Tue Sep 15 2026

Logo

નવી મુંબઈમાં 'વેટલેન્ડ કટોકટી': ફ્લેમિંગોના રહેઠાણો ઝેરી બનતા પર્યાવરણ પ્રેમીઓમાં ચિંતા...

2026-03-22 21:18:47
Author: Mumbai Samachar Team
નવી મુંબઈમાં 'વેટલેન્ડ કટોકટી': ફ્લેમિંગોના રહેઠાણો ઝેરી બનતા પર્યાવરણ પ્રેમીઓમાં ચિંતા...

નવી મુંબઈઃ મુંબઈમાં આવેલા વેટલેન્ડ સ્થળાંતર કરનારા પક્ષીઓ માટે આદર્શ સ્થાનો છે. ખાસ કરીને ફ્લેમિંગો અહીંયા મોટા પ્રમાણમાં સ્થળાંતર કરીને આવે છે. નવેમ્બરથી મે  મહિના વચ્ચે અહીં મોટા પ્રમાણમાં પક્ષીઓ જોવા મળે છે. પક્ષી પ્રેમીઓ આ ગુલાબી નજારો જોવા મોટા પ્રમાણમાં તેની મુલાકાત લે છે.

જોકે, નવી મુંબઈમાં ત્રણ મુખ્ય ફ્લેમિંગોના રહેઠાણ ઝેરી બની ગયા હોવાથી, પર્યાવરણ પ્રેમીઓએ 'વેટલેન્ડ કટોકટી' જાહેર કરી છે, પાણીના નમૂનાઓના પરીક્ષણો ચિંતાજનક પરિણામો દર્શાવે છે.

કાર્યકર્તાઓએ નેરુળ ખાતે રામસર સ્થળ ગણાતા થાણે ક્રીક ફ્લેમિંગો અભયારણ્ય (ટીસીએફએસ) ડીપીએસ, એનઆરઆઈ અને ટીએસ ચાણક્ય તળાવોની બગડતી સ્થિતિને દર્શાવી હતી, જે સેટેલાઇટ વેટલેન્ડ છે.

નેટકનેક્ટ ફાઉન્ડેશન દ્વારા હાથ ધરવામાં આવેલા પાણીના નમૂના પરીક્ષણો દર્શાવે છે કે સિસ્ટમ ગંભીર તણાવમાં છે, એમ કાર્યકરોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મોકલેલા સંદેશાઓમાં જણાવ્યું છે. 

ફાઉન્ડેશનના ડિરેક્ટર બી.એન. કુમારે જણાવ્યું હતું કે, આ સિઝનમાં ફ્લેમિંગોની ગેરહાજરી ગંભીર ચેતવણી સમાન છે. ચાર મૂળભૂત સૂચકાંકો - ટીડીએસ, પીએચ, બીઓડી અને સીઓડી - સતત ઘટાડો દર્શાવે છે. પર્યાવરણ કાર્યકર્તાઓએ આ પરિસ્થિતિ માટે સિડકો, મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી અને વન વિભાગને દોષિત ગણાવ્યા છે. 

નવી મુંબઈ પર્યાવરણ સંરક્ષણ સોસાયટીના સંદીપ સરીને જણાવ્યું હતું કે કોર્ટના આદેશો છતાં સિડકો સંરક્ષિત જગ્યા પર કોંક્રિટ નાખતી હોવાથી ભીના મેદાનોનો નાશ થઈ રહ્યો છે. ભૂતકાળમાં ફ્લેમિંગો ખરાબ થયેલા સ્થળોએ અનુકૂળ થયા હતા, પરંતુ હવે તેમની ગેરહાજરી સૂચવે છે કે સિસ્ટમ એક મહત્વપૂર્ણ સીમા પાર કરી ગઈ હશે. 
(પીટીઆઈ)