મુંબઈ: ગોવામાં ચાલી રહેલા પ્રોજેક્ટનું કામ બેરોકટોક ચાલવા દેવા માટે રિયલ એસ્ટેટ કંપનીના પ્રતિનિધિ પાસે છ કરોડ રૂપિયા માગવા અને 41 લાખ રૂપિયાની ખંડણી વસૂલવા બદલ ગોવાના બે રહેવાસી અને તેમના સાથીદારો વિરુદ્ધ મુંબઈ પોલીસે ગુનો નોંધ્યો હતો.
રિયલ એસ્ટેટ કંપનીના લાયઝન ઓફિસરે આ પ્રકરણે એન. એમ. જોશી માર્ગ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદને આધારે 27 ઑગસ્ટ ગુનો દાખલ કરાયો હતો. ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે આરોપીઓએ રૂપિયા ન ચૂકવાય તો પ્રોજેક્ટ સાઇટ પર બાંધકામ અટકાવી દેવાની ધમકી આપી હતી, એમ અધિકારીએ કહ્યું હતું.
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર આરોપી સિદ્ધેશ જાના તારી, પ્રિતેશ સાલગાંવકર અને તેમના સાથીદારોએ ગોવામાં કંપનીના પ્રોજેક્ટનું કામ અવરોધ વિના ચાલુ રાખવા માટે ફરિયાદી પાસેથી છ કરોડ રૂપિયાની માગણી કરી હતી.
સિદ્ધેશ તારીએ છેલ્લા પાંચ મહિનામાં ફરિયાદી પાસેથી અનેક હપ્તામાં 34 લાખ રૂપિયા લીધા હતા, જ્યારે પ્રિતેશ સાલગાંવકરે સાત લાખ રૂપિયા લીધા હતા. બંને જણે ફરિયાદી પાસેથી કુલ 41 લાખ રૂપિયાની ખંડણી વસૂલી હતી.
જોકે આરોપીઓએ તાજેતરમાં ફરિયાદી પાસેથી 10 લાખ રૂપિયા માગ્યા હતા. વારંવારની માગણી અને ધમકીથી કંટાળીને ફરિયાદીએ એન. એન. જોશી માર્ગ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો, જેની હદમાં કંપનીની ઓફિસ આવેલી છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની સુસંગત જોગવાઇઓ હેઠળ ગુનો દાખલ કરીને તપાસ આદરી હતી. (પીટીઆઇ)