Tue Jul 28 2026

Logo

ગળું ચીરી યુવતીની હત્યા: પ્રેમી સહિત મિત્રની ધરપકડ

2026-02-21 20:17:00
Author: Yogesh C. Patel
Article Image

નાશિક: ચારિત્ર્ય પર શંકાને પગલે ગળું ચીરી યુવતીની હત્યા કર્યા બાદ તેની ઓળખ છતી ન થાય તે માટે ચહેરો વિદ્રુપ કરી નાખવાના કેસમાં પોલીસે યુવતીના પ્રેમી સહિત બેની ધરપકડ કરી હતી.
પકડાયેલા બન્ને આરોપીની ઓળખ અથર્વ દેશમુખ અને સુમીત સાનપ તરીકે થઈ હતી. હત્યા બાદ લોહીથી ખરડાયેલાં કપડાં બદલવા મિત્રના ઘરે દેશમુખને એક રહેવાસીએ જોઈ લેતાં આ હત્યાકાંડ પરથી પરદો ઊંચકાયો હોવાનું પોલીસનું કહેવું છે.

અધિકારીના જણાવ્યા મુજબ નાશિક ગ્રામીણના વાડીવર્હે પોલીસ સ્ટેશનની હદમાં આવેલા સૌરુલ ગામમાંથી શુક્રવારે યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. તપાસ દરમિયાન યુવતીની ઓળખ બુલઢાણાની રહેવાસી સંસ્કૃતિ કાળે (19) તરીકે થઈ હતી. ગળું ચીરીને સંસ્કૃતિની હત્યા કરવામાં આવી હતી. પછી તેની ઓળખ છતી ન થાય તે માટે તેનો ચહેરો વિદ્રુપ કરી નાખવાનો પ્રયાસ કરાયો હતો.

દરમિયાન સતપુર પોલીસને મહત્ત્વની માહિતી મળી હતી કે એક યુવક લોહીના ડાઘવાળાં કપડાં બદલવા તેના મિત્રને ઘેર આવ્યો હતો. માહિતીને આધારે પોલીસે એ મિત્રને તાબામાં લઈ પૂછપરછ કરી હતી. તેણે આપેલી વિગતો પરથી પોલીસે અથર્વ દેશમુખની શોધ હાથ ધરી હતી.

દેશમુખ છત્રપતિ સંભાજીનગર ફરાર થવાની તૈયારીમાં હતો ત્યારે પોલીસે તેને પકડી પાડ્યો હતો. દેશમુખે કબૂલ્યું હતું કે સંસ્કૃતિ સાથે તેને પ્રેમ સંબંધ હતો. ચારિત્ર્ય પર શંકાને પગલે જ તેની હત્યા કરવામાં આવી હતી, એવું વાડીવર્હે પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.

દેશમુખે તેના મિત્ર સાનપની મદદથી હત્યા કરી હતી. પછી કારમાં સંસ્કૃતિના મૃતદેહને ઘટનાસ્થળે ફેંકવામાં આવ્યો હતો. પોલીસે સાનપને પણ પકડી પાડ્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)