Mon Oct 05 2026

Logo

સાવધાન, આવતીકાલે બાપ્પાના દર્શને નીકળતા પહેલાં જાણો લોકલનું અપડેટ! નહીંતર...

2026-09-19 13:39:00
Author: Darshana Visaria
સાવધાન, આવતીકાલે બાપ્પાના દર્શને નીકળતા પહેલાં જાણો લોકલનું અપડેટ! નહીંતર...

મુંબઈઃ મુંબઈ અને ઉપનગરોમાં ગણેશોત્સવની ધૂમ ચાલી રહી છે ત્યારે લાખો ભક્તો લાલબાગચા રાજા, ગણેશગલી, પરેલચા રાજા  સહિત વિવિધ પ્રખ્યાત પંડાલોમાં બાપ્પાના દર્શન માટે ઉમટી રહ્યા છે. આ દરમિયાન લોકલ ટ્રેનમાં પ્રવાસ કરતા મુંબઈગરાઓ માટે રેલવે પ્રશાસન તરફથી મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. 

દર રવિવારની જેમ આવતીકાલે એટલે કે 20મી સપ્ટેમ્બરના રોજ ગણેશોત્સવ દરમિયાન દર્શનાર્થીઓ અને સામાન્ય પ્રવાસીઓની ભારે ભીડને ધ્યાનમાં રાખીને મધ્ય રેલવે અને પશ્ચિમ રેલવે  દ્વારા નિયમિત રવિવારનો મેગા બ્લોક રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવે પ્રશાસનના આ નિર્ણયથી રવિવારે રજાના દિવસે પરિવાર સાથે બાપ્પાના દર્શન કરવા નીકળતા શ્રદ્ધાળુઓ અને ઉપનગરો વચ્ચે અવરજવર કરતા સામાન્ય નાગરિકોને મોટી સુવિધા મળશે. 

ગણેશોત્સવ દરમિયાન ગણેશભક્તોને પ્રવાસમાં કોઈપણ મુશ્કેલી કે અગવડ ન પડે તે માટે રેલવે પ્રશાસન દ્વારા મેઈન લાઈન સીએસએમટીથી કલ્યાણ/કર્જત/કસરા, હાર્બર લાઈન સીએસએમટીથી પનવેલ અને પશ્ચિમ રેલવે પર ચર્ચગેટથી વિરાર વચ્ચે મેગા બ્લોક હાથ નહીં ધરવામાં આવે. તમામ ઉપનગરીય સેવાઓ રવિવારના ટાઈમટેબલ મુજબ નિયમિત દોડશે.

જોકે, મધ્ય રેલવે પર થાણે-કલ્યાણ વચ્ચે પાંચમી-છઠ્ઠી લાઈન પર સવારે 9 વાગ્યાથી લઈને બપોરે એક વાગ્યા સુધી બ્લોક હાથ ધરવામાં આવશે. બ્લોકના સમયગાળા દરમિયાન અપ-ડાઉન એક્સપ્રેસ ટ્રેનો અપ-ડાઉન ફાસ્ટ લાઈન પર દોડાવવામાં આવશે, જેને કારણે એક્સપ્રેસ ટ્રેનો અને લોકલ ટ્રેનો થોડી અસર જોવા મળી શકે છે. 

વસઈ-દિવા-પનવેલ મેમુ ટ્રેનના શેડ્યૂલમાં ફેરફાર
સમગ્ર ઉપનગરીય સેક્શનમાં બ્લોક રદ હોવા છતાં, ચોક્કસ ટેક્નિકલ કામગીરીને કારણે વસઈ રોડ-દિવા-પનવેલ રૂટ પર ચાલતી કેટલીક મેમુ (MEMU) સેવાઓના ટાઈમટેબલમાં આંશિક ફેરફાર કરવામાં આવ્યો છે અથવા અમુક ફેરીઓ ટૂંકાવવામાં આવી છે. પ્રવાસીઓને વસઈ-દિવા અને ભિવંડી લાઈન પર મુસાફરી કરતા મુસાફરોને સ્ટેશન પર પૂછપરછ કરીને અથવા રેલવે એપ દ્વારા અપડેટેડ ટાઈમટેબલ જોઈને પ્રવાસ કરવા રેલવે દ્વારા અપીલ કરવામાં આવી છે.