્મ ટિકિટ વેંચતા ઓનલાઈન પ્લેટફોર્મ પર ‘ઓ’ રોમિયો’ માટે ‘ઓડિયન્સ રેટિંગ’ (એક સ્ટાર, ત્રણ સ્ટાર કે પાંચ સ્ટાર) અને રિવ્યૂ (ફિલ્મ સારી છે, ઠીક ઠીક છે, બકવાસ છે જેવી કોમેન્ટ) દર્શાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સોશ્યલ મીડિયા પર ‘રિવ્યૂ બોમ્બિંગ’ નામનો એક પ્રકાર જોવા મળે છે, જેમાં ઘણીવાર ફિલ્મની ગુણવત્તાને બાજુએ રાખી રાજકીય કે સાંસ્કૃતિક એજેન્ડાથી ફિલ્મને ઉતારી પાડવાના પ્રયાસ કરવામાં આવે છે. 

બીજી તરફ વખાણના ખોટા રિવ્યૂથી ફિલ્મનું રેટિંગ વધારવાની કોશિશ કરવામાં આવતી હોવાની દલીલ પણ કરવામાં આવે છે. ‘ઓ’ રોમિયો’ સાથે આવું કશુંક થઈ શકે એવા સંભવિત ભય કે આશંકાથી કોર્ટ ઓર્ડર દ્વારા ઓનલાઈન પ્લેટફોર્મ પરથી રિવ્યૂ અને રેટિંગ આપવાની વ્યવસ્થા આ ફિલ્મ પૂરતી હટાવી દેવામાં આવી છે. રિવ્યૂ - રેટિંગ પર કાનૂની પ્રતિબંધ મૂકનારી ‘ઓ’ રોમિયો’ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની પહેલી ફિલ્મ છે.

કોઈ ટીકાથી પર ન હોય એ આદર્શ વાતાવરણ કહેવાય. લોકશાહી અને મુક્ત વિચારધારામાં બધું જ નિરીક્ષણ અને ટીકાને પાત્ર હોય છે, કારણ કે માનવીય પ્રગતિ માટે સતત સમીક્ષા થતી રહે એ હિતમાં છે. અલબત્ત, આદર્શ અને અવસ્થાનો મેળ ખાય એ જરૂરી નથી. ગેન્ગસ્ટરની ફિલ્મની ટીકા કરવાની હિંમત થોડી કરાય? એવો વ્યંગ પણ કરવામાં આવ્યો છે.

સારા-ખરાબ રિવ્યૂની ફિલ્મના કલેક્શનને અસર થાય ખરી? બંને પક્ષના ઉદાહરણ ઉપલબ્ધ છે. તાજેતરના સમયની વાત કરીએ તો વિવેચક તરીકે વજન ધરાવતાં અનુપમા ચોપડા જેવાં સમર્થ વિવેચકે ‘ધુરંધર’ની તીવ્ર ટીકા કરી હોવા છતાં ફિલ્મનો ધ્વજ તો ઉત્તુંગ લહેરાયો. બીજી તરફ શ્રીરામ રાઘવનની ‘ઈક્કીસ’ને મહદંશે વિવેચકોએ વખાણી પણ બોક્સ ઓફિસ પર ઊંધે માથે પછડાઈ એ હકીકત છે. આ પરિસ્થિતિમાં જો કોઈ એવી દલીલ કરે કે ‘રિવ્યૂને મૂકો પૂળો, મારું ખેતર ને મારો મૂળો’ તો નવાઈ ન લાગવી જોઈએ.

ફિલ્મ વિવેચકના ‘વિચાર વૈભવ’ અંગે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સફળ લેખક જાવેદ સિદ્દીકીએ એક લેખમાં ખૂબ મજેદાર વાત કરી છે. જાવેદ ભાઈને કારકિર્દીના પ્રારંભમાં જ વિખ્યાત ફિલ્મ મેકર સત્યજિત રાય સાથે કામ કરવાનો મોકો મળ્યો હતો. વાત એમના જ શબ્દોમાં જાણીએ: 

‘સત્યજિત રાય દંભી હતા, ડોળ કરતા હતા એવી ખોટી છાપ ઉપસાવવામાં મીડિયાનો હાથ રહ્યો છે. ફિલ્મ વિવેચકો, રિવ્યૂ કરનારા તેમજ એમના પ્રશંસકો એમના વિશે ભરપૂર લખતા. હદ તો એ વાતની છે કે ક્યારેક એ વાંચી ખુદ રાય સાહેબ હેબતાઈ જતા. ‘અપૂર સંસાર’ (1959) રિલીઝ થઈ ત્યાં સુધીમાં સત્યજિત રાયને પ્રતિષ્ઠા મળી ચુકી હતી. 

‘અપૂર સંસાર’ જોયા પછી એક ફિલ્મ ક્રિટીકે તેમને કહ્યું કે ‘ફિલ્મમાં ઘણા ટ્રેકિંગ શોટ (કેમેરા પાત્ર સાથે ગતિમાં રહે એવા શોટ) છે જ્યારે તમારી પહેલી ફિલ્મ ‘પાથેર પાંચાલી’માં માત્ર અને માત્ર સ્ટેટિક શોટ્સ (કેમેરા એક જગ્યાએ સ્થિર રહે. પાત્રની હલનચલન અનુસાર ગતિ ન કરે કે ન ઝૂમ થાય કે પેન થાય) હતા. કયા કારણસર તમે ફિલ્મમેકિંગની શૈલી બદલી નાખી?’

સત્યજિત રાયએ આપેલો જવાબ વાંચો-તેમણે એટલું જ કહ્યું કે ‘કારણ કે ‘પાથેર પાંચાલી’ વખતે મારી પાસે ટ્રોલી ભાડે લેવાના પૈસા નહોતા.’ હસવાની મનાઈ નથી.

બીજો પ્રસંગ છે ‘અભિજાન’ (1962) ફિલ્મનો. ફિલ્મ એક ટેક્સી ડ્રાઈવર વિશે હતી. ફિલ્મનો પ્રેસ શો પૂરો થયા પછી એક વિવેચકે ફિલ્મના ભરપેટ વખાણ કરી મિસ્ટર રાયને કહ્યું કે ‘સર, તમે એક શોટમાં કમાલ કરી છે, જેમાં ટેક્સીના રિયર વ્યૂ મિરરમાં તિરાડ દેખાડી ટેક્સી ડ્રાઈવરનો અહમ કેવો ઘવાયો છે એ દર્શાવ્યું છે. તમારા જેવા જીનિયસ જ આવી વાત પ્રતીકરૂપે અદ્ભુત રીતે રજૂ કરી શકે.’

આ રજૂઆત સાંભળી સત્યજિત રાય ચોંકી ગયા અને આશ્ર્ચર્યના ભાવ સાથે પેલા વિવેચક સામે જોયું. પછી તરત બાજુમાં ઊભેલા ફિલ્મના આર્ટ ડિરેક્ટર બંસી ચંદ્રગુપ્તને પૂછ્યું, 

‘હેં, બંસી, કાચ તૂટેલો હતો?!’ 
મૈં રોઉં યા હસું, કરું મૈં ક્યા કરું?