(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગણેશોત્સવ દરમ્યાન ગણેશભક્તો મોડે સુધી મુંબઈના જુદા જુદા વિસ્તારમાં તેમના લાડલા ગણપતિ બાપ્પાના દર્શન કરવા ઉમટી પડશે ત્યારે રાતના મોડેથી તેમને ઘર પાછા ફરવા માટે અગવડ થાય નહીં તે માટે મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેલવપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) દ્વારા મેટ્રો રેલ સેવા રાતના ૧૨.૩૦ વાગ્યા સુધી દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
એમએમઆરડીએના જણાવ્યા મુજબ મહા મુંબઈ મેટ્રોએ મેટ્રો લાઈન ટૂ-એ, મેટ્રો-સાત અને મેટ્રો-નવ તેમજ મેટ્રો ટૂ-એ પર રાત્રે ૧૨:૩૦ વાગ્યા સુધી વિશેષ વધારાની મેટ્રો રેલ સેવા ઉપલબ્ધ કરાવવાની છે. આનાથી ભક્તો સુરક્ષિત, સરળ અને અનુકૂળ મોડી રાતની કનેક્ટિવિટી સાથે ઉત્સવનો આનંદ માણી શકશે.
સોમવાર, ૧૪થી ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધી રહેનારા ગણેશોત્સવ તહેવાર દરમ્યાન મેટ્રો રેલ સેવાની છેલ્લી ટ્રેન રાત્રે ૧૧.૦૦ વાગ્યાને બદલે ૧૨.૩૦ વાગ્યે ઉપડશે, જેમા અંધેરી વેસ્ટ અને દહિસર ઈસ્ટ (લાઈન ટૂ-એ), ગુંદવલી અને કાશીગાંવ (લાઈન- સાત અને નવ) તથા મહારાષ્ટ્ર નગર-મંડાલે અને ચેમ્બુર (લાઈન ટૂ-બી) રેલ સેવાનો સમાવેશ થોય છે. એટલું જ નહીં સમગ્ર નેટવર્ક પર દરરોજ ૧૦-૧૫ વધારાની ટ્રિપ્સ ઉમેરવામાં આવશે, જેથી મુંબઈગરા છેલ્લી ટ્રેનની ચિંતા કર્યા વિના મોડે સુધી ઉજવણી કરી શકશે. આખા અઠવાડિયા દરમ્યાન વધારાની સેવાઓ અને વધુ વારંવાર મળતી ટ્રેનો (ફ્રિકવન્સી) સાથે મુસાફરો તેમના મનપસંદ ગણેશમંડળો અને ઉત્ત્સવના સ્થળો સુધી સુરક્ષિત, સરળ અને ભરોસાપાત્ર મોડી રાતની કનેક્ટિવિટીનો આનંદ માણી શકે છે.
સમગ્ર નેટવર્ક પર લંબાવવામાં આવેલી સેવાઓ:
સોમવારથી શુક્રવાર: લાઈન ટૂ-એ માં ૨૯૯ સેવાઓ (+૧૦), લાઈન- સાત અને નવ પર ૨૯૦ (+૧૪), લાઈન ટૂ-બી પર ૧૮૦ (+૧૫)
શનિવાર: મેટ્રો લાઈન ટૂ-એ પર ૨૪૧ સેવાઓ (+૧૦) લાઈન સાત અને નવ પર ૨૩૭ (+૧૪), લાઈન ટૂ-બી પર ૧૮૦ (+૧૫)
રવિવાર: લાઈન ટૂ-એઅ પર ૨૨૩ સેવાઓ (+૧૦) લાઈન સાત અને નવ પર ૨૧૯
(+૧૪), લાઈન ટૂ-બી પર ૧૮૦ (+૧૫)