Sat Sep 12 2026

Logo

હવે ડીઝલ અને કોમર્શિયલ ગેસમાં થશે મિશ્રણ, આયાત પરની નિર્ભરતા ઘટશે

2026-04-28 12:02:00
Author: Devayat Khatana
હવે ડીઝલ અને કોમર્શિયલ ગેસમાં થશે મિશ્રણ, આયાત પરની નિર્ભરતા ઘટશે

નવી દિલ્હી: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે ઊર્જા સુરક્ષાને મજબૂત કરવા અને આયાત પરની નિર્ભરતા ઘટાડવા માટે ભારત સરકારે બ્લેન્ડેડ ડીઝલ અને કોમર્શિયલ LPGના ઉપયોગ તરફ મહત્વનું કદમ ઉઠાવ્યું છે. ભારતીય માનક બ્યુરો (BIS) હાલમાં આ ઈંધણો માટેના ગુણવત્તાના ધોરણોને આખરી ઓપ આપી રહ્યું છે. 15 જૂન 2026 સુધીમાં આ ધોરણો જારી થવાની શક્યતા છે, જે અંતર્ગત ડીઝલમાં 10% આઈસોબ્યુટાઈલ આલ્કોહોલ ભેળવવામાં આવશે. IBA એ અનાજમાંથી બનતું એક જ્વલનશીલ પ્રવાહી છે, જેના ઉપયોગથી ક્રૂડ ઓઈલની આયાત ઘટશે અને ગ્રામીણ અર્થતંત્રને વેગ મળશે.

બીજી તરફ, સરકારે કોમર્શિયલ હેતુ માટે વપરાતા LPGમાં ડાઈમિથાઈલ ઈથર મિશ્રિત કરવાના ધોરણો પણ નક્કી કરી દીધા છે. પ્રાકૃતિક ગેસ, કોલસો અને બાયોમાસમાંથી ઉત્પાદિત થતા DMEના મિશ્રણ અંગેનું નોટિફિકેશન 15 મે 2026ના રોજ જાહેર થવાની સંભાવના છે. જોકે, આ મિશ્રણ હાલમાં માત્ર હોટલ, રેસ્ટોરન્ટ અને ઉદ્યોગો જેવા કોમર્શિયલ વપરાશકર્તાઓ માટે જ ઉપલબ્ધ રહેશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઘરેલું રસોઈ ગેસના સિલિન્ડરો માટે આ મિશ્રણ હાલમાં યોગ્ય જણાતું નથી.

બ્લેન્ડેડ ડીઝલ માટેના ડ્રાફ્ટ સ્ટાન્ડર્ડ્સ BPCLના ડો. ભારત નેવલકરની આગેવાની હેઠળના વર્કિંગ ગ્રુપ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ વિવિધ ફ્યુલ કેરેક્ટરાઈઝેશન સ્ટડી અને સેમ્પલ ટેસ્ટિંગ કર્યા બાદ આ રિપોર્ટ તૈયાર કર્યો છે. આ ધોરણોની અંતિમ અધિસૂચના બહાર પાડતા પહેલા તેના ડ્રાફ્ટને જાહેર જનતાના સૂચનો માટે ખુલ્લો મૂકવામાં આવશે. સરકારના આ પગલાથી ઈંધણ ક્ષેત્રે આત્મનિર્ભરતા વધવાની સાથે પર્યાવરણને પણ ફાયદો થવાની અપેક્ષા છે.