Mon Oct 05 2026

Logo

ન્યૂઝીલેન્ડની સંસદમાં ઐતિહાસિક નિર્ણય, ભારત સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પસાર, 95% પ્રોડક્ટ્સ પર નહીં લાગે ટેરિફ!

2026-09-16 08:47:08
Author: Mumbai Samachar Team
ન્યૂઝીલેન્ડની સંસદમાં ઐતિહાસિક નિર્ણય, ભારત સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પસાર, 95% પ્રોડક્ટ્સ પર નહીં લાગે ટેરિફ!

ભારત અને ન્યૂઝીલેન્ડના આર્થિક અને વ્યૂહાત્મક (સ્ટ્રેટેજીક) સંબંધોમાં એક નવો અધ્યાય જોડાઇ ગયો છે. ન્યૂઝીલેન્ડની સંસદે બુધવારે ભારત સાથે મુક્ત વ્યાપાર સમજૂતી એટલે કે FTAને લાગૂ કરતો કાયદો ભારે બહુમતિથી પસાર કર્યો છે. આ ઐતિહાસિક સમજૂતી હેઠળ ન્યૂઝિલેન્ડથી ભારતમાં થતી 95% નિકાસ પર લાગતો ટેરિફ ક્યાં તો લગભગ સંપૂર્ણ રીતે સમાપ્ત થઇ જશે અથવા તો ઘણો ઓછો કરી દેવામાં આવશે.

સંસદમાં આ બિલના સમર્થનમાં 93 અને વિરોધમાં માત્ર 29 મત પડ્યા હતા. મુખ્ય વિપક્ષી પક્ષ લેબર પાર્ટીએ પણ દેશહિત અને ભારત સાથેના વેપારી સંબંધોની મજબૂતીને ધ્યાનમાં રાખીને ખુલ્લેઆમ તેનું સમર્થન કર્યું હતું.

આ કરારની ખાસ વાત એ છે કે લાગુ થતાંની સાથે જ અડધાથી વધુ ઉત્પાદનો પર લાગતી કસ્ટમ ડ્યુટી તાત્કાલિક અસરથી શૂન્ય થઈ જશે. ન્યુઝીલેન્ડના વેપાર મંત્રી ટોડ મેક્લેએ આના પર ખુશી વ્યક્ત કરતા કહ્યું કે આ કરાર આ જ વર્ષથી પ્રભાવી થઈ જશે, જેનાથી નિકાસકારોને તાત્કાલિક અને મોટો ફાયદો મળશે.

ભારતને શું થશે ફાયદો?

આ વેપાર કરાર હેઠળ ન્યુઝીલેન્ડે ભારત માટે પોતાના બજારો સંપૂર્ણપણે ખુલ્લા મૂકી દીધા છે. ભારતથી ન્યુઝીલેન્ડ મોકલવામાં આવતા તમામ સામાનને 100% ડ્યુટી-ફ્રી એક્સેસ મળશે. આની સાથે જ, ન્યુઝીલેન્ડ સરકારે આગામી 15 વર્ષોમાં ભારતમાં 20 અબજ યુએસ ડૉલરનું મોટું રોકાણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.

જણાવી દઈએ કે બંને દેશોએ આ વર્ષે એપ્રિલમાં આ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. જૂન ૨૦૨૬ સુધીના આંકડા મુજબ, બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 3.99 અબજ ન્યુઝીલેન્ડ ડૉલર ($2.29 અબજ) સુધી પહોંચી ચૂક્યો છે, જેમાં ભારત, ન્યુઝીલેન્ડનું નવમું સૌથી મોટું એક્સપોર્ટ માર્કેટ છે. બંને દેશોમાં કાનૂની અને અધિકારીક પ્રક્રિયાઓ પૂરી થતાં જ આ કરાર સંપૂર્ણપણે લાગુ થઈ જશે.