Tue Jun 23 2026

Logo

નાશિકમાં બૅન્ક સાથે 38 કરોડની છેતરપિંડી: જવેલર્સની ધરપકડ

2026-06-22 17:09:16
Author: Yogesh C Patel
Article Image

નાશિક: ટીજેએસબી કો-ઑપરેટિવ બૅન્ક સાથે 38 કરોડ રૂપિયાની કથિત છેતરપિંડી કરવા બદલ નાશિક પોલીસે છ જણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. આ મામલે પોલીસે બાફના જવેલર્સના ડિરેક્ટર નીલેશ બાફનાની ધરપકડ કરી હતી.

અધિકારીએ જણાવ્યું હતું કે બૅન્ક અધિકારીની ફરિયાદને આધારે સરકારવાડા પોલીસે શનિવારે નીલેશ સુભાષ બાફના, સુભાષ લખીચંદ બાફના, નર્મતા નીલેશ બાફના, પ્રભાવતી સુભાષ બાફના, સરલા પારસમલ બાફના અને ગૅરન્ટર કાંતિલાલ લખીચંદ બાફના વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

પ્રાથમિક તપાસ બાદ પોલીસે રવિવારે નીલેશ બાફનાની ધરપકડ કરી હતી. કોર્ટે તેને 26 જૂન સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી. વધુ તપાસ માટે આ કેસ આર્થિક ગુના શાખામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ બાફનાએ 1998માં ટીજેએસબી બૅન્ક પાસેથી 90 લાખની કૅશ ક્રેડિટ લીધી હતી. તેણે સમયાંતરે પુન:ચુકવણી કરીને તેણે બૅન્ક અધિકારીઓનો વિશ્વાસ જીત્યો હતો.

ત્યાર બાદ તેણે સમયાંતરે વધુ લોનની માગણી કરી હતી, જેનો આંકડો 44 કરોડ રૂપિયા સુધી પહોંચ્યો હતો. જોકે માર્ચ, 2025થી તેણે નિયમિત રીતે લોનના વ્યાજની ચુકવણી કથિત રીતે કરી નહોતી.

અધિકારીએ જણાવ્યું હતું કે બાફનાનું એકાઉન્ટ નૉન-પરફોર્મિંગ એસેટ બની ગયું હતું. બૅન્કે પછી તેની મિલકતોને ટાંચ મારવાની પ્રક્રિયા શરૂ કરી હતી. 12 મેના રોજ ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટના આદેશ પછી બૅન્કે ત્રીજી જૂને બાફનાને એક નોટિસ મોકલાવી હતી અને દુકાનમાંનો બધો સામાન કબજામાં આપવાનું કહ્યું હતું. જોકે બાફનાએ દુકાનની કસ્ટડી આપી નહોતી.

પરિણામે પોલીસની મદદથી દુકાનનું શટર તોડવામાં આવ્યું હતું. જોકે દુકાનમાંથી માત્ર રૂપિયા 25,19,250 મૂલ્યનો સામાન મળી આવ્યો હતો. આરોપીએ 59.07 કરોડ રૂપિયાનો સામાન હોવાનું ખોટું સ્ટેટમેન્ટ રજૂ કર્યું હતું અને તે દસ્તાવેજો સાચા હોવાનું દર્શાવ્યું હતું, એવું પોલીસે જણાવ્યું હતું.
આ દસ્તાવેજોને આધારે બૅન્કમાંથી વિવિધ લોન સુવિધાઓ અને કૅશ ક્રેડિટ લેવામાં આવી હતી. 1998થી આરોપીના ટ્રાન્ઝેક્શનની તપાસ કરવામાં આવતાં આ છેતરપિંડી સામે આવી હતી. પરિણામે બૅન્ક અધિકારીએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો.

(પીટીઆઈ)