Mon Sep 07 2026

Logo

વસઈ સ્ટેશને યુવકે કર્યો મોતનો સ્ટંટ, ટ્રેનની સામે પાટા ઓળંગ્યા, જુઓ વાયરલ વીડિયો

2026-07-19 17:55:00
Author: Mumbai Samachar Team
વસઈ સ્ટેશને યુવકે કર્યો મોતનો સ્ટંટ, ટ્રેનની સામે પાટા ઓળંગ્યા, જુઓ વાયરલ વીડિયો

મુંબઈ: સબર્બન મુંબઈ રેલવેમાં પીકઅવર્સમાં લોકલ ટ્રેનમાં ટ્રાવેલ કરવામાં પ્રવાસીઓનો જીવ પડિકે બંધાઈ જતો હોય છે, તેમાંય વળી પીકઅવર્સમાં લાંબા રુટ (દહાણુ અથવા વિરાર-વસઈથી ચર્ચગેટ)માં ટ્રાવેલ કરનારા પ્રવાસીઓ તો જીવના જોખમે પ્રવાસ કરતા હોય છે. અવારનવાર વીડિયોમાં પણ જોવા મળે છે, જેમાં ચઢવા-ઉતરવામાં કે ટ્રેક ક્રોસ કરવામાં અકસ્માતનો ભોગ બને છે. જોકે, વસઈ સ્ટેશન પર એક પ્રવાસીનો હૃદયના ધબકારા વધારી દેનારો વીડિયો વાયરલ થયો હતો. ફૂલ સ્પીડમાં આવતી એક્સપ્રેસ ટ્રેનની સામે પાટા ઓળંગતા એ યુવક સહેજ માટે બચી ગયો હતો.

મળતી માહિતી અનુસાર વસઈ રેલવે સ્ટેશન પર એક શખસનો જોખમી સ્ટંટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં એક પ્રવાસી રેલવેના પાટા ઓળંગતી વખતે પોતાનો જીવ જોખમમાં મૂકતો જોવા મળ્યો હતો. વાયરલ થયેલા વીડિયોમાં યુવક એક્સપ્રેસ ટ્રેનની સામેથી પસાર થઈને રેલવે સ્ટેશનની એક બાજુથી બીજી બાજુ જવાનો પ્રયાસ કરતો જોવા મળ્યો હતો. એક ક્ષણે તો આંચકો આવતા એકદમ ટ્રેન નજીક પણ પહોંચ્યો હતો, પરંતુ ટ્રેન થોડી દૂર હોવાથી બચી ગયો હતો, પરંતુ એના પછી ટ્રેન પસાર થઈ ગયા પછી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

વીડિયોથી લોકોની સુરક્ષા અંગે ચિંતા 

વસઈ રેલવે સ્ટેશન આ વિસ્તારના સૌથી વ્યસ્ત અને ભીડભાડવાળા રેલવે સ્ટેશનોમાંનું એક છે, જ્યાં દરરોજ હજારો પ્રવાસીઓ મુસાફરી કરે છે. તેમ છતાં પ્રવાસીઓ દ્વારા રેલવેના પાટા ઓળંગીને પોતાના જીવને જોખમમાં મૂકવાની ઘટનાઓ વારંવાર બનતી રહે છે. આ વાયરલ વીડિયોએ નેટિઝન્સમાં ચિંતા જગાવી હતી. તેઓએ આવા જોખમી વર્તન બદલ રોષ વ્યક્ત કર્યો હતો અને રેલવે અધિકારીઓ પાસે કડક કાર્યવાહીની અને જાગૃતિ અભિયાનોની માંગ કરી હતી. 

સુરક્ષાના પગલાં લેવાની માંગ 

પ્રવાસીઓએ રેલવે તંત્રને અનુરોધ કર્યો હતો કે તેઓ ખાસ કરીને વ્યસ્ત સમયગાળા દરમિયાન પાટા ઓળંગવાની ઘટનાઓ રોકવા અને પ્રવાસીઓની સુરક્ષાઓને સુનિશ્ચિત કરવા માટે નક્કર પગલાં લેવાં જોઈએ.