Wed Sep 02 2026

Logo

ખોડલધામના નરેશ પટેલ પ્રેમ લગ્નની તરફેણમાં પણ યુવાનોને શું આપી સલાહ? સિંગર આરતીને શું કહ્યું

2026-07-11 14:02:00
Author: Mayur Patel
ખોડલધામના નરેશ પટેલ પ્રેમ લગ્નની તરફેણમાં પણ યુવાનોને શું આપી સલાહ? સિંગર આરતીને શું કહ્યું

રાજકોટઃ  ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં યુવાનો અને સ્વૈચ્છિક રક્તદાતાઓએ કેમ્પમાં હાજરી આપી રક્તદાન કર્યું હતું. નરેશ પટેલે પ્રેમ લગ્નની તરફેણ કરવાની સાથે યુવાનોને સલાહ આપી હતી. ઉપરાંત પાટીદાર સિંગર આરતીને પણ ટકોર કરી હતી.

નરેશ પટેલે પ્રેમ લગ્નને લઈ શું કહ્યું

ખોડલધામના ચેરમેને નરેશ પટેલે કહ્યું, પ્રેમ કરવો કોઈ પાપ નથી,  લગ્ન માતાપિતાની સહમતીથી થાય એ જરુરી છે.  જીવનસાથીની પસંદગી ખૂબ જ સમજદારીપૂર્વક કરવી જોઈએ. કોઈપણ વ્યક્તિએ ખોટા પાત્રના પ્રભાવમાં આવીને પોતાનું જીવન મુશ્કેલીમાં ન મૂકવું જોઈએ.

તેમણે સોશિયલ મીડિયાના વધતા પ્રભાવ અંગે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું કે આજના સમયમાં ઘણા યુવાનો સોશિયલ મીડિયાના આકર્ષણમાં આવી ખોટા નિર્ણયો લઈ લે છે. દીકરીઓએ દરેક ક્ષેત્રમાં આગળ વધવું જોઈએ, પરંતુ પોતાની મર્યાદા, સુરક્ષા અને પરિવારના વિશ્વાસનું પણ ધ્યાન રાખવું જરૂરી છે.નરેશ પટેલે વધુમાં કહ્યું કે માતા-પિતાની લાગણીઓ અને વિશ્વાસને સમજવું પણ એટલું જ જરૂરી છે. જો જીવનમાં પ્રેમ સાચો હશે અને ભાગ્યમાં હશે તો તેને કોઈ છીનવી શકશે નહીં. 

પાટીદાર સિંગર આરતી સાંગાણી મુદ્દે શું કહ્યું

નરેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, માત્ર સિંગર નહીં પણ દરેક ફિલ્ડમાં કામ કરતી દીકરીઓ માટે આ પ્રશ્ન ચિંતાજનક છે. પણ પોતાના આઈડલ કોણ છે એ મહત્વનું છે. મારું માનવું છે કે, સિંગર હોય તો તેને લત્તા મંગેશકરને પોતાના આઈડોલ બનાવવા જોઈએ, જેથી કોઈ પ્રશ્ન નહીં રહે. તેમણે  દેશની મહાન ગાયિકા લતા મંગેશકરનું ઉદાહરણ આપી યુવાનોને તેમના જીવનમાંથી પ્રેરણા લેવા અપીલ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, સુરતની જાણીતી ગાયિકા આરતી સાંગાણીએ  તબલા વાદક યુવક દેવાંગ ગોહિલ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જેના આંતરજ્ઞાતિય લગ્નના કારણે પાટીદાર સમાજ રોષે ભરાયો હતો અને કાર્યક્રમો રદ કરાવ્યા હતા. જોકે થોડા દિવસ બાદ વિવાદ શાંત પડી ગયો હતો.