મિજાજ મસ્તી - સંજય છેલ
ટાઈટલ્સ:
અજ્ઞાનમાં આત્મવિશ્વાસ ખીલે (છેલવાણી)
અમારા એક મિત્ર કાયમ કહ્યા કરે: ‘ગામ જઈને આરામ કરવો છે. વતનની ધૂળ, ત્યાંના મિત્રો, સગાંવહાલાંઓ, ફૂલો-પતંગિયાઓ. બધાં સાથે નિરાંતે શહેરની મગજમારીથી દૂર રહેવું છે.’
પછી એ એકવાર એ 2 મહિનાની રજા લઈને ગામ ગયો, પણ અઠવાડિયામાં જ તરત પાછા.
‘કેમ તરત પાછો?’, અમે પૂછ્યું તો એણે ભરી ભરીને ભડાસ કાઢી:
‘અરે યાર એક દિવસ ગામની શેરીઓમાં ને ખેતરોમાં ફર્યો. એક બે દિવસ લોકોને મળ્યો. પણ ત્યાંના નવરા લોકોએ મારી ને મારી પત્નીની, બાળકોની, તબિયતની, આવકની, મારા પરિવારની, મારા પાડોશીઓની, મારા કામધંધાની એટલી બધી સતત ચોવટપંચાત કરી કે હું કંટાળીને પાછો આવી ગયો!’
હકીકતમાં પાનના ગલ્લે, બસ-સ્ટેન્ડ કે ચોરેચૌટે કારણ વિનાની વાતો, પંચાતો, કરવાનો કંસેપ્ટ યુગો જૂનો છે. હવે ફેસબૂક, ટ્વિટર-ડ વગેરે સોશ્યલ મીડિયા પર ચોવટ કરવામાં કે સલાહ ચરકવામાં આપણે ચેંપિયન બન્યા છીએં! એમાંયે આજકાલ ‘આપણે પાકિસ્તાન સાથે કેમ લડવું?’, ‘સરકારે શું કરવું?’, ‘અમેરિકા-ચાઇનાએ શું શું ના કરવું’ થી માંડીને અમેરિક ઈરાન વોર સુદ્ધાં વિશે બધાં કલમિયા-કોલમિયાથી માંડીને 140માંથી 100 કરોડ લોકો મંડી પડ્યા છે. દરેક પાસે સરહદથી માંડીને સેના સુધીનાં ખૂફિયા સૂત્રો માહિતિઓ છે. અમુક લોકો તો માણસ આઇ.સી.યુ.માં પહોંચી જાય ત્યાં સુધી દેશી ઓસડિયા, એક્યુપ્રેશર, નેચરોપથી અજમાવવાના ઓપિનિયન અવેલેબલ હોય! ઘણાં ચર્ચા-ચતુરો વિરાટે કે વૈભવ સૂર્યવંશીએ કેમ બેટિંગ કરવી કે ઓસ્કારમાં કઇ ફિલ્મ જીતશે વગેરે અભિપ્રાય લઇને આડેધડ બબડે.
‘ગાંધીજી, દેશભક્તિમાં ક્યાં ચૂકી ગયા?’ એ સમજાવવા પોતે ટ્રેન ચૂકી જશે, પણ ચર્ચા નહીં ચુકે. પોતે વરસોથી ભાડાનું ઘર ના બદલી શક્યા હોય પણ ‘દેશનું સંવિધાન બદલવું જોઇએ’- એ વિશે એક્સપર્ટ! આધાર કાર્ડ મળ્યું એટલે વિના આધાર કોઇપણ વાત વિષે બોલવું, લખવું એમનો જન્મસિદ્ધ અધિકાર કે અદ્ભુત અહંકાર! આવા લોકો- ‘મને બધું આવડે’ ઉર્ફ ‘એમ.બી.એ.’ આવા જ્ઞાનચતુરો લાઇવબોંબની જેમ આસપાસ ખૂલ્લા ફરી રહ્યા છે માટે સાવધાન!
ઇન્ટરવલ:
રોઝ મેરે ઘર કી ઝિમ્મેદારિયાં મુઝ કો આ કર
ભૂલ જાને કા તુઝે અબ મશવિરા દે રહી હૈ. (ફૈઝ અહમદ)
આવું જ જ્ઞાનચતુર પાત્ર છે: ‘લખૂ રિસવૂડ’. લખૂને પણ આવા જ ડહાપણનાં ગુરિલ્લા હલ્લા કરવાની કુટેવ હતી. ચાલો, આજે એ ‘લખૂ રિસવૂડ’ને મળો:
જે પુસ્તકો પોતે વાંચવાં જોઇએ તેમ લખૂને લાગે, તેતે વિના સંકોચે પોતે વાંચ્યાં જ છે.. એમ બધાંને બિંદાસ કહેવા લાગ્યો કેટલાક દિવસો બાદ ખરેખર જ પોતે તે વાંચ્યાં છે તેમ તેને પોતાને પણ લાગવાં માંડયું. અવસર જોઇને અભિપ્રાયો ફેંકવાની હથોટી હતી. ધીમે ધીમે લખૂની પેન ચોતરફ ચાલવા લાગી. ‘લોકરંજન’ મેગેઝિનમાં નોકરી મળતાં મોટા મોટા સાહિત્યકારોની કૃતિઓ પસંદ કરવી પોતાના હાથમાં છે તે કલ્પનાથી ફૂલાવા લાગ્યો. તેની કલમ હવે કુહાડીની જેમ કોઇપણ વિષય પર ચાલવા લાગી. પોતાને ના સમજાયેલ કલાકૃતિને ‘અદ્વિતીય’ અને બહુ ગમેલી વાર્તા- કવિતાને ‘ટ્રેશ’(કચરો) કહેવાનું તેણે ચાલુ રાખ્યું! ફિલ્મ-ક્રિકેટથી માંડીને વેસ્ટર્ન મ્યુઝિક સુધી બધાં પર પણ વિવેચન કરવા લાગ્યો. ક્રિકેટ મેચમાં હારની ટીકા કરતી વખતે, પોતે ગલીમાં ‘બોલ-બેટ’ પણ રમ્યો નથી એ વિચાર પણ હવે એના મગજમાં આવતો નહીં. કલા-સમીક્ષા તો જાણે ચરાઉ જમીન અને ખાઉધરી બકરી જેવી એની કલમને કલાના ક્ષેત્રમાં ચરવા છોડી મૂકતો!
લખૂ રિસવૂડ મેટ્રિકમાં હતો ત્યારે અંગ્રેજીના પાઠયપુસ્તકમાં ટોલ્સટોયની ‘હાઉ મચ લેન્ડ ડઝ એ મેન નીડ?’ એટલી એક જ વાર્તા તેણે ભણવામાં પાઠ તરીકે વાંચી હતી, પણ છતાંયે ‘ટોલ્સટોય ને ગાંધી’ વિષય પર તે દોઢ-બે કલાક અસ્ખલિત બોલી શકતો! પણ હકીકતમાં તો ફિલ્મી હીરોઇનોનાં પોસ્ટર્સ, રહસ્યકથાના કવરપેજ પરની સેક્સી સ્ત્રીના ચિત્રો તેને વધારે પરેશાન કરતા હતા.
આવાં ઓપિનિયનનાં ગોરિલ્લા હલ્લા કરતા વાયડા ‘લખૂ રિસવૂડ’નું રમૂજી પાત્ર રચ્યું છે, મરાઠીનાં અદ્ભુત હાસ્યકારકલાકાર પુ.લ. દેશપાંડેએ. (ગુજરાતીમાં અરુણા જાડેજા દ્વારા અનુવાદિત ‘ભાત ભાતકે લોગ’ માં વાંચો)પણ પછી એ અભિપ્રાયશૂરા લખૂની ઓપિનિયન યાત્રામાં અચાનક વળાંક આવે છે:
‘કોઇ ફિલ્મનાં રિવ્યુ લખવામાં દિગ્દર્શનમાંના ‘ભાવનામય કોમળતા’ અને અભિનયમાંનાં ‘નાજુક આવિષ્કાર’-વાળાં રિસવૂડના વાક્યોથી વાચકોને જ નહિં પણ હવે ખુદનેય ઉબકા આવવા લાગ્યા.
ત્રણ વર્ષ બાદ મહારાષ્ટ્રનાં સમાજના દૃષ્ટિકોણનો પોતે અર્ધો અંશ પણ બદલી શકતો નથી એનું લખૂને ધીમે ધીમે ભાન થયું. ત્રીસપાંત્રિસનો થયો છતાં પોતાનાં ‘લગ્ન’ થતાં નથી એનું જ્ઞાન એને અંદરને અંદર અપમાનિત કરવા લાગ્યું અને પછી તો- ‘આજની દુનિયામાં પ્રામાણિકપણું ડઝ નોટ પે’અથવા ‘અમારા જેવા બુદ્ધિજીવી માણસોએ આમ જ મરવાનું રહેશે!’ વગેરે બોલવા માંડયો....પછી રહી રહીને લખૂ પર પ્રામાણિકપણાનો હુમલો આવ્યો! કોઇ ફિલ્મના રીવ્યુમાં ‘બેકાર નિર્માણ અને તેથી પણ વધું બેકાર કથા’-એવું પોતે જ લખેલું હેડીંગ ફાડી નાખ્યું અને નવેસરથી શરૂઆત કરી: ‘અભિજાત ભારતીય કળાનો અને સંસ્કૃતિનો કૃષ્ણા-કોયના નદી સંગમ જેટલો પવિત્ર આવિષ્કાર એટલે દિગ્દર્શક એમ.ગણપતરાવનું ‘દાદાની જનોઇ’!
...અને બસ તે સાંજે જ લખૂએ પહેલીવાર સિગરેટનું આખું પાકિટ પોતાને પૈસે ખરીદ્યું! અને પછી એ લખૂ રિસવૂડને જીવનની વાસ્તવિકતા અને પોતાની ખામીઓ સમજાતા સમજાતાં એણે લખવાનું છોડીને વીમા કંપાનીમાં નોકરી પકડી અને વાતે વાતે પેન ચલાવતા લેખક-ઉપસંપાદકમાંથી એ 60 રૂ. કમાતો નોર્મલ માણસ બની ગયો!
હા, તો પેલા ‘લખૂ રિસવૂડ’ની જેમ અમારે પણ એક અભિપ્રાય આપવો છે કે હવે તમે પણ સાચુકલા ‘જગત’માં કે સોશ્યલ મીડિયાનાં ‘ભ્રમ-જગત’માં વાતેવાતે ઓપિનિયન ભરડતા પહેલાં આયનામાં એકવાર જોઇને ચેક કરી લેજો કે ક્યાંક તમેય જાણે- અજાણે ‘લખૂ રિસવૂડ’ તો નથી બની રહ્યાને?
એન્ડટાઇટલ્સ:
આદમ: મારો એક મત આપું?
ઇવ: ઇલેક્શનમાં આપજે.