ડિજિટલ પેમેન્ટ્સ માટે કેન્દ્ર સરકાર દ્વારા રૂપિયા 2000થી વધુના વ્યવહારો પર સુધારેલા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાગુ કરવાના નિર્ણયનો પહેલો મોટો ફટકો સામાન્ય વાહનચાલકોને બેસવાની શક્યતા છે. નવા નિયમો હેઠળ જો ઈંધણ વિક્રેતાઓને એમડીઆર (MDR)માંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં નહીં આવે, તો 15મી ઓક્ટોબરથી મુંબઈના પેટ્રોલ પંપો પર યુપીઆઈ દ્વારા પેમેન્ટ સ્વીકારવાનું સંપૂર્ણપણે બંધ કરી દેવાની ચીમકી પેટ્રોલ પંપ સંચાલકોએ આપી છે.
જો આ નિર્ણય અમલી બનશે તો પેટ્રોલ પંપો પર માત્ર રોકડ કેશ કે પછી ડેબિટ-ક્રેડિટ કાર્ડ દ્વારા જ ચૂકવણી સ્વીકારવામાં આવશે, જેનાથી મુંબઈના લાખો વાહનચાલકોની મુશ્કેલીઓમાં ભારે વધારો થઈ શકે છે. રૂપિયા 100 નું પેટ્રોલ પુરાવનારાને પણ કેમ પડશે ફટકો? એની વાત કરીએ તો આ વિરોધ માત્ર રૂપિયા 2000થી વધુના ટ્રાન્ઝેક્શન પૂરતો મર્યાદિત નથી.
જો પંપ સંચાલકો યુપીઆઈ સ્વીકારવાનું સાવ બંધ કરી દેશે, તો રૂપિયા 100નું પેટ્રોલ પુરાવતા સામાન્ય બાઈકચાલક કે સામાન્ય નાગરિક પણ ક્યૂઆર કોડ સ્કેન કરીને પેમેન્ટ કરી શકશે નહીં. મુંબઈ પેટ્રોલ ડીલર્સ એસોસિએશને ભારતીય રિઝર્વ બેંક (RBI) અને કેન્દ્રીય નાણા મંત્રાલયને પત્ર લખીને પેટ્રોલ પંપોને એમડીઆર ચાર્જમાંથી સંપૂર્ણ મુક્તિ આપવાની તાકીદે માગ કરી છે.
ગ્રાહકો પર બોજ નાખી શકાય નહીં:
મુંબઈ પેટ્રોલ ડીલર્સ એસોસિએશનના પ્રમુખ ચેતન મોદીના જણાવ્યા અનુસાર, દેશમાં ઇંધણના ભાવો સરકારી નિયંત્રણ હેઠળ છે અને નિયમ મુજબ આ ટ્રાન્ઝેક્શન ખર્ચ ગ્રાહકો પાસેથી વસૂલી શકાતો નથી. યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર 0.4 ટકા સુધીનો એમડીઆર લાગુ થવાથી ડીલર્સના અત્યંત મર્યાદિત કમિશન અને નફા પર સીધો બોજ પડશે, જે પેટ્રોલ પંપ સંચાલકો માટે અસ્તિત્વનું સંકટ ઊભું કરી રહ્યું છે.
ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટું રોકાણ:
ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના સલાહકાર અને પૂર્વ પ્રમુખ બાલ મલકીત સિંગે જણાવ્યું કે પંપ સંચાલકોએ ડિજિટલ ઇન્ડિયા પહેલ અંતર્ગત ઓનલાઇન પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ભારે રોકાણ કર્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવો દબાણ હેઠળ છે ત્યારે વધારાનો ચાર્જ ટ્રાન્સપોર્ટ ક્ષેત્ર અને પરિવહન ખર્ચમાં મોટો વધારો કરશે.
શું છે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR)?
મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) એ ડિજિટલ પેમેન્ટ (UPI, કાર્ડ્સ) સ્વીકારવા બદલ વેપારી કે દુકાનદારે બેંક, પેમેન્ટ ગેટવે અને નેટવર્ક પ્રોવાઇડરને ચૂકવવી પડતી સર્વિસ ફી છે. આ રકમ વેપારીને મળતા કુલ પેમેન્ટમાંથી કાપવામાં આવે છે. ગ્રાહકે સામાન્ય રીતે આ રકમ સીધી ચૂકવવી પડતી નથી, પરંતુ તેનો આર્થિક બોજ વિક્રેતા પર પડે છે.
દિલ્હીના બજારો અને નોઈડાના પંપ પર ‘No UPI’ ના બોર્ડ:
દિલ્હીના મુખ્ય હોલસેલ માર્કેટના વેપારીઓએ દુકાનો પર 'No UPI'ના પોસ્ટર લગાવી દીધા છે. 'ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રી'ના અધ્યક્ષે જણાવ્યું કે સરકારે વેપારીઓ પર ચાર્જ લાદવાને બદલે ડિજિટલ પેમેન્ટ્સ માટે સબસિડી આપવી જોઈએ. ગ્રેટર નોઈડાના એક સીએનજી પંપ પરથી પણ વીડિયો સામે આવ્યો છે, જ્યાં 'નો યુપીઆઈ, ઓન્લી કેશ'ના પોસ્ટર લગાવીને વાહનચાલકો પાસેથી ઓનલાઇનને બદલે માત્ર રોકડ રકમની માંગણી કરવામાં આવી રહી છે.
ઉત્તરાખંડના વેપારીઓમાં ભારે નારાજગી:
દૂન ઉદ્યોગ વ્યાપાર મંડળ સહિત સ્થાનિક સંગઠનોએ સ્પષ્ટ કર્યું છે કે વેપારીઓ પહેલેથી જ નિયમિત ઈન્કમટેક્સ અને જીએસટી ભરી રહ્યા છે. તેથી યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર વધારાનો આર્થિક બોજ તેઓ સહન કરશે નહીં. વેપારીઓના મતે સરકારના કહેવાથી પારદર્શિતા લાવવા માટે અમે ડિજિટલ ટ્રાન્ઝેક્શન અપનાવ્યા હતા. જો હવે તમામ નુકસાન અને શુલ્ક માત્ર વેપારીઓ પર જ થોપવામાં આવશે, તો તેનો ઉગ્ર વિરોધ કરવામાં આવશે.