Fri Apr 17 2026

Logo

ભાગેડુ નીરવ મોદીને મોટી રાહત: યુરોપિયન માનવાધિકાર કોર્ટે આપી ‘ગુપ્તતા’, હવે કેસની સુનાવણી જાહેર નહીં થાય

2026-04-14 21:31:33
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ ફ્રાન્સના સ્ટ્રાસબર્ગમાં આવેલી યુરોપિયન માનવાધિકાર કોર્ટે (ઈસીએચઆર) ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીને ગુપ્તતાનો અધિકાર આપવામાં આવ્યો છે, જેથી તેનો કેસ હવે સાર્વજનિક તપાસમાંથી બહાર થઈ ગયો છે. કોર્ટ તેમના કેસને ગુપ્ત માનશે અને આ મામલામાં કાર્યવાહી ગુપ્ત રાખવામાં આવશે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.

ઈસીએચઆરના પ્રેસ કાર્યાલયે જણાવ્યું હતું કે "જે કિસ્સાઓમાં કોઈ અરજદારને ગુપ્તતાનો અધિકાર આપવામાં આવે છે અને કેસ ફાઈલ ગુપ્ત હોય તો તે કેસ અંગે કોર્ટ કોઈ માહિતી આપી શકતી નથી."  સૂત્રોએ જણાવ્યું હતું કે લગભગ એક પખવાડિયાની અંદર ઈસીએચઆર નીરવ મોદીની અરજી પર સુનાવણી કરે તેવી શક્યતા છે. કોર્ટ સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ)નો પક્ષ પણ સાંભળશે ત્યારબાદ પોતાનો ચુકાદો સંભળાવશે.

જો મોદીની અરજી ફગાવી દેવામાં આવે છે, તો તે યુકેથી ભારતને પ્રત્યાર્પણ માટેનો અંતિમ કાનૂની અવરોધ દૂર કરશે, જ્યાં તે લંડનની જેલમાં બંધ છે.

માર્ચમાં બ્રિટનની ‘હાઇકોર્ટ ઓફ જસ્ટિસે’ નીરવ મોદીની એ અરજીને ફગાવી દીધી હતી જેમાં તેણે પોતાના પ્રત્યાર્પણ વિરુદ્ધ કેસની સુનાવણી ફરીથી કરવાની માંગ કરી હતી. કોર્ટે ભારત સરકાર દ્વારા આપવામાં આવેલા આશ્વાસનોની ગુણવતા પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે આ આશ્વાસનો એટલા વ્યાપક છે કે તેનાથી ત્રાસના જોખમને સંપૂર્ણ રીતે સમાપ્ત કરી શકાય છે જેના કારણે નીરવ મોદીને ભારત મોકલવા પર રોક લાગી શકતી હતી.

આ અરજી કોર્ટે ફગાવ્યા બાદ બ્રિટનમાં નીરવ મોદી માટે ઉપલબ્ધ તમામ કાનૂની માર્ગો બંધ થઈ ગયા હતા, જેના પગલે તેણે ઈસીએચઆરનો સંપર્ક કર્યો હતો. બ્રિટન યુરોપિયન માનવ અધિકારો પર સહી કરનાર દેશ છે.

નીરવ મોદીની કેસની સુનાવણી ફરીથી કરવાની અરજીનો આધાર ફેબ્રુઆરી 2025માં સંરક્ષણ સલાહકાર સંજય ભંડારીના પ્રત્યાર્પણ મામલે આવેલો એક ચુકાદો હતો. જેમાં કોર્ટે કબૂલાત કરાવવા માટે ભારતીય એજન્સી દ્વારા ત્રાસના ઉપયોગને "સામાન્ય અને એક મોટી સમસ્યા" ગણાવ્યો હતો. 
નોંધનીય છે કે નીરવ મોદી પર બેલ્જિયમની જેલમાં બંધ તેના મામા મેહુલ ચોક્સી સાથે મળીને પંજાબ નેશનલ બેન્કમાં 13,000 કરોડ રૂપિયાનું કૌભાંડ આચરવાનો આરોપ છે.