મુંબઈ: મુંબઈમાં દર્દીઓ માટે જીવનદાયી ગણાતી બ્લડ બેંકની વ્યવસ્થાને લઈને ગંભીર બેદરકારી સામે આવી છે. મુંબઈ સેન્ટ્રલ સ્થિત જગજીવન રામ હોસ્પિટલની બ્લડ બેંકનું લાઇસન્સ મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)એ બે દિવસ માટે સસ્પેન્ડ કર્યું છે. FDAની તપાસમાં એક-બે નહીં, પરંતુ કુલ 12 નિયમનકારી ખામીઓ સામે આવી છે. તેમાં બ્લડ ડોનેશનના રેકોર્ડથી લઈને જરૂરી સ્ટાફની અછત, દસ્તાવેજોની ખામી અને સૌથી મહત્વપૂર્ણ રીતે લોહીના સ્ટોરેજ સાથે જોડાયેલી ગેરરીતિઓનો પણ સમાવેશ થાય છે. સસ્પેન્શન 15 અને 16 ઓક્ટોબર, 2026ના રોજ અમલમાં રહેશે.
જગજીવન રામ હોસ્પિટલ પશ્ચિમ રેલવે હેઠળ ચાલતી મલ્ટી-સ્પેશિયાલિટી ઝોનલ હોસ્પિટલ છે. FDAએ 25 માર્ચે હોસ્પિટલના બ્લડ સેન્ટરનું નિરીક્ષણ કર્યું હતું. તપાસ બાદ કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી, પરંતુ સેન્ટર તરફથી આપવામાં આવેલો ખુલાસો સત્તાધિકારીઓને સંતોષકારક લાગ્યો નહોતો. ત્યાર બાદ 9 જુલાઈ 2026ના રોજ ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ, 1940 અને રૂલ્સ, 1945 હેઠળ લાઇસન્સ સસ્પેન્ડ કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો.
FDAની તપાસમાં ક્વોરન્ટાઈન રેફ્રિજરેટરના તાપમાનના જરૂરી રેકોર્ડ ઉપલબ્ધ ન હોવાનું સામે આવ્યું હતું. લોહી જેવી સંવેદનશીલ સામગ્રીને નિર્ધારિત તાપમાનમાં રાખવી અત્યંત મહત્વપૂર્ણ છે, ત્યારે તાપમાનની નોંધ જ ઉપલબ્ધ ન હોવી ગંભીર નિયમનકારી ખામી તરીકે જોવામાં આવી હતી.
આ ઉપરાંત બ્લડ સેન્ટરનો સ્ટોક રજિસ્ટર યોગ્ય રીતે ઓથેન્ટિકેટ કરાયો નહોતો અને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર (SOP) પણ અધૂરા હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. સેરો-પોઝિટિવ ડોનર્સના ફોલોઅપ રેકોર્ડમાં પણ ખામીઓ મળી હતી.
સૂચિત ડોનર ફોર્મ નિર્ધારિત માર્ગદર્શિકા પ્રમાણે ન હતું. હોસ્પિટલ પાસે એફેરેસિસ લાઇસન્સ હોવા છતાં એફેરેસિસ રૂમમાં જરૂરી કેલ્શિયમની ગોળીઓ ઉપલબ્ધ નહોતી. ઇમરજન્સી દવાઓ માટે જરૂરી ઇન્ડેન્ટ અથવા બિલિંગ રેકોર્ડ પણ યોગ્ય રીતે જાળવવામાં આવ્યા નહોતા.
આ બ્લડ સેન્ટરમાં દર વર્ષે 5,000થી વધુ બ્લડ યુનિટ એકત્ર કરવામાં આવે છે. તેમ છતાં FDAની તપાસમાં નિર્ધારિત ધોરણની સરખામણીએ સ્ટાફની અછત હોવાનું જણાયું હતું. સેન્ટરમાં માત્ર બે બ્લડ ટ્રાન્સફ્યુઝન ઓફિસર અને એક મેડિકલ સોશિયલ વર્કર હોવાનું સામે આવ્યું હતું. એટલું જ નહીં, ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટઅને ભારતીય ફાર્માકોપીઆની અપડેટેડ નકલો પણ સેન્ટર પર ઉપલબ્ધ નહોતી. એટલે કે બ્લડ બેંકની કામગીરીમાં જરૂરી દસ્તાવેજીકરણથી લઈને સ્ટોરેજ અને સ્ટાફિંગ સુધી અનેક સ્તરે ખામીઓ હોવાનું FDAએ નોંધ્યું.
FDAની કાર્યવાહી બાદ બ્લડ સેન્ટરે દાવો કર્યો હતો કે તમામ ખામીઓ સુધારી દેવામાં આવી છે અને સેન્ટરને રાહત આપવામાં આવે. સેન્ટરે એ પણ જણાવ્યું હતું કે જરૂરિયાતમંદ દર્દીઓને દરરોજ આશરે 15થી 20 બ્લડ બેગ મફતમાં આપવામાં આવે છે. જોકે, FDAએ આ દલીલ સ્વીકારી નહોતી.
સત્તાધિકારીઓએ સ્પષ્ટ કર્યું કે નિરીક્ષણના દિવસે જે નિયમભંગ સામે આવ્યા હતા, તેને બાદમાં કરવામાં આવેલા સુધારાત્મક પગલાંથી નિયમિત ગણી શકાય નહીં. FDAએ આદેશ આપ્યો છે કે લાઇસન્સ સસ્પેન્ડ રહે તે બે દિવસ દરમિયાન બ્લડ સેન્ટર સસ્પેન્ડ કરાયેલા લાઇસન્સ હેઠળ કોઈપણ પ્રવૃત્તિ કરી શકશે નહીં. આ આદેશનું ઉલ્લંઘન કરવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનિત અભિષેકે જણાવ્યું હતું કે રેલવે પ્રશાસને મહારાષ્ટ્ર એફડીએના આદેશની નોંધ લીધી છે. એફડીએની મુખ્ય નોંધણીઓ દસ્તાવેજીકરણ, સ્ટાફિંગ, સૂચિત પ્રોટોકોલ અને જરૂરી રેકોર્ડની જાળવણી સાથે સંબંધિત હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે ખામીઓ દૂર કરવા માટે જરૂરી સુધારાત્મક પગલાં લેવામાં આવી રહ્યા છે અને નિયમોનું સંપૂર્ણ પાલન સુનિશ્ચિત કરવામાં આવશે.
પશ્ચિમ રેલવે એફડીએના આદેશ સામે અપીલ કરવાની શક્યતા પણ તપાસી રહ્યું છે. બ્લડ બેંકમાં લોહીનું સ્ટોરેજ, તાપમાનના રેકોર્ડ, સ્ટાફ અને જરૂરી દસ્તાવેજો જેવી બાબતોમાં એકસાથે અનેક ખામીઓ સામે આવતાં હવે હોસ્પિટલ અને રેલવે તંત્ર માટે આ વ્યવસ્થામાં સંપૂર્ણ સુધારો કરવાની જરૂરિયાત સ્પષ્ટ બની છે.