Tue Sep 15 2026

Logo

લોકલ ટ્રેનમાં ધરાવ્યા છપ્પન ભોગઃ ભાયંદર-દાદર લોકલમાં ભજન મંડળીના 21 વર્ષ પૂર્ણ થતાં કરાઈ અનોખી ઉજવણી

2026-08-10 19:20:38
Author: Mumbai Samachar Team
લોકલ ટ્રેનમાં ધરાવ્યા છપ્પન ભોગઃ ભાયંદર-દાદર લોકલમાં ભજન મંડળીના 21 વર્ષ પૂર્ણ થતાં કરાઈ અનોખી ઉજવણી

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
મુંબઈની લોકલ ટ્રેનમાં રોજ હજારો લોકો ઓફિસ, કામકાજ અને અન્ય જરૂરી કામો માટે મુસાફરી કરે છે. જોકે ભાયંદરથી દાદર જતી સવારે 10:20 વાગ્યાની લોકલ ટ્રેનમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો નજારો જોવા મળ્યો. ‘ઓમકાર ભજન મંડળી ચેરિટેબલ ટ્રસ્ટ’ના 21 વર્ષ પૂર્ણ થતાં મંડળીના સભ્યોએ ચાલતી લોકલમાં જ દેવીમાને 56 ભોગ અર્પણ કરી ધૂમધામથી ઉજવણી કરી હતી.

આ ખાસ પ્રસંગ માટે મંડળીના દરેક સભ્ય પોતાના ઘરેથી પ્રસાદ અને વિવિધ વાનગીઓ લઈને આવ્યા હતા. લોકલમાં જ દેવીમાની પૂજા કરવામાં આવી અને 56 ભોગ ધરાવવામાં આવ્યા હતો. ત્યાર બાદ આરતી અને ભજન કરવામાં આવ્યા હતા. ભક્તિમય વાતાવરણ વચ્ચે સભ્યોએ કેક કાપીને મંડળીના 21 વર્ષ પૂર્ણ થવાની ખુશી પણ વ્યક્ત કરી હતી. આ અનોખી ઉજવણીને લોકલમાં મુસાફરી કરી રહેલા અન્ય મુસાફરોએ પણ રસપૂર્વક નિહાળી હતી.

મળતી માહિતી મુજબ, ‘ઓમકાર ભજન મંડળી ચેરિટેબલ ટ્રસ્ટ’ની શરૂઆત 6 ઓગસ્ટ 2006ના રોજ થઈ હતી. ત્યારથી મંડળીના કેટલાક સભ્યો દરરોજ પશ્ચિમ રેલવેની ભાયંદરથી સવારે 10:20 વાગ્યે ઉપડતી લોકલમાં મુસાફરી દરમિયાન ભજન અને આરતી કરતા આવે છે. રોજની ભાગદોડ વચ્ચે પ્રવાસના કલાકો દરમ્યાન લોકલનો આ ડબ્બો ભક્તિ અને આધ્યાત્મિકતાના વાતાવરણમાં ફેરવાઈ જાય છે.

આ ભજન મંડળીની પ્રવૃત્તિ માત્ર ભજન અને પૂજા પૂરતી મર્યાદિત નથી. આરતી દરમિયાન મળતા નાણાંનો ઉપયોગ જરૂરિયાતમંદોની મદદ અને વિવિધ સામાજિક કાર્યો માટે કરવામાં આવે છે. આ રીતે લોકલ ટ્રેનમાં શરૂ થયેલી ભક્તિની પ્રવૃત્તિ સમાજસેવાનું માધ્યમ પણ બની છે. મંડળીના સભ્યો માટે આ સફર હવે રોજિંદી મુસાફરી કરતાં પણ વધુ એક પારિવારિક માહોલ સમી બની ગઈ છે. 

ભજન મંડળીના પ્રમુખ કમલેશ પટેલે જણાવ્યું હતું કે 21 વર્ષની સફરમાં મંડળી હવે માત્ર ભજન મંડળી રહી નથી, પરંતુ એક પરિવાર બની ગઈ છે. અલગ-અલગ વિસ્તારોમાંથી આવતા સભ્યો દરરોજ સાથે મુસાફરી કરે છે, ભજન-આરતી કરે છે અને એકબીજાના સુખ-દુઃખમાં પણ અડીખમ ઊભા રહે છે. મુંબઈની દોડતી લોકલમાં 21 વર્ષથી ગૂંજતા ભજનો આજે પણ શ્રદ્ધા, એકતા અને સમાજસેવાનો અનોખો સંદેશ આપે છે.