Sun Sep 13 2026

Logo

લોકલ ટ્રેનમાં હત્યાનો મામલો વિધાનસભામાં ગાજ્યો: સ્પીકરે સરકાર પાસે માંગ્યો જવાબ

2026-06-25 20:30:54
Author: Mumbai Samachar Team
લોકલ ટ્રેનમાં હત્યાનો મામલો વિધાનસભામાં ગાજ્યો: સ્પીકરે સરકાર પાસે માંગ્યો જવાબ

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભામાં આજે વિપક્ષે મુંબઈ ઉપનગરીય ટ્રેનમાં એક મુસાફરની હત્યાનો મુદ્દો ઉઠાવ્યો હતો ત્યાર બાદ સ્પીકર રાહુલ નાર્વેકરે સરકારને 29 જૂને ગૃહમાં આ ઘટના પર નિવેદન આપવાનો નિર્દેશ આપ્યો હતો.

કોંગ્રેસના ધારાસભ્ય નાના પટોલેએ આ ઘટનાને "અત્યંત ગંભીર" ગણાવી હતી અને કહ્યું હતું કે તેમને મુંબઈના ઉપનગરીય રેલ નેટવર્ક પર દરરોજ મુસાફરી કરતા લગભગ 80 લાખ મુસાફરોની સલામતીની ચિંતા છે. તેમણે ટ્રેન મુસાફરોની સલામતી અને સુરક્ષા પર ચર્ચાની માંગ કરી હતી.

પટોલેએ કહ્યું કે પીડિતના પરિવાર ભારે આઘાતમાં છે અને ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમને ઝડપથી ન્યાય મળવો જોઈએ. તેમણે કહ્યું, " દુર્ભાગ્યપૂર્ણ છે કે સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં મુંબઈમાં આવી હિચકારી ઘટના બની છે. સરકારે આ બાબતની તાત્કાલિક તપાસ કરવી જોઈએ અને લેવાયેલા પગલાં વિશે ગૃહને માહિતગાર કરવું જોઈએ."  

સભ્યો દ્વારા ઉઠાવવામાં આવેલી ચિંતાઓનો જવાબ આપતા નાર્વેકરે કહ્યું હતું કે આ ઘટના પર સરકારે પણ ધ્યાન આપવું જરૂરી છે. વરસાદમાં દરવાજા બંધ કરવા જેવી નજીવી બાબતમાં થયેલી દલીલ દરમિયાન મુંબઈની ચાલતી લોકલ ટ્રેનમાં 22 વર્ષીય મુસાફરની ઠંડે કલેજે હત્યાનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો. આ મુદ્દે લોકોએ સોશિયલ મીડિયા પર પણ લોકલ ટ્રેનમાં પ્રવાસીઓની સુરક્ષા મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી.