નશામાં ચૂર વેપારીને મદદને બહાને નિર્જન સ્થળે લઈ ગયા: વારંવાર પથ્થર ઝીંકી ક્રૂર હત્યા પછી નિર્વસ્ત્ર મૃતદેહ ઝાડીઝાંખરાંમાં ફેંક્યો
નાગપુર: નાગપુરમાં બનેલી કમકમાટીભરી ઘટનામાં એન્જિનિયરિંગના ત્રણ વિદ્યાર્થીએ કાર અને મોંઘાદાટ મોબાઈલ ફોનની લાલચમાં એક વેપારીની અત્યંત ક્રૂરતાથી હત્યા કરી હતી. નશામાં ચૂર વેપારીને મદદને બહાને સ્મશાનભૂમિ નજીકના નિર્જન સ્થળે લઈ જવાયો, જ્યાં વારંવાર પથ્થરથી માથું છૂંદી હત્યા કર્યા બાદ મૃતદેહને નિર્વસ્ત્ર કરી ઝાડીઝાંખરાંમાં ફેંકી દેવાયો હતો
.
44 વર્ષના વેપારી સુચિત ભોજાપુરેનો મૃતદેહ મળ્યાના 12 કલાકમાં જ પોલીસે હત્યાનો ભેદ ઉકેલી ત્રણેય વિદ્યાર્થીની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપી એન્જિનિયરિંગના વિદ્યાર્થી હોઈ હાલમાં જ તેમણે બીજા વર્ષની પરીક્ષા આપી હતી. પરીક્ષા પત્યા પછી ત્રણેય મિત્ર ફરવા નીકળ્યા ત્યારે નશામાં ચૂર વેપારીને જોઈ તેમણે ભયંકર કાવતરું ઘડ્યું હતું.
પોલીસના જણાવ્યા મુજબ ઑટો સ્પેર પાર્ટ્સનો વ્યવસાય ધરાવતો વેપારી દારૂના નશામાં કાર ચલાવી ઘરે જઈ રહ્યો હતો. વેપારીએ એટલો બધો દારૂ ઢીંચ્યો હતો કે કાર ડ્રાઈવ કરવું તેના માટે મુશ્કેલ બન્યું હતું. વર્ધમાન નગર ખાતેના પુલ પર કાર રોકી વેપારી તેમાં બેઠો હતો ત્યારે આરોપી મદદ માટે તેની નજીક આવ્યા હતા.
આરોપીની કારમાં બેસીને વિદ્યાર્થીઓ તેને પહેલાં ભિવાપુરની દિશામાં લઈ જઈ ફરી વાડી પરિસરમાં આવ્યા હતા. એ દરમિયાન વેપારીના મોબાઈલ પર તેની પત્નીનો કૉલ આવતો હતો. ડરી ગયેલા વિદ્યાર્થીઓએ વેપારીને તેના ઘરે છોડવાનું નક્કી કર્યું, પરંતુ કૉલ કટ થતાં જ વિદ્યાર્થીઓ કાર ખડગાંવ માર્ગ પરની સ્મશાનભૂમિ તરફ લઈ ગયા હતા. નિર્જન સ્થળે વેપારીના માથે સાત વાર પથ્થર ઝીંકવામાં આવ્યો હતો. ક્રૂરતાથી માથું છૂંદી નાખ્યા પછી આરોપીઓએ મૃતદેહનાં કપડાં કાઢી નિર્વસ્ત્ર કરી નાખ્યો હતો. મૃતકની ઓળખ ન થાય તે માટે આરોપીઓએ આવું કર્યું હોવાનું કહેવાય છે.
હત્યા પછી આરોપી વેપારીની કાર અને મોબાઈલ સાથે ફરાર થઈ ગયા હતા. બીજી સવારે મૃતદેહ મળ્યા પછી વાડી પોલીસે 12 કલાકમાં જ તપાસ કરી ત્રણેય આરોપીને પકડી પાડ્યા હતા. વેપારીની કાર અને મોબાઈલની લાલચમાં આરોપીએ આવું ઘાતકી પગલું ભર્યું હોવાનું તપાસમાં જણાયું હતું.