Wed Aug 19 2026

Logo

તાડદેવમાં રૂ.6 કરોડનો 2BHK ફ્લેટ ખરીદવો છે? તો પહેલાં વાંચી લો મકાનમાલિકની આ કડક શરત!

2026-08-13 20:26:29
Author: Darshana Visaria
Article Image

મુંબઈનું રિયલ એસ્ટેટ માર્કેટ પોતાની આસમાને પહોંચેલી કિંમતો અને વિચિત્ર શરતો માટે અવારનવાર ચર્ચામાં રહે છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર દક્ષિણ મુંબઈના પોશ વિસ્તાર ગણાતા તાડદેવનો એક ટુબીએચકે ફ્લેટ ભારે વાઈરલ થઈ રહ્યો છે. આ લક્ઝ્યુરિયસ સી-વ્યૂ ફ્લેટની કિંમત સાંભળીને લોકોના હોશ ઊડી ગયા છે, પરંતુ સૌથી વધુ ચર્ચા ફ્લેટના માલિક દ્વારા મુકવામાં આવેલી એક ખાસ શરતને લઈને થઈ રહી છે. ઈન્સ્ટાગ્રામ પર આ ફ્લેટનો હોમ-ટૂર વીડિયો વાઈરલ થયા બાદ નેટિઝન્સ વિવિધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયો અનુસાર દક્ષિણ મુંબઈના તાડદેવ વિસ્તારમાં આવેલી એક હાઈ-રાઈઝ બિલ્ડિંગમાં સ્થિત આ ટુબીએચકે ફ્લેટની કિંમત છ કરોડ રાખવામાં આવી છે. આ ફ્લેટમાંથી મુંબઈની શાન ગણાતો અરબી સમુદ્રનો અદ્ભુત 'સી-વ્યૂ' દેખાય છે. પરંતુ આ ફ્લેટ ખરીદવા કે ભાડે રાખવા માટે માલિકે એક કડક શરત મૂકી છે કે 'ફક્ત શાકાહારી ખરીદદારો જ સંપર્ક કરે.' અહીં તમારી જાણકારી માટે કે મુંબઈની કેટલીક સોસાયટીઓમાં આ પ્રકારના નિયમો સામાન્ય છે, પરંતુ સોશિયલ મીડિયા પર આ શરતે નવો વિવાદ અને ચર્ચા જગાવી છે.

ફ્લેટની ખાસિયતો વિશે વાત કરીએ તો આ ફ્લેટ સાઉથ મુંબઈનો અલ્ટ્રા-પ્રીમિયમ વિસ્તાર તાડદેવ ખાતે આવેલો છે અને તેની કિંમત અંદાજે રૂપિયા છ કરોડ એટલે કે લગભગ રૂપિયા 50,000થી વધુ પ્રતિ સ્ક્વેર ફીટ થાય છે. વાત કરીએ વ્યૂની તો ફ્લેટની બારીમાંથી જ અરબી સમુદ્ર અને અરેબિયન સી-ફેસિંગ નજારો દેખાય છે અને સુવિધાઓમાં મોર્ડન ઈન્ટિરિયર, સુસજ્જ રસોડું અને હાઈ-ટેક સેફ્ટી ફીચર્સથી લેસ છે આ ફ્લેટ.

સોશિયલ મીડિયા પર યુઝર્સની પ્રતિક્રિયા આપતા કમેન્ટ કરી રહ્યા છે. કેટલાક યુઝર્સે મુંબઈના રિયલ એસ્ટેટ ભાવ અંગે મજાક ઉડાવતાં લખ્યું હતું કે છ કરોડ રૂપિયા ખર્ચ્યા પછી પણ જો ખાવા-પીવાની આઝાદી ન મળે તો શું ફાયદો? તો બીજા વર્ગે સોસાયટીના નિયમો અને શાંતિપૂર્ણ વાતાવરણનું સમર્થન કરતાં લખ્યું હતું કે મકાનમાલિકને પોતાની મિલકતમાં પોતાની પસંદગીના ખરીદદાર શોધવાનો સંપૂર્ણ અધિકાર છે.