નાશિક: ઓફિસમાં સાથી મહિલાઓની જાતીય સતામણી અને ધર્મ પરિવર્તન માટે દબાણ કરવાના આરોપોનો સામનો કરી રહેલી ટીસીએસ નાશિક યુનિટની કર્મચારી નિદા ખાને તેની બે મહિનાની ગર્ભાવસ્થાનો ઉલ્લેખ કરીને આગોતરા જામીન માટે અરજી કરી હતી.
નિદા ખાને જણાવ્યું હતું કે તેના પર લગાવવામાં આવેલા આરોપોમાં સાત વર્ષથી ઓછી સજાની જોગવાઇ છે. નાશિક સેશન્સ કોર્ટમાં ખાનની અરજી પર સોમવારે સુનાવણી થશે. નિદા ખાન પર લગાવાયેલા આરોપોને તેના વકીલે નકારી કાઢ્યા હતા.
નાશિકના પોલીસ કમિશનર સંદીપ કર્ણિકે જણાવ્યું હતું કે આઇટી કંપનીના યુનિટમાં જાતીય સતામણીના માત્ર એક કેસમાં ખાન આરોપી છે.
દરમિયાન ટીસીએસ દ્વારા શુક્રવારે સ્પષ્ટતા કરવામાં આવી હતી કે નિદા ખાન એચઆર મેનેજર નહોતી, પણ એક પ્રોસેસ એસોસિયેટ હતી અને તેણે ક્યારેય કોઇ લીડટશિપની ભૂમિકા ભજવી નથી.
નાશિક પોલીસની ક્રાઇમ બ્રાન્ચની ટીમે નિદા ખાનની શોધમાં થાણે જિલ્લાના મુંબ્રા વિસ્તારમાં છે અને તેમણે નિદા ખાનના પતિની શુક્રવારે પૂછપરછ કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર નિદાના પતિએ પોલીસને પૂછપરછમાં કહ્યું હતું કે તેની પત્ની સંબંધીના ઘરે ગઇ છે. જોકે પોલીસની ટીમ સંબંધીના ઘરે પહોંચી ત્યારે તે બંધ હોવાનું જણાયું હતું. એ ઉપરાંત આરોપી અને તેના સંબંધીનો મોબાઇલ ફોન પણ સ્વીચઓફફ છે.
નાશિક પોલીસે નિદા ખાનને શોધી કાઢવા માટે ત્રણ ટીમ તૈયાર કરી છે અને એક ટીમ મુંબ્રામાં છે, જ્યારે બાકીની બે ટીમને અલગ અલગ સ્થળે મોકલવામાં આવી છે.
(પીટીઆઇ)