Fri Sep 11 2026

Logo

આપણે હવે ‘વિશ્વગુરુ’ નથી, સંસ્કૃતને ભારતની સત્તાવાર ભાષા બનાવો: મુરલી મનોહર જોશી

2026-04-20 21:05:00
Author: Mumbai Samachar Team
આપણે હવે ‘વિશ્વગુરુ’ નથી, સંસ્કૃતને ભારતની સત્તાવાર ભાષા બનાવો: મુરલી મનોહર જોશી

ANI


નવી દિલ્હી: સંસ્કૃતના વધુ પ્રચાર અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગમાં પણ તેના ઉપયોગ માટે બોલતા ભાજપના દિગ્ગજ નેતા મુરલી મનોહર જોશીએ આજે કહ્યું હતું કે ભારત હવે 'વિશ્વગુરુ' નથી અને આ શબ્દનો ઉપયોગ થવો જોઈએ નહીં.

અહીં એક કાર્યક્રમ દરમિયાન પત્રકારો સાથે વાત કરતા તેમણે સંસ્કૃતને ભારતની સત્તાવાર ભાષા બનાવવા માટે પણ જોરદાર વકાલત કરતા કહ્યું કે ડો. બાબાસાહેબ આંબેડકર સહિત ઘણા લોકોએ ભૂતકાળમાં તેના માટે પ્રયાસો કર્યા હતા, પરંતુ દરખાસ્તોને મંજૂરી મળી ન હતી. તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સહયોગી સંસ્કૃત ભારતીના કેન્દ્રીય કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા.

ભારત 'વિશ્વગુરુ' બની ગયું છે અને એઆઈ હબ તરીકે પણ ઉભરી રહ્યું છે ત્યારે સંસ્કૃતના પ્રચારમાં ભારતની ભૂમિકા અંગેના તેમના મંતવ્ય વિશે પૂછવામાં આવતા, ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાને કહ્યું કે, "આપણે 'વિશ્વગુરુ' છીએ તેવી ધારણા વિશે હું વ્યક્તિગત રીતે આજકાલ માનું છું કે આપણે આ શબ્દનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. આપણે હાલમાં 'વિશ્વગુરુ' નથી. આપણે 'વિશ્વગુરુ' બનવાની ઇચ્છા રાખવી જોઈએ."

ખરેખર, આપણે એક સમયે 'વિશ્વગુરુ' હતા. જોકે, આજે વાસ્તવિકતા એ છે કે આપણે નથી," એમ તેમણે કહ્યું હતું. પ્રાચીન ભાષાના વધુ પ્રચાર અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગ સહિત આધુનિક વૈજ્ઞાનિક કાર્યોમાં તેના ઉપયોગ માટે ઝઝૂમતા જોશીએ કહ્યું કે, આ દૃષ્ટિકોણથી, સંસ્કૃત આજે ખૂબ જ મહત્વપૂર્ણ છે. 

સંસ્કૃત ફક્ત ભારતનો વારસો નથી, પરંતુ વિશ્વનો વારસો છે. તે સૌથી જૂની ભાષા છે. તે જ્ઞાન અને વિજ્ઞાનની ભાષા પણ છે. તે આધ્યાત્મિકતાની ભાષા છે. તે ટેકનોલોજીની ભાષા પણ છે. સંસ્કૃત ભારતના 'પ્રાણ' (જીવનશક્તિ) છે, એવું તેમણે જણાવ્યું હતું.