Mon Sep 07 2026

Logo

નવી મુંબઈમાં આગરી-કોળી સમુદાયની પ્રતિમાની તોડફોડ: બે સગીર પકડાયા

2026-03-12 17:33:00
Author: Yogesh D. Patel
નવી મુંબઈમાં આગરી-કોળી સમુદાયની પ્રતિમાની તોડફોડ: બે સગીર પકડાયા

થાણે: નવી મુંબઈમાં આગરી-કોળી સમુદાયનીા ઝાંખી કરાવતી પ્રતિમાની તોડફોડ કરવા અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવા બદલ બે સગીરને પકડી પાડવામાં આવ્યા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.
નવી મુંબઈના વાશી વિસ્તારમાં સેક્ટર-10 ખાતે આ ઘટના બની હતી, જ્યાં આગરી-કોળી સમુદાય (ખેડૂતો અને માછીમારો)ની ઝાંખી કરાવતી પ્રતિમા નવી મુંબઈ મહાનગરપાલિકા દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી.

પોલીસના જણાવ્યા મુજબ તોડફોડ ત્યારે પ્રકાશમાં આવી હતી, જ્યારે તેના વીડિયો ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શૅર કરવામાં આવ્યા હતા. વીડિયો અંગે જાણ થયા બાદ વાશી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી ને બે સગીરને બુધવારે માનખુર્દ વિસ્તારમાંથી તાબામાં લેવાયા હતા, એમ આસિસ્ટન્ટ પોલીસ કમિશનર (વાશી ડિવિઝન) આદિનાથ બુધવંતે જણાવ્યું હતું.

પોલીસે વીડિયો બનાવવા અને તેને અપલોડ કરવા માટે વપરાયેલો મોબાઇલ ફોન જપ્ત કર્યો હતો. પોલીસે બંને સગીર સામે ભારતીય ન્યાય સંહિતા અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની સુસંગત જોગવાઇઓ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. (પીટીઆઇ)