Sat May 30 2026

Logo

અરાઉન્ડ ધ વર્લ્ડ: બોરગુન સ્ટેવ ચર્ચના રસ્તામાં ઘેટાં સાથે ગોષ્ઠિ...

2026-05-30 08:46:00
Author: Pratiksha Thanki
Article Image

 

પ્રતીક્ષા થાનકી

નૉર્વે આ આખોય મહિનો કોઈ ને કોઈ કારણસર ન્યૂઝમાં રહ્યું છે. એવામાં ત્યાંની ટ્રિપ રિકાઉન્ટ કરવાનું વધુ મજેદાર બની ગયું. મજાની વાત એ છે કે ત્યાંની રોડ ટ્રિપમાં ભાગ્યે જ રસ્તા પર લોકો જોવા મળતા. ઓછી પૉપ્યુલેશન અને કુદરતી રિસોર્સિસથી ભરેલા ટચૂકડા દેશને ઘણી રીતે જોવા જાઓ તો બાકીની દુનિયાની વાસ્તવિકતાની સમજ ન હોય તેવું પણ લાગે. 

અહીંનું વેધર અને આબોહવા એવી છે કે લાકડાનાં માળખાં પાંચસો-છસો વર્ષ એમનાં એમ રહી જાય છે. તેમાંય સ્કેન્ડિનેવિયામાં અને નૉર્થ યુરોપની ઘણી કંટ્રીઝમાં ટર્માઇટ્સ એટલે કે ઊધઈ હોતી જ નથી. તેમાં એ સ્પષ્ટ દેખાઈ આવે કે ઐતિહાસિક સ્ટ્રક્ચરોને મેનટેઇન કરવા માટે તેમને ભાગ્યે જ થોડા આયોજનની બહાર મહેનત કરવી પડતી હોય તેવું લાગે. 

અમે સવારે પોટલું બાંધીને બોરગુન સ્ટેવ ચર્ચ તરફ નીકળી પડ્યાં હતાં. સવારમાં લોકલ ચીઝ, જૅમ, ટોસ્ટ અને એગ્સ સાથે કૉફી અને બધા દિવસ માટે સજ્જ હતા. તે દિવસે રાત સુધીમાં ટ્રોન્ડહાઇમ નજીકના ટાપુ પર અમે યોર્ડના કિનારે એક આખો વિલા રેન્ટ કરેલો. 

સવારની પહેલી મંઝિલ હતી સ્ટેવ ચર્ચ અને ત્યાં પહોંચવાનો રસ્તો એટલો મજેદાર હતો કે અમે થોડી વાર માટે તો ક્યાં જવું છે તે પણ ભૂલી ગયાં હતાં. ઘણા દિવસોએ ખરેખર પ્રવાસનું ખરું પ્રયોજન શોધવા નથી નીકળવું પડતું. 

એ દિવસે એ પ્રયોજન રસ્તાની વચ્ચે બેઠેલા ઘેટાંના સ્વરૂપમાં આવેલું. સાવ ખાલી, લીલા ઢોળાવો અને પહાડો વચ્ચે થઈને જતાં સાંકડી કેડી જેવા રસ્તા પર માઇલો સુધી અમારા સિવાય બાકી કોઈ કાર દેખાતી ન હતી. અમે એ વાતનો ફાયદો ઉઠાવીને રસ્તાને જ અમારું પાર્કિંગ બનાવીને ઘેટાં સાથે થોડો ટાઇમપાસ કરવાનું વિચાર્યું. ઘેટાં પણ એમ જ ઇચ્છતાં હોય તેમ હજી વધુ નજીકની ટેકરી પર આવીને અમને જોવા લાગ્યાં. 

રસ્તા વચ્ચે બેઠાં હતાં તે જ્યાં સુધી જાતે જગ્યા ન બદલે ત્યાં સુધી અમે ત્યાં જ મજા કરી. કારમાં મ્યુઝિક પણ ઑફ કરી દીધું. આસપાસમાં થોડાં પક્ષીઓનો અવાજ, ઘેટાંઓની મૂવમેન્ટ અને અમારી વાતો સિવાય બીજું કશું જ ન હતું. આખોય માહોલ હવે કોર મેમરી બની ચૂક્યો હતો. 

થોડા ફોટા પાડ્યા, પણ મોટાભાગનો સમય પાંચેય જાણે શાંતિથી માહોલને માણવામાં મૂડમાં હતાં. બસ ઘેટાં સાથેની ગોષ્ઠિ પૂરી થઈ અથવા ઘેટાંને ભૂખ લાગી અને એ જુદી દિશામાં ચાલ્યાં ગયાં અને અમે અમારા રસ્તે આગળ વધ્યાં. સવારથી કદાચ એક પણ કાર અમને સામી મળી ન હતી. વળી વાદળિયું વેધર અને સૂરજ ન આથમવાની પરિસ્થિતિમાં અમે કોઈ ટાઇમલેસ ઝોનમાં હોઈએ એવું લાગતું હતું. 

તે દિવસે અમે જાણે એકલાં જ આખા રિજનમાં નીકળ્યાં હોઈએ એવું લાગતું હતું. અને થોડી વારમાં અમે બોરગુન સ્ટેવ ચર્ચના પાર્કિંગ પર પહોંચી ગયાં. ચર્ચ કોઈ ફેરી ટેલનો ભાગ હોય તેવું લાગતું હતું. બાળકોમાં જરા વધુ પડતી ખ્યાતનામ ફિલ્મ `ફ્રોઝન'ના મુખ્ય કિલ્લાની ડિઝાઇન પણ અહીંના જ આર્કિટેક્ચરથી પ્રભાવિત હતી. આખુંય લાકડાનું ફસાડ સાવ કાળું પડી ગયું હતું. 

પહેલાં લાગ્યું કે વેધરનો માર લાગ્યો હશે. પાછળથી ખબર પડી કે તેને વેધરથી બચાવવા માટે લાકડા પર પાઇન ટાર લગાવીને તેને ખાસ કાળું કરવામાં આવ્યું હતું. મોટાભાગના યુરોપમાં ગોથિક કે બરોક સ્ટાઇલનાં ચર્ચ જોઈને આંખો એવી ટેવાઈ ગઈ હતી કે આ ઇમારત કોઈ ગ્રાફિક નોવેલનો ફોટો હોય એવું લાગતું હતું. 

આ મધ્યયુગીન ચર્ચ પર પહેલાં ક્યાંય ન દેખાયું હોય તેવું માળખું જોવા મળી રહ્યું હતું. ઝરૂખાની કોતરણીની ડિટેઇલ, અંદરનું વ્યૂ, બહારનું કબ્રસ્તાન અને ચારેબાજુના લીલાછમ પહાડો જોઈને લાગતું હતું કે ભાગ્યે જ કદાચ આનાથી વધુ સુંદર પ્રાર્થના કરવાની કે ફાઇનલ રેસ્ટિગ પ્લેસની જગ્યા હોઈ શકે. છેક 1180થી ત્યાં ચર્ચ ઊભું છે અને તે મોટાભાગે તો આ જ સ્વરૂપનું હતું. 

એક લોકવાયકા એ પણ છે કે આખી ઇમારતમાં એક પણ લોખંડની ખિલ્લી નથી. બસ તેમાં સમય સાથે સમારકામ થતું રહ્યું છે. છતના કૉર્નરના ડ્રેગન, લાકડાનાં બીમ, બધું અલગ જ વાર્તા કરી રહ્યું હતું. 

નૉર્વેના બ્લૅક મેટલ બેન્ડ્સના મ્યુઝિક માટે પણ આ ચર્ચ અત્યંત પ્રેરણાત્મક બની રહ્યું હતું અને સ્થાનિક સાહિત્યમાં પણ તેનો રેફરન્સ દેખાયા કરે છે. અહીંનું લોકેશન જોઈને લાગતું હતું કે આટલી શાંતિમાં તો હોરર કે સસ્પેન્સ વાર્તાઓની પ્રેરણાનો ઢગલો હોઈ શકે. 

ઇમારત પર વાઇકિગ્સનો પ્રભાવ પણ સ્પષ્ટ છે જ. નોર્સ દંતકથાઓમાં ભગવાનથી માંડીને કેથલિક અને બીજા ઘણા ક્રિશ્ચિયાનિટીના પ્રકાર, ચર્ચનો શેપ નથી બદલાયો, પણ તેની ફિલોસોફી જરૂર બદલાયા કરી છે. આજે તો તે ચર્ચ કોઈ પણ ધર્મની ઇમારત નથી. તેને માત્ર ઐતિહાસિક ઇમારતનું સ્ટેટસ છે. હવે અહીં કોઈ પણ પ્રકારની ધાર્મિક સેરિમોની નથી થતી. 

તે સમયે ચર્ચમાં પણ કોઈ સ્થાનિક નહોતું આવેલું. અને સ્વાભાવિક છે અહીં માત્ર ટૂરિસ્ટ જ આવે છે. અહીં કોઈ પ્રે કરવા નથી આવતું. અમે ત્યાં શક્ય એટલો ઓછો અવાજ કરીને તે દિવસની સ્પિરિટ જાળવી રાખી. જોકે અહીં ઘેટાં સાથે નહોતાં આવેલાં.

હજી નૉર્વેમાં બીજાં ઘણાં સ્ટેવ ચર્ચ જોવા મળવાનાં હતાં. આખા દેશમાં બરાબર આવાં જ દેખાતાં બીજાં 27 ચર્ચ છે. જોકે તેમાંનું કોઈ બોરગુન જેટલું ભવ્ય અને પ્રભાવશાળી ન હતું. આગળના રસ્તામાં ફરી અમે ઘેટાં પાસે રોકાયાં. નૅૉર્વેમાં આમ પણ બીજું કરવાનું શું હોય.