Fri Jul 24 2026

Logo

પોલીસ આંદોલનકારીને રોકવાનો પ્રયાસ  કરી રહી હતી, મહિલા વચ્ચે આવી ગઇ

2026-07-24 18:43:56
Author: Yogesh D. Patel
Article Image

વાયરલ થયેલા વીડિયો પર મુંબઈ પોલીસની સ્પષ્ટતા

મુંબઈ: મુંબઈમાં આંદોલન દરમિયાન પોલીસ કર્મચારી એક મહિલા આંદોલનકારી સાથે કથિત રીતે ગેરવર્તન કરતો હોવાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસની આકરી ટીકા થઇ હતી. આ સામે હવે મુંબઈ પોલીસે શુક્રવારે સ્પષ્ટતા કરી હતી કે ઘટનાનું ખોટું અર્થઘટન કરવામાં આવી છે. સાદાવેશમાં તે પોલીસ કર્મચારી પુરુષ આંદોલનકારીને રોકવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે મહિલા વચ્ચે આવી ગઇ હતી.

કૉંગ્રેસનાં સાંસદ વર્ષા ગાયકવાડે એક્સ પર વીડિયો શૅર કર્યો ત્યારે વિપક્ષ દ્વારા આકરી ટીકા કરાઇ હતી, જ્યારે રાષ્ટ્રવાદી (એસપી)ના નેતા રોહિત પવારે ક્લિપમાં દેખાતાં પોલીસ કર્મચારી સામે પગલાં લેવાની માગણી કરી હતી.

એક્સ પર પોસ્ટમાં મુંબઈ પોલીસે આરોપ નકારી કાઢીને જણાવ્યું હતું કે અમારા કર્મચારી વિશે અત્યંત બેજવાબદાર અને ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે.
એ પોલીસ કર્મચારી પુરુષ આંદોલનકારીને પકડે છે અને અન્ય દિશામાં જુએ છે. એ સમયે મહિલા આંદોલનકારી અચાનક વચ્ચે આવે છે, એમ પોલીસે જણાવ્યું હતું.

પ્રતિષ્ઠિત નાગરિક તરીકે તમારે વીડિયોને આધારે કોઇ પણ તારણ કાઢવા પૂર્વે વાસ્તવિકતાની ખરાઇ કરવાની અપેક્ષા છે. વરિષ્ઠ અધિકારીઓએ તમામ હકીકતની ખરાઇ કરી છે, એમ પોલીસે વધુમાં કહ્યું હતું.

ડેપ્યુટી પોલીસ કમિશનર (ઑપરેશન્સ) અકબર પઠાણે કહ્યું હતું કે વીડિયોનું બેજવાબદારીપૂર્વક ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે. સંબંધિત પોલીસે પુરુષ આંદોલનકારીને પકડી રાખ્યો હતો અને અન્ય દિશામાં જોતો હતો ત્યારે અચાનક ત્યાં મહિલા આંદોલનકારી વચ્ચે આવી ગઇ હતી. વરિષ્ઠ અધિકારીઓએ સર્વ હકીકતની ખરાઇ કરી છે અને વીડિયોનું બારીકાઇથી આકલન કરતાં હકીકત અલગ હોવાનું જણાયું છે.આ સંબંધમાં કોઇ ગુનો દાખલ કરાયો નથી. (પીટીઆઇ)