કાઠમંડુ: નેપાળના આવેલા વિનાશક પૂર બાદ નેપાળ આંતરરાષ્ટ્રીય મંચ પર કલાઈમેટ જસ્ટિસની માંગ કરશે. આ અંગે નેપાળ કેબિનેટે આ મહિનાના અંતમાં યોજાનાર સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્રમાં વડાપ્રધાન બાલેન્દ્ર શાહને જવા માટે મંજૂરી આપી છે.
નેપાળી પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે
નેપાળના વડાપ્રધાન બાલેન શાહ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના 81મા સત્ર માટે નેપાળી પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. જે ન્યૂયોર્કમાં 22 થી 26 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર છે. આ મુલાકાત બાલેન શાહની માર્ચમાં પદ સંભાળ્યા પછીની પ્રથમ વિદેશ યાત્રા છે.
સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાને સંબોધિત કરશે
સંયુક્ત રાષ્ટ્રના અધિકૃત કાર્યક્રમ અનુસાર બાલેન શાહ 24 સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાના સત્રને સંબોધિત કરવાના છે. તેમના સંબોધન દરમિયાન, તેઓ કલાઈમેટ ચેન્જના મુદ્દા પર વાત કરશે. તેમજ 26 ઓગસ્ટે નેપાળના આવેલા વિનાશક પૂર અંગે ચર્ચા કરે તેવી શક્યતા છે.
નેપાળ પુરમાં 1300 લોકો માર્યા ગયા
ઉલ્લેખનીય છે કે, નેપાળ-તિબેટ સરહદ નજીક હિમસ્ખલનને કારણે આવેલા અચાનક પૂરને લીધે ઉત્તર અને મધ્ય નેપાળના નગરો અને ગામડાઓમાં ભારે તારાજી સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં 1300થી વધુ લોકોનાં મોત થયાં અને 5000થી વધુ લોકો ગુમ થયા. આ આપત્તિને કારણે દેશની સંપત્તિ અને માળખાગત સુવિધાઓને પણ વ્યાપક નુકસાન થયું હતું.
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનું 81મું સત્ર
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનું 81મું સત્ર 8 સપ્ટેમ્બરના રોજ શરૂ થયું છે. 22 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી સામાન્ય ચર્ચા (જનરલ ડિબેટ) દરમિયાન વિશ્વભરના નેતાઓસંબોધન કરશે.