નવી દિલ્હીઃઝોમેટો, સ્વિગી, બ્લિંકિટ અને અર્બન કંપની જેવા પ્લેટફોર્મ સાથે જોડાઈને કામ કરનારા ગિગ વર્કર્સ પણ પેન્શન મેળવી શકે છે. નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) હેઠળ એક નવી ફ્રેમવર્ક રજૂ કરવામાં આવી છે, જે અંતર્ગત કર્મચારી હવે માત્ર 99 રૂપિયાની રકમથી રિટાયરમેન્ટ ફન્ડની શરૂઆત કરી શકે છે.
માત્ર 99 રૂપિયાની મામૂલી રકમથી ખાતું ખોલાવી શકાશે
પેન્શન ફન્ડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી(PFRDA)એ બુધવારે આ નવી સુવિધાની જાહેરાત કરી હતી. જેનો લાખો ગિગ વર્કર્સને ફાયદો થશે. ગિગ વર્કર્સ તેમની સુવિધા અનુસાર NPSમાં રોકાણ કરી શકે છે. આ નવી પહેલ અંતર્ગત રોકણ માટે કોઈ આકરા નિયમો બનાવાયા નથી. ગિગ વર્કર્સ માત્ર 99 રૂપિયાની મામૂલી રકમથી ખાતું ખોલાવી શકે છે. જેના કારણે તેમના પર કોઈ આર્થિક દબાણ પણ નહીં પડે.
કોર્પોરેટ NPS જેવું મોડેલ
PFRDA એ આ NPS ઈ-શ્રમિક મોડેલની શરૂઆત 29 ઓક્ટોબર, 2025ના એક સર્ક્યુલર દ્વારા કરી હતી. તેનો મુખ્ય હેતુ ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા સર્વિસ આપતા લોકોને સામાજિક સુરક્ષા અને NPS ના દાયરામાં લાવવાનો છે. આ મોડેલ મહદઅંશે કોર્પોરેટ NPS મોડેલ જેવું જ છે, પરંતુ તેને ખાસ કરીને ગિગ ઈકોનોમીની જરૂરિયાતો અને પ્લેટફોર્મ વર્કર્સની અસ્થિર આવકને ધ્યાનમાં રાખીને ફ્લેક્સિબલ બનાવવામાં આવ્યું છે.
કંપનીઓ ઝંઝટમાંથી મુક્ત
આ યોજનાને સરળ બનાવવા માટે કંપનીઓને PFRDA પાસે અલગથી રજિસ્ટ્રેશન કરાવવાની ઝંઝટમાંથી મુક્ત રાખવામાં આવી છે. તેના બદલે, NPS ખાતું ખોલતી સંસ્થાઓ જેને પોઈન્ટ્સ ઓફ પ્રેઝન્સ કહેવામાં આવે છે, તે સીધા એગ્રીગેટર્સ સાથે કરાર કરી શકે છે. આ જ કરાર હેઠળ ઝોમેટો અથવા સ્વિગી જેવી કંપનીઓ પોતાના પ્લેટફોર્મ પર કામ કરતા ડિલિવરી પાર્ટનર્સ અથવા સર્વિસ પ્રોવાઈડર્સને સરળતાથી NPS સ્કીમમાં એનરોલ કરી શકે છે.
આ રીતે ખોલાવો એકાઉન્ટ
* આ પેન્શન સ્કીમનો લાભ લેવા માટે ગિગ વર્કર્સ પેન્શન સ્કીમ અંતર્ગત આવતી કેટેગરીમાં NPS એકાઉન્ટ ખોલાવવું પડશે.
* જે બાદ KYC માટે નામ, સરનામું, પાન કાર્ડ અને મોબાઈલ નંબર તથા બેંક ડિટેલ્સ આપવી પડશે.
* આધાર દ્વારા ઓથેન્ટિફિકેશન કરવામાં આવશે.
* વર્કરની સહમતિથી તરત જ પરમેનેન્ટ રિટાયરમેન્ટ એકાઉન્ટ નંબર આપવામાં આવશે.
* ઓનબોર્ડિંગના 60 દિવસની અંદર માતા-પિતાની જાણકારી અને નોમિની વિગત એડ કરી શકાય છે.
* એક વખત એકાઉન્ટ ખૂલ્યા બાદ કંપની બદલવા પર પણ બંધ નહીં થાય.
* ગિગ વર્કર સરળતાથી નવા એગ્રીગેટર સાથે જોડાઈ શકશે.