Mon Jul 06 2026

Logo

24 કલાકમાં 265 મિમી વરસાદથી મુંબઇ પાણી પાણી, BMCએ સ્કૂલોમાં જાહેર કરી રજા

2026-07-06 08:24:00
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: મુંબઈમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે હવામાન વિભાગે 6 જુલાઇએ તેજ પવનો સાથે ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. જેને ધ્યાનમાં રાખીને બીએમસી (BMC) એ મોટો નિર્ણય લીધો છે. હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલા એલર્ટને જોતા બીએમસીએ પોતાના દ્વારા સંચાલિત શાળાઓની સાથે તમામ સરકારી અને ખાનગી શાળાઓમાં રજા જાહેર કરી દીધી છે. 6 જુલાઈએ મુંબઈમાં તમામ સરકારી અને ખાનગી શાળાઓ બંધ રહેશે. બીએમસીએ જણાવ્યું છે કે વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.


બીએમસી (BMC) દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, હવામાનના એલર્ટને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સોમવારે તમામ સરકારી અને ખાનગી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. જો કે, બીએમસીએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે આ આદેશ માત્ર શાળાઓ માટે જ છે. તમામ સરકારી અને ખાનગી ઓફિસો સામાન્ય દિવસોની જેમ જ ચાલુ રહેશે.

થાણેમાં પણ શાળાઓ બંધ રહેશે

થાણેના કલેક્ટર શ્રીકૃષ્ણ નાથ પાંચાલે પણ જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર કરી દીધી છે. કલેક્ટર દ્વારા જારી કરવામાં આવેલા આદેશ મુજબ સોમવારે થાણે જિલ્લાની તમામ આંગણવાડી, બાળવાડી, પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ બંધ રહેશે. નવી મુંબઈ મહાનગરપાલિકાએ પણ તમામ શાળાઓમાં રજા જાહેર કરી દીધી છે. નવી મુંબઈ મહાનગરપાલિકાના મેયર સુજાતા પાટીલ અને કમિશનર કૈલાશ શિંદેએ લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે.

Mumbai schools, colleges to remain shut on July 6 amid heavy rains

હવામાન વિભાગે 6 જુલાઈએ એટલે કે સોમવારે પણ મુંબઈમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. મુંબઈમાં રવિવારે પણ સાંબેલાધાર વરસાદ ચાલુ રહ્યો હતો. બીએમસી (BMC) ના જણાવ્યા અનુસાર, 4 જુલાઈએ સાંજે 6 વાગ્યાથી 5 જુલાઈનએ સાંજે 6 વાગ્યા સુધીમાં મુંબઈ શહેરમાં 265 મિલીમીટરથી વધુ વરસાદ નોંધાયો છે. આ જ સમયગાળા દરમિયાન ઉપનગરોમાં પણ 227 મિલીમીટરથી વધુ વરસાદ પડ્યો છે. ગગનબાવડામાં સૌથી વધુ 143.1 મિલીમીટર વરસાદ નોંધાયો છે.

ભારે વરસાદ વચ્ચે મુંબઈ, પુણે, થાણે અને પાલઘરમાં સોમવાર એટલે કે આજે (6 જુલાઇ) શાળા અને કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ દરમિયાન પુણે-મુંબઈ કનેક્ટિંગ લિંક રોડ પર પુણેથી મુંબઈ જતી લેનમાં ટનલ ૨ના એક્ઝિટ પાસે ધોધમાર વરસાદ વચ્ચે ભૂસ્ખલન થયું છે. હવામાન વિભાગે (IMD) આગામી 24 કલાકમાં સતત વરસાદની આગાહી કરી છે. કેટલીક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ, તો વળી કેટલીક અલગ-અલગ જગ્યાએ અત્યંત ભારે વરસાદ અને 60-70 કિમી/કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવાની શક્યતા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારે વરસાદ અને ભારે પવનના કારણે મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઓથોરિટીને રવિવારે એક કલાક માટે રનવેની તમામ કામગીરી અટકાવવી પડી હતી, જેના લીધે ઈન્ડિગોની ચાર ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી અને અલગ-અલગ એરલાઈન્સના 13 વિમાનોને નજીકના એરપોર્ટ પર ડાયવર્ટ કરવા પડ્યા હતા. રસ્તાઓ પર પણ પાણી ભરાયેલા જોવા મળ્યા હતા.