Mon Sep 07 2026

Logo

નાના પટોલે વિવાદમાં: કાર્યકર્તાઓએ દૂધથી પગ ધોતો વીડિયો વાયરલ, રાજકારણ ગરમાયું

2026-08-02 21:05:04
Author: Mumbai Samachar Team
નાના પટોલે વિવાદમાં: કાર્યકર્તાઓએ દૂધથી પગ ધોતો વીડિયો વાયરલ, રાજકારણ ગરમાયું

મુંબઈ: મહારાષ્ટ્ર કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને વિધાનસભ્ય નાના પટોલે ફરી  વિવાદમાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં તેમના સમર્થકો તેમને ખુરશી પર બેસાડીને દૂધથી તેમના પગ ધોઈ રહ્યા હોવાનું જોવા મળે છે. મળતી માહિતી મુજબ આ વીડિયો ગુરુ પૂર્ણિમાના દિવસનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, વીડિયો વાયરલ થયા બાદ નાના પટોલે અથવા કોંગ્રેસ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

વીડિયો સામે આવ્યા બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચા ગરમાઈ છે. સોશિયલ મીડિયા પર પણ આ ઘટનાને લઈને વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. કેટલાક લોકો આને અતિશય અંધ વિશ્વાસુ વ્યક્તિપુજા ગણાવી રહ્યા છે, જ્યારે અન્ય લોકો તેને કાર્યકર્તાઓની વ્યક્તિગત ભાવના ગણાવી રહ્યા છે.

નાના પટોલે અગાઉ પણ પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહ્યા છે. થોડા સમય પહેલાં તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની કાર્યશૈલીની સરખામણી ભગવાન શ્રીરામના આદર્શો સાથે કરી હતી. તેમણે કહ્યું હતું કે જેમ ભગવાન શ્રીરામે શોષિત અને પીડિત લોકોને ન્યાય અપાવ્યો હતો, તેવી જ રીતે રાહુલ ગાંધી પણ ખેડૂતો, પીડિતો, બંધારણ અને દેશના હિત માટે કાર્ય કરી રહ્યા છે. આ બાબતે પણ રાજકીય પારો ગરમાયો હતો.

જો કે બાદમાં તેમણે તે સમયે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ રાહુલ ગાંધીને ભગવાન શ્રીરામની સમકક્ષ ગણાવતા નથી, કારણ કે "ભગવાન તો ભગવાન છે અને આપણે મનુષ્ય છીએ." જોકે, તેમણે દલીલ કરી હતી કે રાહુલ ગાંધી ભગવાન શ્રીરામના આદર્શો અને વિચારધારાને અનુરૂપ કાર્ય કરી રહ્યા છે. પટોલેએ સ્પષ્ટતા આપતા એમ પણ કહ્યું હતું કે રાહુલ ગાંધી જ્યારે અયોધ્યા જશે ત્યારે તેઓ પણ રામલલાના દર્શન કરશે અને કોંગ્રેસની ભગવાન રામ પ્રત્યેની આસ્થા પર કોઈ શંકા હોવી જોઈએ નહીં.

નાના પટોલેને લઈને તાજેતરમાં વાયરલ થયેલા દૂધથી પગ ધોવાના વીડિયોએ ફરી એકવાર રાજકીય ચર્ચાને વેગ આપ્યો છે. જોકે, આ સમગ્ર મામલે નાના પટોલેનું સત્તાવાર સ્પષ્ટીકરણ હજુ સામે આવ્યું નથી. વાયરલ વીડિયોને મહારાષ્ટ્રના પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેએ વખોડી નાખ્યો હતો.