વોશિંગ્ટનઃ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ ઓર્ડરને સુપ્રિમ કોર્ટે રદ કરી હતી. જોકે, ટ્રમ્પના ટેરિફ ઓર્ડરને પડકારનારા ભારતીય મૂળના વકીલ નીલ કાત્યાલે નવા આદેશની પણ ટીકા કરી હતી. કાત્યાલે કહ્યું કે જો ટ્રમ્પ ટેરિફ લાદવા ઈચ્છતા હતા તો તેમણે સંસદ પાસેથી મંજૂરી લેવી જોઈતી હતી.
જો ડોનાલ્ડ ટ્રમ્પનો ટેરિફ બહુ સારો વિચાર છે તો તેમને કોંગ્રેસને સમજાવવામાં કોઇ સમસ્યા ન હોવી જોઇએ, આ વાત ભારતીય મૂળના ભૂતપૂર્વ યુએસ એક્ટિંગ સોલિસિટર જનરલ નીલ કાત્યાલે કહી હતી. તેમજ કહ્યું કે પ્રમુખએ મોટા ટેરિફ પગલાં માટે કાનૂની મંજૂરી લેવી જોઇએ, જે યુએસ બંધારણમાં જરૂરી છે.
કાત્યાલની આ ટિપ્પણી યુએસ સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના ઇમરજન્સી પાવર કાયદા હેઠળ લાદવામાં આવેલા દૂરગામી વૈશ્વિક ટેરિફને રદ કર્યાના એક દિવસ પછી આવી છે. જેમાં લગભગ બીજા દરેક દેશ પર લાદવામાં આવેલા રેસિપ્રોકલ ટેરિફનો પણ સમાવેશ થાય છે.
કોર્ટે ચુકાદો આપ્યો હતો કે કોંગ્રેસની મંજૂરી વિના ઇમ્પોર્ટ ડ્યુટી લાદવા માટે ટ્રમ્પનો ઇમરજન્સી પાવરનો ઉપયોગ કરવો ગેરકાયદેસર હતો. કાત્યાલ નાના ઉદ્યોગો વત્તી હાઇ-સ્ટેક્સ ટેરિફ કેસ લડ્યા હતા અને જીત મેળવી હતી.
શનિવારે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ભારતીય મૂળના વકીલે જણાવ્યું કે જો ટ્રમ્પ વહીવટીતંત્રને લાગે છે કે મોટા ટેરિફ જરૂરી છે તો સાચો બંધારણીય રસ્તો એ હશે કે ઇમરજન્સી નિયમો પર આધાર રાખવાને બદલે આ પ્રસ્તાવને ચર્ચા અને મંજૂરી માટે યુએસ કોંગ્રેસ સમક્ષ મૂકવામાં આવે.
તેમણે કહ્યું કે જો તેઓ (ટ્રમ્પ) મોટા ટેરિફ ઇચ્છતા હોય તો તેમણે અમેરિકન પદ્ધતિ મુજબ કામ કરવું જોઇએ અને કોંગ્રેસ પાસે જવું જોઇએ. જો તેમના ટેરિફ બહુ સારો વિચાર છે તો તેમને કોંગ્રેસને મનાવવામાં કોઇ સમસ્યા ન હોવી જોઇએ. આ આપણા બંધારણની જરૂરિયાત છે.