Tue Jun 30 2026

Logo

મુંબઈ-કોંકણમાં આગામી 48 કલાક માટે 'ઓરેન્જ એલર્ટ', મુંબઈમાં લોકલ ટ્રેનો મોડી પડી અને હાઈવે પર ભારે ટ્રાફિક જામ

2026-06-30 08:55:00
Author: Darshana Visaria
Article Image

 

મુંબઈ: મહારાષ્ટ્રમાં ચોમાસું સક્રિય થતાં મુંબઈ સહિત સમગ્ર કોંકણ પટ્ટા પર મેઘરાજાની મહેર વરસી રહી છે. હવામાન વિભાગ (IMD) દ્વારા આગામી 48 કલાક માટે મુંબઈ, થાણે, પાલઘર અને રાયગઢમાં અત્યંત ભારે વરસાદની ચેતવણી આપતું 'ઓરેન્જ એલર્ટ' (Orange Alert) જાહેર કરવામાં આવ્યું છે. સતત પડી રહેલા અવિરત વરસાદને કારણે મુંબઈની રફતાર ધીમી પડી છે અને રાજ્યના 23 જિલ્લાને યલો એલર્ટ તો પાંચ જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

મુંબઈની વર્તમાન સ્થિતિ: નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
ગઈકાલ રાતથી પડી રહેલાં મુશળધાર વરસાદને કારણે મુંબઈના અનેક જાણીતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. હિંદમાતા, સાયન, અંધેરી સબવે, કુરલા અને ચેમ્બુરના કેટલાક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. અંધેરી સબવેમાં પાણીનું સ્તર વધતાં વાહન વ્યવહાર માટે તેને સુરક્ષાના ભાગરૂપે બંધ કરવાની ફરજ પડી છે. પાલિકા (BMC) દ્વારા પંપિંગ સ્ટેશનો સક્રિય કરીને પાણીના નિકાલની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે.

મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનસેવા પર ભારે વરસાદની માઠી અસર જોવા મળી રહી છે. મધ્ય રેલવે અને હાર્બર લાઈન પર  લોકલ ટ્રેનો પોતાના નિયત સમય કરતાં 15થી 20 મિનિટ મોડી ચાલી રહી છે. ધસારા સમયે ટ્રેનવ્યવહાર મોડો પડતાં પ્રવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે પશ્ચિમ રેલવે પર ટ્રેનો ધીમી ગતિએ દોડી રહી છે. જો આગામી કલાકોમાં હાઈટાઈડ દરમિયાન વરસાદ ચાલુ રહેશે, તો ટ્રેન વ્યવહાર વધુ ખોરવાઈ શકે છે.

આ ઉપરાંત પાણી ભરાવવાને અને વિઝિબિલિટી ઓછી થવાને કારણે મુંબઈના મુખ્ય હાઈવે પર વાહનોની ગતિ થંભી ગઈ છે. વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે (WEH) અને ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે (EEH) પર સવારના પીક અવર્સમાં લાંબો ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. દાદર, સાયન સર્કલ અને જોગેશ્વરી-વિક્રોલી લિંક રોડ પર વાહનચાલકો ટ્રાફિકમાં ફસાયા હોવાની માહિતી સામે આવી રહી છે. 

અનેક જિલ્લાઓમાં એલર્ટ અને વહીવટીતંત્રની સજ્જતા
રાજ્યના કુલ 29 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ડિઝાસ્ટર મેનેજમેન્ટ હરકતમાં આવ્યું છે. મુંબઈ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફ અને સ્થાનિક રેસ્ક્યુ ટીમોને તહેનાત રાખવામાં આવી છે. દરિયામાં ઊંચા મોજા ઉછળવાની શક્યતા હોવાથી માછીમારો અને નાગરિકોને ચોપાટી કે દરિયા કિનારે ન જવાની સૂચના આપવામાં આવી છે.