Fri Sep 04 2026

Logo

મુંબઈમાં ઘર લેવાનું સપનું થશે સાકાર: મ્હાડા 2500 ઘર માટે મહિનાના અંતમાં લોટરી બહાર પાડશે

2026-03-13 20:29:31
Author: Mumbai Samachar Team
મુંબઈમાં ઘર લેવાનું સપનું થશે સાકાર: મ્હાડા 2500 ઘર માટે મહિનાના અંતમાં લોટરી બહાર પાડશે

મુંબઈ: સ્વપ્નનગરી મુંબઈમાં પોતાનું ઘર હોવું એ અનેક લોકોનું સપનું હોય છે. આ સપનું જોનારા સામાન્ય લોકો માટે એક ખૂબ જ આનંદના સમાચાર છે.

મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (મ્હાડા) મુંબઈ બોર્ડ દ્વારા અંદાજે ૨૫૦૦ ઘરો માટે ખાસ લોટરીની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આગામી માર્ચ મહિનાના અંત સુધીમાં આ લોટરીની સત્તાવાર જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે, જ્યારે એપ્રિલમાં આ ઘરો માટે ડ્રો યોજાશે.

મળતી માહિતી મુજબ, મુંબઈમાં ઘરની વધતી જતી કિંમતોને ધ્યાનમાં રાખીને મ્હાડાએ સામાન્ય માણસને પરવડે તેવા દરે ઘર ઉપલબ્ધ કરાવવાનું આયોજન કર્યું છે. આ લોટરી માટેની વહીવટી તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. 

માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયામાં જાહેરાત પ્રસિદ્ધ થયા બાદ, ઈચ્છુક ઉમેદવારોને અરજી ભરવા માટે લગભગ એક મહિનાનો સમય આપવામાં આવશે. અરજીઓની ચકાસણી કર્યા પછી, એપ્રિલ મહિનાના અંતમાં ઘરો માટેની કમ્પ્યુટરાઈઝ્ડ લોટરી જાહેર થવાની શક્યતા છે.

પ્રાથમિક માહિતી અનુસાર, આ વખતની લોટરીમાં મુંબઈના મહત્વના વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં મુખ્યત્વે માગાઠાણે (બોરીવલી), પ્રતીક્ષા નગર (સાયન) અને વિક્રોલી જેવા વિસ્તારોનો સમાવેશ થશે.