ધરમશાલાઃ તિલક વર્મા (75 અણનમ, 33 બૉલ, છ સિક્સર, છ ફોર)ની ફાંકડી ફટકાબાજીથી મુંબઈએ અહીં ગુરુવારે પંજાબને રોમાંચક મુકાબલામાં એક બૉલ બાકી રાખીને છ વિકેટના માર્જિનથી હરાવી દીધું હતું અને આ સીઝનમાં રહીસહી આબરૂ સાચવવાનો પ્રયત્ન કર્યો હતો. પ્લે-ઑફની રેસની બહાર થઈ ગયેલા મુંબઈ (MI)એ જીતીને પંજાબ માટે પ્લે-ઑફની એન્ટ્રી થોડી મુશ્કેલ બનાવી દીધી હતી અને 16મી એપ્રિલની વાનખેડેની હારનો બદલો પણ લઈ લીધો હતો. બન્ને ટીમના ફીલ્ડર્સે કેટલાક કૅચ છોડ્યા હતા. ગુરુવારે સાંજે ઇન્ડિયા-એ ટીમના કૅપ્ટન બનાવવામાં આવેલા તિલક (Tilak Verma)ની સાથે બ્રિટિશ પ્લેયર વિલ જૅક્સ (પચીસ રન, 10 બૉલ, બે સિક્સર, બે ફોર) અણનમ રહ્યો હતો.
પંજાબની ટીમ સતત પાંચમી હાર બદલ વધુ ચિંતામાં મુકાઈ ગઈ હતી. પંજાબે આઠ વિકેટે 200 રન કર્યા બાદ મુંબઈએ 19.5 ઓવરમાં ચાર વિકેટે 205 રન બનાવ્યા હતા. મુંબઈની જીત માટે છેવટની ઓવરમાં બનેલી કેટલીક ઘટનાઓ કારણરૂપ હતી. તિલકને 29 રનના સ્કોર પર અર્શદીપ સિંહના બૉલમાં માર્કો યેનસેનના હાથે જીવતદાન મળ્યું હતું. ત્યાર બાદ તિલક વધુ જોશમાં આવી ગયો હતો અને ચહલની છેલ્લી ઓવરના પહેલા જ બૉલમાં તેણે 106 મીટર લાંબી સિક્સર ફટકારી હતી. એ જ ઓવરમાં તેના વધુ એક ચોગ્ગા અને રુધરફર્ડને છગ્ગાને લીધે એ ઓવર ખર્ચાળ (20 રન) બની હતી અને મુંબઈ માટે ટર્નિંગ પૉઇન્ટ પણ સાબિત થઈ શકે એમ હતી. ચહલ પછીની 17મી ઓવર ઓમરઝાઈએ કરી હતી જે પંજાબ માટે ટર્નિંગ નીવડી હતી. એમાં ફક્ત બે રન બન્યા હતા અને રુધરફર્ડની વિકેટ પડી હતી. જોકે યેનસેનની 18મી ઓવર ખર્ચાળ બની હતી. એમાં બાવીસ રન બન્યા હતા.
એ અગાઉ, મુંબઈએ પંજાબ સામે 201 રનનો લક્ષ્યાંક મળ્યા બાદ સારી શરૂઆત કરી હતી, પરંતુ પાવરપ્લે બાદ ત્રણ ઓવરમાં બે વિકેટ ગુમાવી દેતાં એના માટે સ્થિતિ થોડી નાજુક થઈ ગઈ હતી. હાર્દિક અને સૂર્યા વિનાની આ મૅચમાં રોહિત શર્મા 26 બૉલમાં બે સિક્સરની મદદથી પચીસ રન બનાવીને ચહલના બૉલમાં ક્લીન બોલ્ડ થઈ ગયો હતો. મુંબઈની આ ત્રીજી વિકેટ હતી. 96.00ના સ્ટ્રાઇક-રેટથી ધીમું રમેલા રોહિત સાથે 61 રનની ઓપનિંગ ભાગીદારી કરનાર રાયન રિકલ્ટન (48 રન, 23 બૉલ, ચાર સિક્સર, ચાર ફોર) આક્રમક ઇનિંગ્સમાં હાફ સેન્ચુરી ચૂકી ગયો હતો, જ્યારે નમન ધીરે માત્ર નવ રન બનાવ્યા બાદ પાછા પૅવિલિયનમાં જવું પડ્યું હતું. 10 ઓવરને અંતે મુંબઈનો સ્કોર 3/89 હતો.
એ પહેલાં, પંજાબે આઠ વિકેટે 200 રન બનાવ્યા હતા જેમાં ઓપનર પ્રભસિમરનનું 57 રનનું સૌથી મોટું યોગદાન હતું, પરંતુ નીચલા ક્રમના બૅટ્સમેનોની ફટકાબાજીને કારણે પંજાબનો સ્કોર 200 રન સુધી પહોંચી શક્યો હતો. ઓમરઝાઈએ 17 બૉલમાં ચાર છગ્ગા અને બે ચોગ્ગાની મદદથી 38 રન બનાવ્યા હતા. વિષ્ણુ વિનોદે આઠ બૉલમાં અણનમ 15 રન અને ઝેવિયર બાર્ટલેટે આઠ બૉલમાં અણનમ 18 રન કર્યા હતા. કૅપ્ટન બુમરાહને 38 રનમાં વિકેટ નહોતી મળી, જ્યારે શાર્દુલે ચાર અને દીપક ચાહરે બે વિકેટ લીધી હતી.