Fri Sep 04 2026

Logo

ભાજપે ઉદ્ઘાટન કરેલા સાતમાંથી 6 એરપોર્ટ બંધઃ નોઈડા એરપોર્ટ મુદ્દે અખિલેશ યાદવના પ્રહાર

2026-03-29 16:38:00
Author: Vimal Prajapati
ભાજપે ઉદ્ઘાટન કરેલા સાતમાંથી 6 એરપોર્ટ બંધઃ નોઈડા એરપોર્ટ મુદ્દે અખિલેશ યાદવના પ્રહાર

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશમાં નોઇડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ઉદ્ઘાટન બાદ રાજકીય મહોલ ગરમાયો છે. સમાજવાદી પાર્ટી (સપા)ના અધ્યક્ષ અખિલેશ યાદવે ભાજપા સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું કે, ભાજપે 7 નવા એરપોર્ટના ઉદ્ઘાટન કર્યાં, પરંતુ તેમાંથી 6 તો બંધ થઈ ગયાં છે. એટલે કે, ભાજપ સરકાર દ્વારા જે કામ અને વાયદાઓ કરવામાં આવે છે, તેને પૂરા કરવામાં આવતા નથી. આ સિવાય પણ અખિલેશ યાદવે ભાજપ પર અનેક આક્ષેપો કર્યાં છે. 

અખિલેશે દાદરી, નોઇડા રેલીમાં યોગી સરકારને લળકાવતા કહ્યું કે, 'એરપોર્ટના નામે અબજો રુપિયાની કમાણી થઈ રહી છે. ભાજપની સરકાર માત્ર પોતાના લોકોને કોન્ટ્રાક્ટ આપીને લાભ પહોંચાડે છે. આ આક્ષેપો નવા નોઇડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ઉદ્ઘાટનને લઈને કરવામાં આવી રહ્યાં છે. આ સાથે એવું પણ કહ્યું કે, ભાજપ પોતાના વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી માને છે, પરંતુ છતાં તેને પોતાના સભામાં લોકોને સરકારી ખર્ચે બોલાવવા પડે છે. લોકોને ભાજપ પર હવે કોઈ ભરોસો નથી તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. 

એરપોર્ટ મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહાર

ખાસ કરીને એરપોર્ટના ઉદ્ધાટન અંગે આક્ષેપ કરતા અખિલેશ યાદવે સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, ભાજપે સાત એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. જેમાંથી છ બંધ થઈ ગયા છે. ગઈકાલે, તેઓ ઓછામાં ઓછું વચન તો આપી શક્યા હોત કે આ એરપોર્ટ વેચાશે નહીં. એવું લાગે છે કે ઉદ્ઘાટન ફક્ત તેમને વેચવાના હેતુથી જ કરવામાં આવ્યું હતું. અખિલેશનો આક્ષેપ એવો છે કે, ભાજપ દ્વારા જે એરપોર્ટનું ઉદ્ધાટન કરવામાં આવે છે તે માત્ર વેચવા માટે જ કરવામાં આવે છે.

જમીનનું વળતર બજાર ભાવે આપવાની ખાતરી

અખિલેશ યાદવે કહ્યું કે, આઝમગઢ અને મુરાદાબાદ જેવા એરપોર્ટ સમાજવાદી પાર્ટીના નેતૃત્વમાં બન્યા હતા. અત્યારે પાંચ રાજ્યમાં ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. તેવામાં અત્યારે રાજકીય પાર્ટીઓ પ્રચાર માટે મેદાને આવી ગઈ છે. આ દરમિયાન સમાજવાદી પાર્ટીના અધ્યક્ષે કહ્યું કે, તેઓએ (ભાજપ સરકારે) જમીન લઈ લીધી હશે, પરંતુ તમને બજાર ભાવે વળતર આપવામાં આવ્યું નથી. હું મારા ખેડૂત ભાઈઓને ખાતરી આપું છું કે જ્યારે પણ સમાજવાદી સરકાર બનશે - જો આપણે ક્યારેય કોઈ પણ વિકાસ પ્રોજેક્ટ માટે ખેડૂતોની જમીન સંપાદિત કરવાની જરૂર પડશે - તો અમે ખાતરી કરીશું કે તેમને બજાર મૂલ્ય પર વળતર આપવામાં આવશે। 

ભાજપ વારંવાર પીડીએના લોકોને અપમાનિત કરે છે

અખિલેશ યાદવે કહ્યું કે પીડીએ (પછાત, દલિત અને લઘુમતી)ના લોકો સારી રીતે જાણે છે કે તેમનું ગૌરવ છીનવાઈ રહ્યું છે. ભાજપ દ્વારા તેમના પરિવારો અને પરિવારોનું પણ અપમાન કરવામાં આવી રહ્યું છે. આ ઘમંડી વ્યક્તિઓ વારંવાર પીડીએના લોકોને અપમાનિત કરે છે. 

આ સંઘર્ષ ફક્ત એક જ ચૂંટણી વિશે નથી, પીડીએની લડાઈ ચાલુ રહેશે. દરેક વ્યક્તિની સમૃદ્ધિ અને પ્રગતિ ત્યારે જ સાકાર થઈ શકે છે જ્યારે પરસ્પર વિશ્વાસ કેળવવામાં આવે. મૂળ વાત એ છે કે, અખિલેશ યાદવ દ્વારા ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ સરકાર પર અનેક આક્ષેપો કરવામાં આવ્યાં છે. આ આક્ષેપો કરતા અખિલેશ યાદવે પોતાની પાર્ટીને બંધારણનું રક્ષણ કરતા પાર્ટી ગણાવી છે.